તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાયરસની તસવીર:આવો દેખાય છે ભારત, યુકે- કેનેડામાં ફેલાયેલો બીજી લહેરનો કોરોના વેરિયન્ટ, પહેલી વાર સામે આવી તસવીર

3 મહિનો પહેલાલેખક: તન્હા પાઠક પટેલ
B.1.1.7 કોરોના વેરિયન્ટમાં N501Y મ્યુટેશન જોવા મળ્યું છે. આ વાયરસ ટાંકણીના ટોપ કરતાં 1 લાખ ગણું નાનું છે
  • નવા વાયરસનું N501Y મ્યુટેશન આપણાં શરીરમાં બહુ ઝડપથી પ્રવેશ કરી લે છે, પરંતુ ભારતીય વેક્સિન તેના પર અસરકારક છે

ભારત, યુકે અને કેનેડામાં બરબાદી ફેલાવનાર બીજી લહેરના કોરોના વેરિયન્ટ B.1.1.7ની પહેલી તસવીર સામે આવી છે. તેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, તે કેવી રીતે તે આપણી કોશિકાઓ સાથે તેના કાંટાળા પ્રોટીન લેયરને ચોંટાડી દે છે. આ જ સ્ટ્રેનના કારણે દુનિયાના ઘણાં દેશોમાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ મજબૂત થઈ છે. કેનેડાના રિસચર્સ દ્વારા આ વેરિયન્ટની પહેલી મોલિક્યુલર તસવીર જાહેર કરી છે.

WHOએ ગયા વર્ષે ડિસેમ્બરના મધ્યમાં કોરોના વાયરસના B.1.1.7 વેરિયન્ટ વિશે જાહેરાત કરી હતી. તે સાથે જ એવું પણ જણાવ્યું હતું કે, વાયરસની અંદર અગણિત મ્યૂટેશન થઈ ચુક્યું છે. આ મ્યૂટેશન એટલું ખતરનાક છે કે, તેના કારણે લોકોની તબિયત વધારે ખરાબ થઈ જાય છે.]

UBCએ શોધી નવા વેરિયન્ટની તસવીર
યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા (UBC)ના શોધકર્તાએ કહ્યું છે કે, B.1.1.7 કોરોના વેરિયન્ટના મોલિક્યુલરની ઈમેજ સામે આવ્યા પછી ખબર પડી છે કે, તે આટલું સંક્રમણ કેમ ફેલાવે છે. આ તસવીર નિયર એટોમિક રિઝોલ્યુશન વાળી છે. એટલે કે આ તસવીરના રિઝોલ્યુશનમાં વાયરસના કણ પણ દેખાઈ રહ્યા છે. UBC શોધકર્તા ટીમના લીડર ડૉ. શ્રીરામ સુબ્રમણ્યમે B.1.1.7 કોરોના વેરિયન્ટની અંદર એક ખાસ પ્રકારનું મ્યુટેશન જોયું છે. તેનું નામ છે N501Y. આ મ્યુટેશન આ વિરયન્ટના કાંટાળા પ્રોટિન લેયર પર દેખાઈ રહ્યું છે. આ કાંટાળા પ્રોટીન લેયરના કારણે કોરોના વાયરસ માણસોની કોશિકાઓમાં સરળતાથી ઘૂસી જાય છે અથવા તેને ચોંટીને રહે છે.

ડૉ. શ્રીરામે જણાવ્યું છે કે, અમે જે તસવીર લીધી છે તેમાં પહેલીવાર N501Y મ્યુટેશન પણ જોવા મળ્યું છે. આ એક બહુ જ સારુ રિસર્ચ છે. આ એક માત્ર મ્યુટેશન છે જે B.1.1.7 કોરોના વેરિયન્ટપર કાંટાળા પ્રોટીનનું લેયર છે. આ લેયર જ માણસની કોશિકાઓના ઉપર આવેલા ACE2 રિસેપ્ટર સાથે જોડાય છે. ACES રિસેપ્ટર એ આપણી કોશિકાઓ ઉપર એન્ઝાઈમનું એક પાતળું લેયર હોય છે. કોરોના વાયરસ આને જ પોતાનું એન્ટ્રી ગેટ બનાવી દે છે.

ટાંકણીના ટોપથી 1 લાખ ગણો નાનો છે આ વાયરસ
રિસર્ચમાં જોવા મળ્યું છે કે, આ કોરોના વાયરસ ટાંકણીનું જે ઉપરનું ટોપ હોય તેના કરતાં એક લાખ ગણો નાનો હોય છે. આ વાયરસ સાદા માઈક્રોસ્કોપથી નથી દેખાતો. જો કોરોના વાઈયરસના કોઈ સ્ટ્રેનને જોવો હોય તો અથવા તેના નાના પાર્ટીકલ્સને જોવા હોય તો તેને સાઈન્ટિસ્ટ ક્રાયો-ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ (Cryo-Electron Microscope)થી જોવો પડે છે. તેને cryo-EM પણ કહેવામાં આવે છે. આ માઈક્રોસ્કોપનો આકાર અંદાજે 12 ફૂટનો હોય છે.

