• Gujarati News
  • National
  • Triyuginarayan Temple, The Place Of Shiva Parvati's Wedding, Became A Wedding Destination, Couples Come From All Over The Country, Employment Also Increased.

ભાસ્કર વિશેષ:શિવ-પાર્વતીનાં લગ્નનું સ્થાન ત્રિયુગીનારાયણ મંદિર વેડિંગ ડેસ્ટિનેશન બન્યું, દેશ-વિદેશથી યુગલો આવે છે, રોજગારી પણ વધી

દહેરાદૂન16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રુદ્રપ્રયાગના મંદિરમાં પ્રાચીન સમયથી અગ્નિ પ્રજ્વલિત થતો હોવાની માન્યતા, 3 વિશેષ કુંડ પણ છે

હિમાલયની તળેટીમાં બે હજાર મીટરની ઊંચાઇ પર જે મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન થયાં હોવાની માન્યતા છે, તે મંદિર હવે ડેસ્ટિનેશન વેડિંગ માટે પ્રચલિત બન્યું છે. અહીં દર વર્ષે 200થી વધુ લગ્ન સમારોહનું આયોજન થાય છે. આ મંદિર ઉત્તરાખંડના રુદ્રપયાગ જિલ્લામાં છે.

કહેવાય છે કે છેલ્લા 3 યુગોથી અહીંનો અગ્નિ સતત પ્રજવલિત છે. માટે જ મંદિરનું નામ ત્રિયુગીનારાયણ છે. માન્યતા છે કે આ મંદિરમાં અગ્નિની સાક્ષીએ ફેરા ફરીને પતિ-પત્ની અનેક જન્મો સુધી એક થઇ જાય છે. ડેસ્ટિનેશન વેડિંગ કરાવતા પંકજ ગેરોલા જણાવે છે કે પહેલા આસપાસના ગામના લોકોનો લગ્ન સમારોહ યોજાતા હતા, પરંતુ અહીં વીડિયો શૂટ થયા બાદ 2015થી અચાનક દેશ-વિદેશથી યુગલો અહીં લગ્ન કરવા માટે આવે છે.

હવે અહીં લગ્ન માટે લાઇનો લાગી છે. તારીખ મળવી પણ મુશ્કેલ છે. ગત બુધવારે જ મંદિરમાં લગ્ન માટે ગુજરાત, મહારાષ્ટ્ર અને દેહરાદૂનથી પરિવાર આવ્યો હતો. અહીં 1 દિવસમાં 3 લગ્નનું આયોજન થાય તેટલી જ વ્યવસ્થા છે. માટે જ મંદિરના પૂજારી તેમજ લગ્ન સમારોહનું આયોજન કરનારા ગ્રામ્ય પરિવારોને આગામી તારીખોમાં લગ્નનું આયોજન કરવાની સલાહ આપે છે.

ત્રિયુગીનારાયણ જનવિકાસ મંદિર સમિતિના અધ્યક્ષ દિવાકર ગેરોલા અનુસાર, પહેલા અહીં બહારથી વેડિંગ પ્લાનર આવતા હતા. તેઓ કેટરિંગથી લઇને પુજારી પણ તેમની સાથે લાવતા હતા, પરંતુ હવે ગામની મહિલાઓ જ ગીતો ગાય છે. ગામના જ યુવાઓને કેટરિંગ તેમજ બેંડ-બાજાની તાલીમ અપાઇ રહી છે.

આસપાસ જ 20થી વધુ વેડિંગ પ્લાનર છે. હવે મંદિરની આસપાસ રહેતા 2 હજારથી વધુ લોકો માટે રોજગારીનું સર્જન થયું છે. અહીં ટીવી અભિનેત્રી નિકિતા શર્મા, કવિતા કૌશિક ઉપરાંત દક્ષિણ આફ્રિકાના ગુપ્તા પરિવારની પુત્રીના લગ્ન પણ ત્રિયુગીનારાયણ મંદિરમાં જ થયા હતા. અહીં હેલીપેડની સુવિધા પણ છે, જ્યાંથી મંદિરના લગ્ન સ્થળ સુધી પહોંચવું સરળ છે.

શિવ-પાર્વતી લગ્નમાં વિષ્ણુ માતા પાર્વતીના ભાઇ બન્યા હતા અને બ્રહ્મા પુરોહિત
અહીં શિવ-પાર્વતીનાં લગ્નમાં વિષ્ણુ માતા પાર્વતીના ભાઇના રૂપમાં દરેક રીતિ રિવાજોનું પાલન કર્યું હતું, જ્યારે બ્રહ્મા આ લગ્નમાં પુરોહિત બન્યા હતા. લગ્ન સ્થળના સ્થાનને બ્રહ્મશિલા કહેવાય છે, જે મંદિરની ઠીક સામે સ્થિત છે. આ મંદિરના માહાત્મયનું વર્ણન પુરાણોમાં પણ વાંચી શકાય છે. લગ્ન પહેલાં અહીં દરેક દેવતાએ સ્નાન કર્યું હતું અને માટે જ અહીં ત્રણ કુંડ છે. જેને રુદ્રકુંડ, વિષ્ણુકુંડ અને બ્રહ્મકુંડ કહેવાય છે. આ ત્રણ કુંડમાં સરસ્વતી કુંડમાંથી પાણી આવે છે.

અન્ય સમાચારો પણ છે...