CMIEનો રિપોર્ટ:દેશમાં બેરોજગારી દર 7.83%, ગુજરાતમાં 1.6%

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ્રિલમાં બેરોજગારી વધી, માર્ચમાં ઘટી હતી, હરિયાણામાં સર્વાધિક 34.5%
  • મહત્ત્વપૂર્ણ વાત : શહેરોમાં બેરોજગારી દર 9.22%, જે માર્ચમાં 8.23% હતો, જોકે ગામડાંમાં સામાન્ય સુધારો

દેશમાં એપ્રિલ મહિનામાં બેરોજગારી દર વધીને 7.83% થઈ ગયો છે જે માર્ચમાં 7.60% હતો. સેન્ટર ફોર મોનિટરિંગ ઓફ ઈન્ડિયન ઈકોનોમી(સીએમઆઈઈ)ના આંકડા જણાવે છે કે શહેરોમાં બેરોજગારી દર 9.22% થઈ ગયો છે જે માર્ચમાં 8.28% હતો. જોકે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી દર ઘટ્યો છે. ગામડાંઓમાં દર 7.18% રહ્યો જે માર્ચમાં 7.29% હતો.

રાજ્યોના હિસાબે જોવામાં આવે તો હરિયાણામાં બેરોજગારી દર 34.5% અને રાજસ્થાનમાં 28.8% નોંધાયો છે. જ્યારે બીજી બાજુ સૌથી ઓછો બેરોજગારી દર હિમાચલ પ્રદેશમાં 0.2% અને છત્તીસગઢમાં 0.6% છે. હરિયાણામાં બેરોજગારી દર વધવાના 3 મુખ્ય કારણ જણાવાઈ રહ્યાં છે. પ્રથમ - બે વર્ષથી સરકારી નોકરી નહીંવત્ પ્રમાણમાં મળી છે. બીજું - રશિયા-યુક્રેન યુદ્ધને કારણે હરિયાણાના કારોબારી ક્ષેત્ર પર અસર થઇ છે. ત્રીજું - ગત દિવસોમાં સતત વીજકાપને કારણે ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યું છે.

માર્કેટમાંથી 38 લાખ કર્મચારી ઓછા થયા, કરોડોએ નોકરી શોધવાનું બંધ કર્યું
સીએમઆઈઈ અનુસાર દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ નબળી થવાને કારણે એપ્રિલમાં 38 લાખ કર્મચારીઓ ઘટી ગયા છે. બીજી બાજુ રોજગારી માટે યોગ્ય કરોડો લોકોએ નોકરી શોધવાનું બંધ કરી દીધું છે કેમ કે તેમને લાગે છે કે બજારમાં કામ જ ઉપલબ્ધ નથી. ડેલૉય ઈન્ડિયાના અર્થશાસ્ત્રી રુમકી મજુમદાર કહે છે કે કોરોનાના દોર બાદ ભારતીય અર્થતંત્ર જોબ ક્રિએશન મામલે અનેક પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યું છે. આ સ્થિતિ લગભગ તમામ સેક્ટરોમાં જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...