• Gujarati News
  • National
  • This Law Will Apply To All Religions And Classes; Water Card Will Be Attached To The Base

કન્યા પધરાવો સાવધાન!:છોકરીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર 21 વર્ષ થશે, તમામ ધર્મ અને વર્ગ પર લાગુ થશે આ કાયદો; આધાર સાથે જોડાશે વોટર કાર્ડ

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક
  • દેશમાં દર વર્ષે 15 લાખ છોકરીનાં લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરે થાય છે
  • અગાઉ 1978માં લગ્નના કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો હતો

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે બે મોટા સુધારા સાથે જોડાયેલા બિલને મંજૂરી આપી છે. પ્રથમ સુધારો છોકરીઓના લગ્નની ઉંમર સાથે સંકળાયેલો છે. કેબિનેટે છોકરીઓ અને છોકરાઓનાં લગ્નની ન્યૂનતમ ઉંમર એકસરખી, એટલે કે 21 વર્ષ કરવાના બિલને મંજૂરી આપી છે. આ કાયદો લાગુ થયો તો તમામ ધર્મો અને વર્ગોમાં છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર બદલાઈ જશે. આ સિવાય ચૂંટણી સુધારાઓ સાથે જોડાયેલા બિલને પણ મંજૂરી આપવામાં આવી છે.

આ બિલ સંસદમાં પાસ થયા પછી વોટર IDને આધાર કાર્ડ સાથે જોડવા ઉપરાંત નવા વોટરોને રજિસ્ટ્રેશનની વધુ તક મળશે. આ બંને બિલને સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે છોકરાઓ અને છોકરીઓનાં લગ્નની ઉંમરને એકસરખી કરવા અંગેની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં લાલ કિલ્લા પરથી પોતાના એક સંબોધનમાં કરી હતી. બીજી તરફ ચૂંટણી સુધારાનો મુદ્દો ઈલેક્શન કમિશન ઘણા સમયથી ઉઠાવતું આવ્યું છે.

4 કાયદામાં ફેરફાર કર્યા પછી તમામ ધર્મો પર એકસરખી રીતે લાગુ કરવાની ભલામણ
છોકરીઓના લગ્નની ન્યૂનતમ ઉંમર પર વિચાર કરવા માટે જેટલીની અધ્યક્ષતામાં એક ટાસ્કફોર્સની રચના કરવામાં આવી હતી, જેણે પોતાનો રિપોર્ટ ગત વર્ષ ડિસેમ્બરમાં નીતિ આયોગને સોંપ્યો હતો. ટાસ્કફોર્સે છોકરીઓના લગ્નની ઉંમર વધારીને 21 વર્ષ કરવાનો સંપૂર્ણ પ્લાન આપ્યો હતો અને એને એકસરખી રીતે સમગ્ર દેશના તમામ વર્ગો પર લાગુ કરવાની પણ ભલામણ કરી છે. મોદી સરકારના કાર્યકાળમાં લગ્નને લગતો આ બીજો મોટો ફેરફાર છે, જે બધા ધર્મો પર એકસરખી રીતે લાગુ થશે. આ પહેલાં NRI મેરેજને 30 દિવસની અંદર માન્યતા આપવાનું મોટું પગલું ભરવામાં આવ્યું છે.

ડિસેમ્બર 2020માં ટાસ્કફોર્સે આપ્યો હતો રિપોર્ટ
10 સભ્યની ટાસ્કફોર્સે સમગ્ર દેશના જાણીતા સ્કોલર્સ, કાયદાકીય નિષ્ણાતો, નાગરિક સંગઠનોના નેતાઓ સાથે ચર્ચા-વિચારણ કરી હતી. વેબિનાર દ્વારા દેશનાં મહિલા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીને ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં સરકારને સોંપવામાં આવ્યો.

આ પહેલાં 1978માં થયા હતા લગ્નના કાયદામાં ફેરફાર
ટાસ્કફોર્સે લગ્નની ઉંમર સમાન 21 વર્ષ રાખવાને લઈને 4 કાયદામાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. છોકરીઓની ન્યૂનતમ ઉંમરમાં ફેરફાર 1978માં કરવામાં આવ્યો હતો અને એના માટે શારદા એક્ટ 1929માં ફેરફાર કરીને ઉંમર 15થી 18 કરવામાં આવી હતી.

18થી 21 વર્ષની વચ્ચે લગ્ન કરનારી છોકરીઓ 16 કરોડ
UNICEFના જણાવ્યા અનુસાર, ભારતમાં દર વર્ષે 15 લાખ છોકરીનાં લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરે જ થઈ જાય છે. વસતિ ગણતરીના આંકડાઓ મુજબ, દેશમાં 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન કરનારી યુવતીઓની સંખ્યા લગભગ 16 કરોડ છે.

આધાર સાથે જોડવાની વ્યવસ્થા વૈકલ્પિક હશે
ઈલેક્શન કમિશને વોટર આઈડી કાર્ડને આધાર સાથે જોડવાની ભલામણ કરી હતી, જેથી મતદાતાઓની યાદીને પારદર્શક બનાવી શકાય. એને કારણે નકલી મતદાતાઓને એકથી વધુ જગ્યાએથી મતદાર યાદીમાંથી દૂર કરી શકાશે.

વન નેશન વન ડેટાની દિશામાં આ મોટું પગલું છે. જનપ્રતિનિધિ કાયદામાં ફેરફાર કરીને 1 જાન્યુઆરી પછી 18 વર્ષના થનારા યુવાઓને વર્ષમાં ચાર વખત મતદાર લિસ્ટમાં નામ નોંધાવવાની પરવાનગી આપવાની પણ જોગવાઈ આ બિલમાં હશે, અત્યારે એક વખત જ આ તક મળે છે.

અન્ય સમાચારો પણ છે...