ડૉ. શ્રીરામ કહે છે કે, cryo-EMથી તપાસ કરતી વખતે સેમ્પલને લિક્વિડ નાઈટ્રોજન વાળા તાપમાનમાં રાખવામાં આવે છે. ત્યારપછી માઈક્રોસ્કોપથી ઈલેક્ટ્રોન્સનું એક તેજ કિરણ છોડવામાં આવે છે. આ કિરણ કોરોના વાયરસ જેવા નાનામાં નાના પૈથોજેન્સની તસવીર પણ લે છે. B.1.1.7 કોરોના વેરિયન્ટની તસવીરમાં માઈક્રોસ્કોપે એવું પણ જોયું છે કે, કેવી રીતે N501Y મ્યુટેશન માણસની કોશિકાઓ ACE2 રિસેપ્ટર સાથે જોડાય છે.

વેક્સિન આ વાઈરસને નિષ્ક્રિય કરવામાં સફળ
ડૉ. શ્રીરામે જણાવ્યું કે, એ વાત સાચી છે કે, N501Y આપણાં શરીરમાં બહુ ઝડપથી પ્રવેશ કરી લે છે. પરંતુ સાથે સારી વાત એ પણ છે કે, તેને આપણા શરીરના એન્ટીબોડિ અને વેક્સિન પછી વિકસીત થતાં એન્ટીબોડિ તત્વો નિષ્ક્રિય કરી દે છે. તે સાથે જ B.1.1.7 કોરોના વેરિયન્ટમાં મ્યુટેશન ના હોય તો તેને પણ ખતમ કરી દે છે. ડૉ. શ્રીરામે કહ્યું કે, ભારતમાં જે કોરોના વેરિયન્ટ B.1.617 અત્યારે ચાલી રહ્યો છે તેની એક્ઝેટ તસવીર મેના અંત સુધીમાં બની જશે. આ દરમિયાન અમે બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને કેલિફોર્નિયાના વેરિયન્ટની તસવીરો કાઢીશું.

મોલિક્યૂલર તસવીરોનો અભ્યાસ કરવો જરૂરી
એ બહુ જરૂરી છે કે, અલગ અલગ કોરોના વેરિયન્ટના મોલિક્યૂલરની તસવીરો કાઢીને તેના પર અભ્યાસ કરવામાં આવે. જેથી ખબર પડી શકે કે, વાઈરસના કયા હિસ્સાને નકસાન પહોંચાડવાથી તેને ખતમ કરી શકાય છે. અથવા તેનું સંક્રમણ રોકવા કે ઓછું કરવા શું પગલાં લઈ શકાય છે. ડૉ. શ્રીરામે કહ્યું છે કે, B.1.1.7 કોરોના વેરિયન્ટ અત્યારે યુકે, ભારત અને કેનેડામાં સંક્રમણ ફેલાવી ચૂક્યો છે.

ભારતના કોરોના વેરિયન્ટ B.1.617ની તસવીર કાઢ્યા પછી ભારતના વૈજ્ઞાનિકોને તે વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જેથી તે તેમને સારવારમાં મદદ કરી શકે. તેઓ એવી વેક્સિન બનાવી શકે જેનાથી ભારતના લોકોને સંક્રમણમાંથી મુક્તિ મળે અથવા ઓછો લોકો સંક્રમિત થાય. જોકે આમાં થોડો સમય લાગશે.

કોરોના વાયરસની પ્રથમ તસવીર

કોરોના વાયરસે અત્યાર સુધી દુનિયામાં લાખો લોકોના જીવ લીધા છે. આ વાયરસ ચીનના વુહાનમાંથી ફેલાયો હોવાનું માનવામાં આવે છે. ભારતમાં માર્ચના અંતમાં જ કોરોના વાયરસનો પગ પેસારો થઈ ગયો હતો. તે સમયે ભારતીય રિસર્ચ સંસ્થા ICMRના વૈજ્ઞાનિકો દ્વારા કોરોના વાયરસની પ્રથમ તસવીર શોધી લેવામાં આવી હતી. ભારતીય વૈજ્ઞાનિકોએ તેની માઈક્રોસ્કોપી ઈમેજ પણ જાહેર કરી હતી. તેમા વાયરસને સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. આ તસવીર ભારતમાં કોરોનાના પ્રથમ ત્રણ દર્દીના સેમ્પલ લઈને શોધવામાં આવી હતી. આ ત્રણેય દર્દી સાજા થઈ ગયા હતા. પરંતુ તેમનામાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેના પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ ત્રણેય દર્દી ચીનના વુહાનમાંથી જાન્યુઆરી 2020માં ભારત આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...