2024ની તૈયારી:તૃણમૂલ રાષ્ટ્રવ્યાપી થઇ રહી છે, અભિષેક ‘રાજ્યાભિષેક’નો પાયો નાખી રહ્યા છે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુપ્રીમો મમતાએ અન્ય રાજ્યોમાં તેમના ભત્રીજાને રાજકીય કમાન સોંપી

પશ્ચિમ બંગાળમાં ભાજપની આંધી અટકાવી શક્તિશાળી બનેલા મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી)ની રાજકીય મહત્ત્વકાંક્ષાઓ હવે રાષ્ટ્રવ્યાપી થઈ ચૂકી છે. બીજા રાજ્યોમાં તૃણમૂલનો પાયો નાખવાની કવાયત શરૂ થઇ ચૂકી છે. પાર્ટી સુપ્રીમો મમતા બેનરજીએ રાજ્યાભિષેકની આ કમાન પરદાની આડમાં લાઈમલાઇટથી દૂર રહેનારા તેમના ભત્રીજા અભિષેક બેનરજીને સોંપી છે. તૃણમૂલએ ગોવામાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અગાઉ મમતાએ દિલ્હીના પ્રવાસે તમામ વિપક્ષના નેતાઓને મળી ઈરાદા સ્પષ્ટ કરી દીધા હતા.

પાર્ટીના મુખપત્ર જાગો બાંગ્લાના 17 સપ્ટેમ્બરના અંકમાં કોંગ્રેસને સડી ગયેલું અર્થ વિનાનું તળાવ ગણાવી રાહુલની જગ્યાએ મમતા બેનરજીને અસલ વિકલ્પ ગણાવાયા હતા. બંગાળમાં જીત બાદ તૃણમૂલનો રાજકીય દાવ હતો કે કોંગ્રેસને ભાજપથી સીધા મુકાબલાવાળા રાજ્યોમાં લડવા દેવામાં આવે પણ હવે તૃણમૂલે નવો પેંતરો અપનાવ્યો છે. ગોવામાં ચૂંટણી લડવાની જાહેરાત કરી તૃણમૂલ દેશભરમાં પોતાને દમદાર નેતાવાળી અસલ કોંગ્રેસ તરીકે રજૂ કરવા જઈ રહી છે. શરૂઆત એવા રાજ્યોમાં થઈ રહી છે જ્યાં કોંગ્રેસ નબળી થઈ ચૂકી છે અને ભાજપ માટે લોકો મજબૂત વિકલ્પ શોધી શકી રહ્યા નથી. અભિષેકે 2022માં ત્રિપુરા અને ગોવાને ટેસ્ટ તરીકે અજમાવ્યા છે.

પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે તેના માટે સંગઠનમાં ફેરફાર અને નવા ચહેરાને પાર્ટીમાં લાવવામાં આવશે. પ્રશાંત કિશોરની ચૂંટણી રણનીતિથી અભિષેકની ટીમ રાજ્યોમાં વિસ્તરણ કરી રહી છે. સૂત્રો કહે છે કે તૃણમૂલને રાષ્ટ્રીય પટલ પર લઈ જવા પાછળ અભિષેકની ઈચ્છા ખુદ બંગાળના મુખ્યમંત્રી બનવાની છે જે મમતા બેનરજીના રાષ્ટ્રીય નેતા બનવાથી પૂરી થઈ શકે છે. આ રણનીતિમાં મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવને તૃણમૂલમાં લાવી રાજ્યસભા મોકલવા અને બાબુલ સુપ્રિયોને ભાજપથી લાવવાનું સામેલ છે. તૃણમૂલ બંગાળ મોડેલનો નો વોટ ટૂ બીજેપી નો સૂત્ર ત્રિપુરા-ગોવા પણ લઈ જશે. પાર્ટી અનુસાર બંગાળથી બહાર ગયા વિના મમતાની રાષ્ટ્રીય મહત્ત્વકાંક્ષા પૂરી નહીં થઇ શકે.

ત્રિપુરા અને ગોવામાં તકની શોધમાં તૃણમૂલ
સીએસડીએસના રાજકીય વિશ્લેષક સંજય કુમાર અનુસાર ત્રિપુરામાં તૃણમૂલ કોંગ્રેસ માટે ભાષાકીય અને પરંપરાગત ડાબેરી વોટબેન્કનું માળખું તૈયાર છે. બાંગ્લા ભાષી ક્ષેત્રોમાં તૃણમૂલનો પ્રવેશ સરળ છે. ગોવામાં ચૂંટણી ઉમેદવાર પર વધારે નિર્ભર કરે છે. તૃણમૂલ યુવા ચહેરા અને જીતાઉ ઉમેદવારો પર દાવ લગાવશે. પૂર્વ મુખ્યમંત્રી લુઈજિનો ફલેરો જૂની કોંગ્રેસી કેડરને તૃણમૂલ સાથે જોડવા પ્રયાસ કરશે.

તૃણમૂલે પ્રચાર પાછળ 154 કરોડ ખર્ચ્યા હતા
પ.બંગાળમાં ચાલુ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી પાછળ તૃણમૂલ કોંગ્રેસે પ્રચાર અભિયાન માટે 154.28 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જ્યારે તમિલનાડુમાં એઆઈએડીએમકેને હરાવી સત્તામાં આવનાર ડીઅેમકેએ ચૂંટણી પ્રચાર પાછળ 114.14 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ માહિતી ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલ રાજકીય દળોના ખર્ચની વિગતમાં સામે આવી છે. ભાજપે ખર્ચની વિગતો હજુ આપી નથી. વિધાનસભા ચૂંટણી પહેલા સુધી સત્તામાં રહેલ એઆઈએડીએમકેએ તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં ચૂંટણી પ્રચાર પાછળ કુલ 57.33 કરોડ ખર્ચ્યા હતા. કોંગ્રેસે આસામ, કેરળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને પ.બંગાળમાં 84.93 કરોડનો જ્યારે સીપીઆઈએ સૌથી ઓછો 13.19 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...