ઉબર ટેક્નોલોજીસ ઇન્ક ભારતીય કેબ-રાઇડ બિઝનેસને વેચવા માટેની સંભાવનાઓ ચકાસી રહી છે. જોકે યોગ્ય વેલ્યૂએશન ના મળવાથી હાલ પૂરતા આ મુદ્દા પર ચર્ચા-વિચારણા ટાળવામાં આવી છે. સૂત્રોનુસાર, કંપનીનું માનવું છે કે ભારતનું માર્કેટ બિઝનેસ માટે વધુ લાભદાયી હોય તેવી ક્ષમતા મર્યાદિત છે.
આ પછી અમેરિકી કંપનીએ ભારતીય કેબ-રાઇડ બિઝનેસને લઇને અનેક વિકલ્પો પર વિચારવાનું શરૂ કર્યું હતું. તે ઉપરાંત બિઝનેસને ટેકઓવર કરવા માટે ઇચ્છુક અનેક કંપનીઓ સાથે ચર્ચા-વિચારણા પણ કરી હતી. સ્થાનિક કંપનીઓ સાથે સ્ટોક સ્વેપ ડીલ અથવા સંપૂર્ણપણે ઉબરની એક્ઝિટ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. જોકે વિશ્વભરના માર્કેટમાં મંદીના માહોલને જોતા આ યોજનાને પડતી મૂકવામાં આવી હતી.
જાન્યુઆરી 2020માં ફૂડ ડિલિવરી બિઝનેસનું વેચાણ
2019માં આઇપીઓ આવ્યા બાદ ઉબરના શેર્સમાં તેજી જોવા મળી હતી. જાન્યુઆરી 2020માં ઉબરે ભારતમાં પોતાના ફૂડ ડિલિવરી બિઝનેસ ઝોમેટોને વેચી દીધો છે. આ વેચાણના બદલામાં તેને સ્થાનિક સ્ટાર્ટઅપમાં 9.99% હિસ્સો મળ્યો. સાન ફ્રાન્સિસ્કોની કંપની ઉબરે ભારતમાં 2013માં પોતાની કેબ સર્વિસ શરૂ કરી હતી. અત્યારે દેશનાં 100 શહેરમાં કંપની કેબ-રાઇડ સેવા આપી રહી છે.
ઓલા અત્યારે ભારતમાં પોતાની પકડને મજબૂત કરવા માટે સંઘર્ષ કરી રહી છે. એક તરફ ડ્રાઇવરોની અછત કંપનીઓના નફા અને માર્જિન પર દબાણ વધારી રહી છે. જ્યારે બીજી તરફ, ડ્રાઇવર ઇન્સેન્ટિવ અને કેશ સબસિડીને લઇને પણ કંપનીઓ પડકારોનો સામનો કરી રહી છે. એક એવી પણ સંભાવના છે કે ઉબેર પોતાના બિઝનેસ માર્કેટને સ્થાનિક ઓપરેટરને સોંપી દે પરંતુ ભવિષ્યની સંભાવનાઓને ધ્યાનમાં રાખતા પ્રમુખ સ્થાનિક કંપનીમાં ઇક્વિટી હિસ્સો પોતાની પાસે રાખે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.