તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Trials Of Different Vaccines In Both Doses Soon; Testing Will Include 8 Vaccines, Including Covishield, Covacin And Sputnik

કોરોના વેક્સિનની કોકટેલ:બે જૂદી જૂદી વેક્સિન લીધી હોય તો ફાયદો કે નુકસાન? સ્પુતનિક સહિત 8 વેક્સિનના કોમ્બિનેશનની ટ્રાયલ શરૂ કરાશે

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાયલથી જાણવા મળશે કે બે અલગ અલગ વેક્સિન આપી શકાય છે કે કેમ
  • વિવિધ વેક્સિનમાંથી કંઈ વેક્સિન વધુ ફાયદાકારક રહેશે એ પણ જાણી શકાશે

કોરોનાની મહામારી વચ્ચે દેશમાં લોકોને વેક્સિન આપવાનું કામ ઝડપી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણા લોકોને બે અલગ-અલગ વેક્સિનના ડોઝ લગાવાયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. એનું રિએકશન તો સામે આવ્યું નથી, પરંતુ સરકાર અને તંત્ર હવે આ બાબતે ટ્રાયલ શરૂ કરવાનાં છે. આગામી કેટલાંક સપ્તાહમાં બે અલગ-અલગ વેક્સિન લગાવવા મુદ્દે ટ્રાયલ થઈ શકે છે. કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક સહિત 8 વેક્સિનને સામેલ કરવામાં આવી શકાય છે.

રાષ્ટ્રીય તકનીકી સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) હેઠળ કાર્યરત કોવિડ-19 વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો. એન.કે. અરોરા દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે બે અલગ-અલગ વેક્સિનની ટ્રાયલથી જાણી શકાશે કે એનાથી ઈમ્યુન સિસ્ટમને વધુ બૂસ્ટ કરી શકાય છે કે નહીં.

બે વેક્સિનનું વધુ સારું કોમ્બિનેશન શોધી રહ્યા છે
ડો.અરોરાએ કહ્યું હતું કે અમે આવી બે વેક્સિનના કોમ્બિનેશનની શોધમાં છીએ, જે સારાં પરિણામ આપી શકે. હાલમાં જે વેક્સિન ઉપયોગમાં લેવાય છે એ ગંભીર બીમારી સામે રક્ષણ પૂરું પાડે છે, પરંતુ સંક્રમણ અને વાયરસની જે અપેક્ષા છે એ સુરક્ષા પ્રદાન કરવામાં સમર્થ નથી. અત્યારે થોડીક બાબતો પર ટેસ્ટિંગ કરવાની ખૂબ જ જરૂર છે. બંને વેક્સિન તેમની જગ્યાએ સંપૂર્ણપણે સલામત છે, પરંતુ ટેસ્ટિંગ એ કરવાનું છે કે શું તેને મિક્સ કરીને આપી શકાય છે. આ બંને વેક્સિન અલગ-અલગ કંપનીઓ બનાવે છે. એવામાં અમે નથી ઇચ્છતા કે કોઈને પણ નુકસાન થાય.

ભારતમાં હાલમાં ફક્ત 2 વેક્સિન આપવામાં આવી રહી
હાલમાં દેશમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન એકમાત્ર ઉપલબ્ધ છે. રશિયાની સ્પુતનિક વેક્સિન ભારતને જૂનના બીજા અઠવાડિયાથી મળી શકે છે. પ્રથમ તબક્કે કોવિશીલ્ડ અને કોવેક્સિન ટ્રાયલમાં સામેલ થઈ શકે છે. આ પછી સ્પુતનિક સહિત 8 વેક્સિન પણ ટેસ્ટિંગમાં સામેલ કરવામાં આવશે.

શું ટેસ્ટિંગ થઈ શકે છે ટ્રાયલમાં?
ટ્રાયલથી જાણવા મળશે કે બે અલગ અલગ વેક્સિન આપી શકાય છે કે કેમ. વિવિધ કંપનીઓમાંથી કઇ કંપનીની વેક્સિન વધુ ફાયદાકારક રહેશે. પ્રથમ ડોઝ તરીકે કઇ વેક્સિન આપવી જોઈએ અને કઈ વેક્સિન બીજા ડોઝમાં. આ બધી ટ્રાયલમાં ટેસ્ટ કરવામાં આવશે.

જુલાઈમાં કેન્દ્ર સરકાર વેક્સિનના 20થી 25 કરોડ ડોઝ ખરીદશે
હાલમાં જ દેશભરમાં કોરોના વેક્સિનની અછતના સમાચાર વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનની ખરીદીમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જુલાઇના અંત સુધીમાં વેક્સિનને 20થી 25 કરોડ ડોઝ ખરીદશે. ત્યાર બાદ ઓગસ્ટ -સપ્ટેમ્બરમાં 30 કરોડ ડોઝ ખરીદવામાં આવશે. કોવિશીલ્ડ વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) જૂનમાં સરકારને 0 કરોડ ડોઝ આપશે.