• Gujarati News
  • National
  • Train Whistle And Announcements Continue At Mumbai Station Today, But Not A Single Traveler

મુંબઈમાં લોકોએ સડકો પર લખ્યું ઘરીચ થાંબા અર્થાત્ ઘરમાં જ રહો, 10 આધુનિક અજાયબીમાં સામેલ બાંદ્રા-વર્લી સી-લિન્ક પણ સૂમસામ

મુંબઈ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જનતા કર્ફ્યુને લીધે તમામ બિઝનેસ હબ બંધ, હજારોની ભીડ ઉમટતી હોય એ દરેક સ્થળે સન્નાટો
  • મુંબઈ, પુણેના કેટલાંક વિસ્તારોમાં મેડિકલ સ્ટોર્સ સુદ્ધાં બંધ

નેશનલ ડેસ્કઃ જનતા કર્ફ્યુ દરમિયાન મુંબઈનો વિખ્યાત મરિન ડ્રાઈવ વિસ્તાર સૂમસામ છે. સાધારણ રીતે અહીં સવારમાં હજારો લોકો દોડધામ કરતાં જોવા મળતાં હોય છે. તેને બદલે અહીં સર્વત્ર સન્નાટો છે. રોજ જ્યાંથી આશરે દોઢ લાખ વાહનો પસાર થાય છે એ બાંદ્રા-વર્લી સિ-લિન્ક સદંતર ખાલી છે. કેટલાંક વિસ્તારમાં લોકોએ રોડ પર લખ્યું છે... ઘરીચ થાંબા અર્થાત્ ઘરમાં જ રહો. 
પુણેના માંજરી વિસ્તારની સડકો પર નર્યો સન્નાટો છે. એકલદોકલ લોકો સિવાય ભાગ્યે જ કોઈ નજરે પડે છે. સાધારણ રીતે અહીં વહેલી સવારથી જ ભીડ જામવા લાગે છે. પેટ્રોલ પમ્પ પણ ખાલી પડ્યા છે. હડપસર વિસ્તારમાં તો ગ્રાહકોની ગેરહાજરી હોવાથી પેટ્રોલ પમ્પ જ બંધ છે. બસ સ્ટેન્ડ પર પણ ખાલીપો છે. સાધારણ રીતે અહીં વહેલી સવારે 5 વાગ્યાથી મુસાફરોનો ધસારો થતો હોય છે. ઈન્ડસ્ટ્રીયલ હબ ગણાતો પુણેનો મગરપટ્ટા વિસ્તાર પણ આજે સુમસામ છે. શોપિંગ માટે કાયમ ધમધમતો સિઝન મોલ પણ આજે ખાલી છે. જ્યારે કાયમ માટે પોતાની ભીડને લીધે જાણીતી મુંબઈની લોકલ ટ્રેન્સ આજે ખાલીખમ દેખાય છે. મુંબઈ સ્ટેશન પર ટ્રેન અને એનાઉન્સમેન્ટના અવાજ સિવાય સર્વત્ર શાંતિ અને સૂનકાર છે.

અપડેટ્સઃ
    ઈન્ડસ્ટ્રિયલ હબ તરીકે ઓળખાતો પુણેનો મગરપટ્ટા વિસ્તાર સદંતર ખાલી છે. આ વિસ્તારમાં મોટાભાગે આઈટી અને ઓટોમોબાઈલ કંપનીઓના કર્મચારીઓનો ભારે ધસારો હોય છે પરંતુ આજે અહીં સદંતર ખાલી સડકો જોવા મળે છે.

    મગરપટ્ટા સિટી ટાવર નં. 7 10 દિવસથી બંધ કરી દેવાયો છે. તેને પૂર્ણતઃ સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો. અહીં જેટલી પણ કંપનીઓ છે તે દરેક 31 માર્ચ સુધી બંધ રહેવાની છે.     હડપસર વિસ્તારમાં સડકો શાંત છે અને દુકાનો બંધ છે. સાધારણ રીતે આ ભારે ભીડભર્યો વિસ્તાર મનાય છે. અહીં સવારે ચા અને વડાપાંઉની દુકાનો પર ભારે ભીડ જમા થતી હોય છે.

નાગપુર અને મુંબઈ મેટ્રો બંધ
જનતા કર્ફ્યુને લીધે મુંબઈ મેટ્રો વન પણ બંધ છે. મુંબઈ મેટ્રો વને ટ્વિટ કર્યું હતું કે કોવિડ-19 સામેની આ લડાઈના સમર્થનમાં મુંબઈ મેટ્રો વન બંધ રહેશે જેથી કરીને લોકો ઘરમાં જ રહે અને જનતા કર્ફ્યુને સફળ બનાવે. નાગપુર મેટ્રો કોર્પોરેશને પણ મેટ્રો સર્વિસ એક દિવસ માટે બંધ કરી છે.

મોનોરેલ સેવા પણ સ્થગિત
દેશની એકમાત્ર મોનો રેલવે સર્વિસ પણ રવિવારે બંધ છે. મુંબઈમાં વેસ્ટર્ન એક્સ્પ્રેસ હાઈ વે પર ટ્રાફિક સામાન્યથી ય ઓછો જણાય છે.

2800 વધારાના હોમગાર્ડ પુણેમાં તહેનાત
પુણેમાં બંધને અસરકારક બનાવવા માટે 2800 હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. શહેરમાં અગાઉથી જ કલમ 144 કરી દેવાઈ છે. શનિવારની સાંજથી જ પોલીસે શહેરના દરેક વિસ્તારોમાં ફરીને લાઉડ સ્પિકર દ્વારા જનતા કર્ફ્યુનું પાલન કરવા અંગે સુચનાઓ આપી હતી અને લોકોને ઘરની બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો.

કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી
રેલ મંત્રાલય દ્વારા જાહેર કરાયા મુજબ મુંબઈથી ઉપડતી લાંબા અંતરની 245 જેટલી ટ્રેનો રવિવારે રદ કરવામાં આવી છે. લોકલ ટ્રેન સર્વિસ અને બેસ્ટની બસો ચાલુ છે.

કરિયાણાની દુકાનો પર ભારે ભીડ
પુણે, મુંબઈ સહિત રાજ્યના અનેક શહેરોમાં જનતા કર્ફ્યુની પૂર્વસંધ્યાએ શનિવારે કરિયાણાની દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી. લોકો જરૂરિયાતથી ય અનેકગણી વધુ ખરીદી કરતાં જોવા મળ્યાં હતા.

કોરોના સંક્રમણનો આંક 63એ પહોંચ્યો
મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેના નિવેદન મુજબ, રાજ્યમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 63 સુધી પહોંચી છે. શનિવારે એક જ દિવસમાં 10 નવા કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...