તામિલનાડુમાં તબાહી મચાવ્યા બાદ હવે ચક્રવાત 'મૈંડુસ' દક્ષિણ આંધ્રપ્રદેશ તરફ આગળ વધી ગયું છે. રાજ્યમાંથી જતાં જતાં 'મૈંડુસ'એ ભારે તબાહી મચાવી છે. ઘણા જિલ્લાઓમાં ભારે પવનને કારણે સેંકડો વૃક્ષો ધરાશાયી થયાં હતાં. ચેન્નઈના ટીનગર વિસ્તારમાં મોટી દીવાલ પડી જતાં 3 વાહનને નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે. હજુ પણ કેટલાક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. જોકે શુક્રવારે મોડી રાત્રે મામલ્લાપુરમ કિનારે ટકરાયા બાદ ચક્રવાત નબળું પડ્યું હતું.
હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને રવિવાર સુધી 13 જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શનિવારે સવારે પવનની ગતિ 50થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન (GCC)એ લોકોને વિનંતી કરી છે કે જ્યાં સુધી ચક્રવાત 'મૈંડુસ' નબળું ન પડે ત્યાં સુધી બહાર જવાનું ટાળો. ચેન્નઈ અને પુડુચેરીની વચ્ચે 1891થી 2021 સુધી, એટલે કે 130 વર્ષમાં 12 ચક્રવાત આવ્યાં છે. આ 13મું ચક્રવાત છે.
તામિલનાડુમાં મૈંડુસ વાવાઝોડાને કારણે થયેલા વિનાશની તસવીરો જુઓ...
પુડુચેરી- કરાઈકલમાં શાળા-કોલેજ બંધ
ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશનના કમિશનરે ચક્રવાત મૈંડુસના જોખમને ધ્યાનમાં રાખીને લોકોને વૃક્ષો પાસે તેમનાં વાહનો પાર્ક ન કરવા જણાવ્યું છે. બધા પાર્ક અને રમતના ગ્રાઉન્ડને બંધ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. આ સાથે લોકોને શુક્રવાર અને શનિવારે દરિયાકિનારે ન જવા માટે કહેવામાં આવ્યું છે, એવું શિક્ષણમંત્રી એ. નમસિવમે જણાવ્યું હતું. પુડુચેરી અને કરાઈકલમાં તમામ શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે.
આંધ્રપ્રદેશમાં ચક્રવાતની અસરને કારણે ભારે વરસાદ
તામિલનાડુની સાથે મૈંડુસની અસરને કારણે આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પ્રસિદ્ધ તીર્થસ્થળ તિરુમાલા તિરુપતિમાં વરસાદને કારણે અફરાતફરી મચી ગઈ હતી. ભગવાન બાલાજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચે છે. આ તમામ લોકો વરસાદથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
ચાર દિવસ માટે એલર્ટ જાહેર
વાવાઝોડાની અસરને કારણે 48થી 56 કલાક સુધી વરસાદ ચાલુ રહી શકે છે. આ દરમિયાન ભારે પવનથી વૃક્ષો અને મકાનોને પણ નુકસાન થઈ શકે છે, આથી વહીવટીતંત્રએ ગુરુવારથી રવિવાર સુધી એલર્ટ જાહેર કર્યું છે. આ સમય દરમિયાન લોકોને બીચથી દૂર રહેવા અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. તમને સલાહનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.
વાવાઝોડું મૈંડુસનું નામ UAEએ આપ્યું
ચક્રવાતી વાવાઝોડું મૈંડુસનું નામ સંયુક્ત આરબ અમીરાત (UAE)દ્વારા નામ આપવામાં આવ્યું છે. અરબીમાં એનો અર્થ ખજાનો થાય છે. આ વર્ષે ચોમાસા પછી બંગાળની ખાડીમાં આ બીજું વાવાઝોડું છે. અગાઉ ઓક્ટોબરમાં સિતરાંગ વાવાઝોડું બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.