ઉદયપુરમાં થયેલા અકસ્માતમાં વરરાજાનું દર્દનાક મોત થઈ ગયું છે. યુવકના 7 દિવસ પછી જ લગ્ન થવાના હતા. દુર્ઘટના ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર આવેલા બોરીકુંઆં-ગોજ્યા ગામ પાસેની છે. મંગળવારે ઘરે માંગલિક કાર્યક્રમમાં દુલ્હો ડીજેના તાલે મિત્રો સાથે નાચી રહ્યો હતો. ત્યારે જ ઘરની સામે હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું.
દુલ્હો વિનોદ મેઘવાલ (25) ટેન્કરમાં ફસાયેલા ડ્રાઈવર અને તેના સહાયકની મદદ માટે દોડ્યો. વિનોદ બંનેને કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી ફુલ સ્પીડમાં આવતા ટ્રકે તેને હડફેટે લઈ લીધો અને ચગદી નાખ્યો. વિનોદના ચીથડાં રસ્તા પર ફેલાય ગયા. રુંવાડા ઊભો કરનારી આ ઘટનાનો વીડિયો બુધવારે સામે આવ્યો.
બોરીકુઆં-ગોજ્યા ગામના રહેવાસી વિનોદના 25 મેનાં રોજ લગ્ન થવાના હતા. તે મંગળવારે સાંજે લગભગ 7 વાગ્યે ડીજે પર ડાન્સ કરી રહ્યો હતો. આ સમયે ઘરથી થોડે દૂર એક ગેસનું ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટી જતું જોઈને વિનોદ પોતાના મિત્રો અને સંબંધીઓને સાથે ત્યાં પહોંચ્યો. ટેન્કર ચાલકને કેબિનમાંથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે જ અમદાવાદ તરફથી આવતા એક ટ્રકે તેને હડફેટે લઈ લીધો.
ગ્રામવાસીઓએ દેખાવ કર્યા
વિનોદે મિત્રો અને સંબંધીઓની સામે જ અંતિમ શ્વાસ લીધા. અચાનક જ શું થઈ ગયું તેના પર કોઈને વિશ્વાસ ન બેઠો. આ ઘટનાની જાણ થતાં જ ગામમાં માતમ ફેલાય ગયો. પરિવારના લોકો ગુસ્સે થઈ ગયા અને મૃતદેહને હાઈવે પર રાખીને પ્રદર્શન કરવા લાગ્યા. જાણકારી મળતા જ ટીડી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ પરિવારને સમજાવીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે મૃતકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું.
કોલેજ સ્ટુડન્ટ હતો વિનોદ
મૃતક વિનોદના ઋષભદેવના થાપડાવાડી ગામમાં રહેતી મનીષા સાથે લગ્ન થવાના હતા. બંને પરિવારમાં ખુશીઓનું વાતાવરણ હતું પણ એક જ ક્ષણમાં આ ખુશીને ગ્રહણ લાગી જતા માતમ ફેરવાય ગયો. વિનોદ ઉદયપુરની એક ખાનગી કોલેજમાં ભણતો હતો. મૃતક પરિવારમાં એકમાત્ર પુત્ર હતો, તેની બે બહેન છે જેમાં એકના લગ્ન થઈ ગયા છે. પિતા મજૂરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.