• Gujarati News
  • National
  • Top Five Disputes In Country Taj Mahal, Gyanvapi Mosque, Qutub Minar, Mathura Shahi Idgah And Bhojshala Know All About It

ઐતિહાસિક ઈમારતોનો વિવાદ:જાણીએ કાશી-મથુરા અને તાજમહેલથી લઈને કુતુબ મિનાર સુધીનો કેમ સર્જાયો વિવાદ? શું કહે છે ઈતિહાસ?

3 મહિનો પહેલા

કાશી, મથુરા, આગ્રા અને દિલ્હી, આ દરેક જગ્યાએ અત્યારે મંદિર-મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે. મધ્યપ્રદેશના ધારમાં પણ આવો જ એક વિવાદ કોર્ટ પહોંચી ગયો છે. કોઈ કેસમાં કોર્ટે સરવે કરવાનો આદેશ આપ્યો છે તો કોઈ કેસમાં તો સુનાવણી કરવાનો જ ઈનકાર કરી દીધો છે. ક્યાંક તાજમહેલને શિવ મંદિર કહેવામાં આવે છે તો ક્યાંક કુતુબ મિનારને વિષ્ણુ સ્તંભ જાહેર કરવાની માગણી કરાય છે.

દેશમાં મંદિર-મસ્જિદ વિશે ચાલતા પાંચ મોટા વિવાદ કયા છે? એનો ઈતિહાસ શું છે? અને અત્યારે કયા કારણથી ચર્ચામાં છે અને શું વિવાદ છે તે જાણીએ...

જ્ઞાનવાપી મસ્જિદ, વારાણસી, ઉત્તરપ્રદેશ
અત્યારે કેમ ચર્ચામાં:
જ્ઞાનવાપી પરિસરમાં આવેલા શ્રૃંગાર ગૌરી સહિત ઘણા વિભાગોનાં સરવે અને વીડિયોગ્રાફીનો આદેશ કોર્ટે આપ્યો હતો. 10 મેના રોજ કોર્ટમાં રિપોર્ટ આપવાનો હતો. એ માટે કોર્ટે એક કોર્ટ કમિશનરની નિમણૂક કરી હતી. સરવે કરવા પહોંચેલા કમિશનરનો મુસ્લિમ પક્ષે વિરોધ કર્યો હતો. તેમણે કમિશનરની નિષ્પક્ષતા સામે સવાલ ઊભા કર્યા હતા અને તેમને હટાવવાની માગ કરી હતી. આ વિશે કોર્ટમાં ત્રણ દિવસ દલીલ ચાલી અને પછી કોર્ટે નવો આદેશ આપ્યો.

કેટલો જૂનો છે આ વિવાદ: 1991માં વારાણસી કોર્ટમાં દાખલ પહેલી અરજીમાં જ્ઞાનવાપી પરિસરમાં આવેલી મૂર્તિઓની પૂજા કરવાની માગણી કરવામાં આવી હતી. અરજી દાખલ કર્યાના થોડા મહિના પછી સપ્ટેમ્બર 1991માં કેન્દ્ર સરકારે પૂજા-સ્થળ કાયદો બનાવ્યો. આ કાયદા પ્રમાણે, 15 ઓગસ્ટ 1947 પહેલાં અસ્તિત્વમાં આવેલા કોઈપણ ધર્મના પૂજા-સ્થળને અન્ય ધર્મના પૂજા-સ્થળમાં ના ફેરવી શકાય. જ્ઞાનવાપી મુદ્દે આ કાયદાની વાત કરીને મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં અજી કરી હતી.
1993માં અલાહાબાદ કોર્ટે સ્ટે યથાવત્ રાખવાનો આદેશ આપ્યો. 2018માં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો કે સ્ટે ઓર્ડરની મર્યાદા માત્ર છ મહિના માટે જ હોય છે. ત્યાર પછી એ ઓર્ડર પ્રભાવી નથી રહેતો. આ આદેશ પછી 2019માં વારાણસી કોર્ટમાં ફરી સુનાવણી શરૂ થઈ હતી. આ અરજીમાં મસ્જિદ પરિસરના સરવેની માગણી કરવામાં આવી હતી. કોર્ટે આદેશ પણ આપ્યો, પરંતુ એપ્રિલ 2021માં હાઈકોર્ટે સરવે પર બ્રેક લગાવી દીધી હતી.
18 ઓગસ્ટ 2021માં દિલ્હીની પાંચ મહિલાએ બનારસની એક કોર્ટમાં નવી અરજી દાખલ કરી. આ મહિલાઓએ જ્ઞાનવાપી મસ્જિદના પાછળના ભાગમાં આવેલા શ્રૃંગાર ગૌરીની પ્રતિમાની પૂજા કરવાની મંજૂરી માગી હતી. આ અરજી પર પરિસરનો સરવે થઈ રહ્યો છે.

