• Gujarati News
  • National
  • Security Forces Fired Toiba's Top Commander Umar Mushtaq, His Grandson Syed Ali's Grandson Was Fired.

સેનાને મોટી સફળતા:સુરક્ષા દળોએ તોઈબાના ટોચના કમાન્ડર ઉમર મુશ્તાક અને તેના સાથીને ઠાર કર્યો, અલગતાવાદી નેતા સૈયદ અલીના પૌત્રને નોકરીમાંથી ડિસમિસ કરાયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાશ્મીરમાં બે અલગ-અલગ ઘટનામાં બિહાર અને ઉત્તર પ્રદેશના નાગરિકોની ગોળી મારી હત્યા કરાઈ

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. અહીં અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યાં છે.માર્યા ગયેલા આતંકવાદીઓ પૈકી એક આતંકવાદીની ઓળખ ટોચના 10 આતંકવાદી અને લશ્કરે તોઈબાનો કમાન્ડર ઉમર મુશ્તાક ખાંડે તરીકે કરવામાં આવી છે. જ્યારે અન્ય એક આતંકવાદીનીનું નામ શાહિદ ખુર્શીદ ડાર છે.

સંરક્ષણ ક્ષેત્રના PRO તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે સુરક્ષા દળોએ પુલવામાના પંપોર દ્રંગબલમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની ગુપ્તચર માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. તે સમયે એક ઘરમાં તે છૂપાઈને સુરક્ષા દળો પર ફાયરિંગ કરતા હતા. જવાબી કાર્યવાહીમાં બન્ને આતંકવાદી ઠાર થઈ ગયા હતા.

આ અથડામણ 15 ઓક્ટોરની રાત્રથી ચાલી રહી હતી. આ બન્ને આતંકવાદી વર્ષ 2020થી સક્રિય હતા. તેની પાસેથી AK-47 મળી આવી છે. આ ઓપરેશન સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું. મુશ્તાક કાશ્મીરમાં 2 પોલીસ કર્મચારીઓની હત્યામાં સંડોવાયેલો હતો.

અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના પૌત્રને નોકરીમાંથી તગેડી મુકાયો
અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના પૌત્ર અનીસ-ઉલ-ઈસ્લામને સરકારી નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. તેની ઉપર જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીને સમર્થન આપવાનો આરોપ છે. અનીસ શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં રિસર્ચ ઓફિસર તરીકે કામ કરતો હતો. અધિકારીઓએ આજે સાંજે આ માહિતી આપી હતી. આ ઉપરાંત ડોડાના શિક્ષક ફારુખ અહેમદ બટને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ફારુખનો ભાઈ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અનીસના દાદા અને ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સના ચેરમેન સૈયદ અલી શાહ ગિલાનીની એક મહિના અગાઉ 91 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું.

11 કર્મચારીને નોકરી પરથી ડિસમિસ કરવામાં આવ્યા હતા
ત્રણ મહિના અગાઉ જમ્મી-કાશ્મીર વહિવટી તંત્રએ એક સાથે 11 કર્મચારીઓને ડિસમિસ કર્યાં હતા. તેમા આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના સંસ્થાપક સૈયદ સલાઉદ્દીનના બે દીકરાનો પણ સમાવેશ થતો હતો. સૈયલ સલાઉદ્દીન કાશ્મીરનો છે પણ અત્યારે તે POKમાં છે.

આતંકવાદીઓએ બે નાગરિકોની ગોળી મારી હત્યા કરી
બીજી બાજુ ગઈકાલ સાંજે આતંકવાદીઓએ બે નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો હતો. પુલવામાં અને શ્રીનગરમાં બે નાગરિકોની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી છે. શ્રીનગરમાં અરવિંદ કુમારની હત્યા કરવામાં આવી છે જ્યારે પુલવામામાં ઉત્તર પ્રદેશના રહેવાસી સાગીર અહેમદની હત્યા કરવામાં આવી છે.

કાશ્મીર ઝોનના પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે આતંકવાદીઓએ બે અલગ-અલગ ઘટનાઓમાં બિન નિવાસી શ્રમિકો પર હુમલા કર્યાં હતા. પહેલા હુમલામાં શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં શનિવારે સાંજે બિન સ્થાનિક રહેવાસી નાગરિકની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે.

અન્ય એક ઘટનામાં આતંકવાદીઓએ શનિવારે પુલવામામાં સગીર અહેમદ નામના યુવકની હત્યા કરી હતી. ઉત્તર પ્રદેશનો રહેવાસી અહેમદ મિસ્ત્રી કામ કરતો હતો. પુલવામાના કાકાપોરામાં સુરક્ષા દળોને ટાર્ગેટ કરી આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો પણ કર્યો છે.