ટ્વિટર ઈન્ડિયાએ પોતાના MD મનીષ મહેશ્વરીને પદ પરથી દૂર કર્યા છે. તેઓને સીનિયર ડાયરેક્ટર બનાવીને અમેરિકા મોકલવામાં આવ્યા છે. તેઓ નવા માર્કેટ્સમાં રેવન્યૂ, સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સનું કામ જોશે. ભારતમાં મનીષ MD પદે હતા ત્યારે ટ્વિટ અનેક વિવાદોમાં ઘેરાઈ હતી. મળતી માહિતી મુજબ ભારતમાં ટ્વિટરના સેલ્સ હેડ કનિકા મિત્તલ અને બિઝનેસ હેડ નેહા શર્મા કત્યાલ મનીષની જગ્યાએ ટ્વિટર ઈન્ડિયાને લીડ કરશે.
અમેરિકામાં મહેશ્વરી ટ્વિટરના ગ્લોબલ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સના સીનિયર ડાયરેક્ટર ડિઇત્રા મારાને રિપોર્ટ કરશે. ટ્વિટરના સીનિયર એક્ઝિક્યૂટિવ યૂ સાસામોટોએ ટ્વિટરમાં શુક્રવારે આ અંગેની પુષ્ટિ કરી. તેઓએ લખ્યું કે 2 વર્ષથી વધુ સમયથી અમારા ભારતીય વેપારને લીડ કરવા માટે મનીષ મહેશ્વરીનો આભાર. અમેરિકામાં રહીને દુનિયાભરના નવી માર્કેટ માટે રેવન્યૂ સ્ટ્રેટેજી એન્ડ ઓપરેશન્સની જવાબદારી સંભાળવા માટેની નવી ભૂમિકાને લઈને તેમને અભિનંદન
વિવાદોમાં ઘેરાયા હતા મહેશ્વરી
ગાઝિયાબાદની લોની બોર્ડર પોલીસે મનીષ મહેશ્વરીને ટ્વિટરમાં સાંપ્રદાયિક વીડિયો પોસ્ટ હોવા અંગે નોટિસ ફટકારી હતી. સોશિયલ મીડિયામાં સર્ક્યુલેટ થયેલો વીડિયો એક વૃદ્ધ મુસ્લિમ પરના હુમલાનો હતો. નોટિસમાં તેઓને હાજર થવાનું કહેવામાં આવ્યું હતું. જો કે કર્ણાટક હાઈકોર્ટે આ નોટિસને રદ કરી હતી.
હિંદુ દેવીના અપમાનના મામલે ટ્વિટર વિરૂદ્ધ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસની સાઇબર સેલે મનીષ મહેશ્વરી અને ટ્વિટર હેન્ડલ એથિસ્ટ રિપબ્લિક વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. એથિસ્ટ રિપલ્બિકે પોતાના ટ્વિટર હેન્ડલ પર કેટલીક ટી-શર્ટસની તસવીર પોસ્ટ કરી હતી. જેમાંથી એક ટી-શર્ટમાં દેવી કાલીની તસવીર હતી.
એક પછી એક ટ્વિટર વિરૂદ્ધ દાખલ થતા ગયા કેસ
1. દેશનો ખોટો ઝંડો દેખાડવાને લઈને બુલંદશહેરમાં કેસ દાખલ થયો.
2. આ કેસમાં મધ્યપ્રદેશની સાઇબર સેલમાં પણ કેસ દાખલ થયો.
3. ચાઈલ્ડ પોર્નોગ્રાફિક કન્ટેન્ટના મામલે દિલ્હી પોલીસની સાઇબર સેલે કેસ દાખલ કર્યો.
કાયદા મંત્રીનું એકાઉન્ટ બ્લોક કરવાને લઈને બબાલ
25 જૂને ટ્વિટરે કાયદા મંત્રી પદે રહેલા રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ એક કલાક માટે બ્લોક કરી દીધું હતું. આ એક્શન પાછળ ટ્વિટરે અમેરિકી કોપી રાઈટ એક્ટનો હવાલો આપ્યો હતો. બાદમાં ટ્વિટરે ચેતવણી આપતા પ્રસાદનું હેન્ડલ ફરીથી ખોલવામાં આવ્યું હતું. આ મુદ્દે ભારત સરકાર અને ટ્વિટરમાં ટકરાવ સામે આવ્યો હતો.
IT કાયદો ન માનવાને લઈને ટ્વિટરે લીગલ શીલ્ડ ગુમાવ્યું
ટ્વિટરે નવા IT કાયદાનું પાલન નહીં કરવાને કારણે થર્ડ પાર્ટી કન્ટેન્ટ માટે લીગલ શીલ્ડ ગુમાવ્યું હતું. એટલે કે ભારત તરફથી કન્ટેન્ટને લઈને કોઈ પણ પ્રકારની સુરક્ષા મળવાનું બંધ થઈ ગયું હતું. જે બાદ ટ્વિટર ઉપર IPCની કલમ અંતર્ગત કાર્યવાહીની તલવાર લટકી હતી.
હાલનો વિવાદ રાહુલ ગાંધી સાથે જોડાયેલો છે
રેપ પીડિતાના પરિવારની ઓળખ ઉજાગર કરવાને લઈને ટ્વિટરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધું છે. બાદમાં તેને બ્લોક કરી દીધું. જે બાદ કોંગ્રેસે પોતાના 5 અને સીનિયર લીડર્સના ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યું હોવાનો દાવો કર્યો. જે બાદથી ટ્વીટર વિપક્ષના નિશાને આવી ગયું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.