ઈતિહાસ શું કહે છે: આ મુદ્દે અરજી કરનારનો દાવો છે કે 1699માં મુગલ શાસક ઔરંગઝેબે મૂળ કાશી વિશ્વનાથ મંદિર તોડીને અહીં જ્ઞાનવાપી મસ્જિદ બનાવી હતી. જ્યારે મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અહીં કદી મંદિર હતું જ નહીં, અહીં શરૂઆતથી જ મસ્જિદ જ હતી. માનવામાં આવે છે કે કાશી વિશ્વનાથ મંદિરનું વર્તમાન સ્વરૂપ નિર્માણ 1780માં ઈન્દોરની મહારાણી અહિલ્યાબાઈ હોલ્કરે કરાવ્યું હતું.

તાજમહેલ, આગ્રા, ઉત્તરપ્રદેશ
અત્યારે કેમ છે ચર્ચામાં: અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચમાં તાજમહેલ વિશે એક અરજી દાખલ કરાઈ હતી. અરજીમાં તાજમહેલ પરિસરમાં બંધ 22 રૂમ ખોલવાની અને આર્કિયોલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI) પાસે તપાસ કરાવવાની માગ કરી હતી. ગુરુવારે હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી છે.

કેટલો જૂનો છે વિવાદ: 1965માં ઈતિહાસકાર પીએન ઓકેએ તેમના પુસ્તકમાં દાવો કર્યો હતો કે તાજમહેલ એક શિવ મંદિર છે. તેમણે આ વિશે બે પુસ્તકો લખ્યા છે. એક 'ટ્રૂ સ્ટોરી ઓફ તાજ' અને બીજી- 'ધી તાજમહેલ ઈઝ તેજોમહાલય- અ શિવ ટેમ્પલ'. બીજા પુસ્તકમાં તેમણે દાવો કર્યો છે કે તાજમહેલ એક શિવમંદિર છે, જેને તેજોમહાલયના નામે ઓળખવામાં આવતું હતું.
2015માં લખનઉના હરિશંકર જૈને આગ્રાની સિવિલ કોર્ટમાં તાજમહેલને લોર્ડ શ્રી અગ્રેશ્વર મહાદેવ નાગનાથેશ્વર બિરાજમાન તેજોમહાલય મંદિર જાહેર કરવાની અરજી કરી હતી. જોકે ત્યારે જિલ્લા જજે આ અરજી ફગાવી દીધી હતી. ત્યાર પછી જૈને ફરી રિવિઝન માટે અરજી દાખલ કરી હતી. તાજમહેલના બંધ ભાગની વીડિયોગ્રાફી કરાવવાની અરજી એડીજી પંચમના ત્યાં વિચારધીન છે. જોકે 2017માં કેન્દ્ર સરકારે અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI)એ ખુલાસો કર્યો છે કે તાજમહેલમાં કોઈ મંદિર અથવા શિવલિંગ અથવા તેજોમહાલય જેવી વસ્તુ મળી નથી.

ઈતિહાસ શું કહે છે? આગ્રાના તાજમહેલનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ 1632માં શરૂ કરાવ્યું હતું અને 1653માં પૂરું થયું હતું. હિન્દુ સંગઠનનો દાવો છે કે શાહજહાંએ તેજોમહાલય તોડીને અહીં તાજમહેલ બનાવ્યો હતો. તાજમહેલના 22 રૂમની તપાસ થવી જોઈએ એવી અરજી કરનાર બીજેપીના અયોધ્યાના મીડિયા-ઈન-ચાર્જ રજનીશ સિંહનો દાવો છે કે ઈ.સ. 1600માં અહીં આવેલા તમામ યાત્રીઓએ તેમની યાત્રાની યાદમાં રાજા માનસિંહના મહેલનું વર્ણન કર્યું છે. તાજમહેલ 1653માં બન્યો અને 1951માં ઔરંગઝેબનો એક પત્ર સામે આવ્યો છે, જેમાં તેણે લખ્યું હતું કે અમ્મીના મકબરાની મરામત કરાવવી જરૂરી છે.
દાવો એવો પણ છે કે તેજોમહેલ રાજા માનસિંહનો જ હતો. આ વિશેનો એક અભિલેખ જયપુરમાં આવેલા સિટી પેલેસ સંગ્રહાલયમાં પણ છે. એમાં ઉલ્લેખ છે કે રાજા માનસિંહની હવેલીના બદલે શાહજહાંએ રાજા જય સિંહને ચાર હવેલી આપી હતી. આ ફરમાન 16 ડિસેમ્બર 1633નું છે. એમાં રાજા ભગવાન દાસની હવેલી, રાજા માધો સિંહની હવેલી, રૂપસી બૈરાગીની હવેલી અને ચાંદ સિંહ પુત્ર સૂરજ સિંહની હવેલીનો ઉલ્લેખ કરાયો છે.

કુતુબ મિનાર, દિલ્હી
અત્યારે કેમ ચર્ચામાં:
યુનાઈટેડ હિન્દુ ફ્રન્ટ નામના સંગઠનના કાર્યકર્તાઓએ કુતુબ મિનાર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. ત્યાર પછી તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓની માગણી છે કે અહીં કુતુબ મિનારનું નામ બદલીને વિષ્ણુ સ્તંભ કરી દેવામાં આવે.

કેટલો જૂનો વિવાદ: મિનારની દીવાલ પર સદીઓ જૂનાં મંદિરોના અવશેષો સ્પષ્ટ દેખાય છે. એમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓથી લઈને મંદિરની વાસ્તુકલા પણ છે. આ મિનારના પરિસરમાં ભગવાન ગણેશ અને વિષ્ણુની પણ ઘણી મૂર્તિઓ છે. કુતુબ મિનારના પ્રવેશ દ્વાર પર એક શિલાલેખ છે. એમાં 27 હિન્દુ અને જૈન મંદિરો ધ્વસ્ત કરવાની પણ વાત કરવામાં આવી છે.

ઈતિહાસ શું કહે છે?: કુતુબ મિનારનું નિર્માણ 12મી અને 13મી સદી વચ્ચે ઘણા અલગ અલગ શાસક દ્વારા કરવામાં આવ્યું છે. એની શરૂઆત 1193માં દિલ્હીના પહેલાં શાસક કુતુબુદ્દીન એબકે કરી હતી. કુતુબુદ્દીને મિનારનો પાયો નાખ્યો હતો. મિનારનું બેઝમેન્ટ અને પહેલો ફ્લોર તેમણે બનાવડાવ્યો હતો. તેમના શાસક કાળમાં આનું નિર્માણ પૂરું ના થઈ શક્યું. ત્યાર પછી કુતુબુદ્દીનના ઉત્તરાધિકારી અને પૌત્ર ઈલ્તુતમિશે મિનારના વધુ ત્રણ માળ બનાવ્યા. ઈ.સ. 1368માં મિનારની પાંચમા અને અંતિમ માળનું નિર્માણ ફિરોઝ શાહ તુઘલકે કરાવ્યું.

માનવામાં આવે છે કે ઈ.સ. 1508માં આવેલા ભયંકર ભૂકંપને કારણે કુતુબ મિનાર ઘણો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. ત્યારે લોદી વંશના બીજા શાસક સિકંદર લોદીએ તેની મરામત કરાવી હતી. આ મિનારનું નિર્માણ લાલ પથ્થર અને માર્બલથી કરવામાં આવ્યું છે. એની અંદર ગોળ ગોળ અંદાજે 379 પગથિયાં છે.

શાહી ઈદગાહ મસ્જિદ, મથુરા, ઉત્તરપ્રદેશ
અત્યારે કેમ ચર્ચામાં:
મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિશેનો વિવાદ છે. 12 મે અલાહાબાદ હાઈ કોર્ટમાં આ વિશે સુનાવણી શરૂ થઈ. 13.37 એકર જમીનના હક માટે અરજી કરવામાં આવી છે. અરજીમાં સંપૂર્ણ જમીનનો હક લેવા અને શ્રીકૃષ્ણ જન્મભૂમિની બરોબર બનેલી ઈદગાહ મસ્જિદ હટાવવા માટેની માગણી કરવામાં આવી છે. આ મુદ્દે મથુરામી સેશન્સ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. કોર્ટે આ મુદ્દે 19 મે સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

કેટલો જૂનો આ વિવાદ: શાહી ઈદગાહ મસ્જિદ મથુરા શહેરમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસરમાં આવેલી છે. 12 ઓક્ટોબર 1968માં શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાએ શાહી મસ્જિદ ઈદગાહ ટ્રસ્ટ સાથે એક સમજૂતી કરી હતી. સમજૂતીમાં 13.37 એકર જમીન પર મંદિર અને મસ્જિદ બંનેને યથાવત રાખવાની વાત કરવામાં આવી હતી. આખો વિવાદ આ 13.37 એકર જમીન વિશેનો છે. આ જમીનમાં 10.9 એકર જમીન શ્રીકૃષ્ણ જન્મસ્થાન અને 2.5 એકર જમીનમાં શાહી ઈદગાહ મસ્જિદ પાસે છે. આ સમજૂતીમાં મુસ્લિમ પક્ષે મંદિર માટે તેમના કબજાની અમુક જગ્યા છોડીને મુસ્લિમ પક્ષને બાજુમાં આવેલી અમુક જમીન ફાળવવા આવી હતી, પણ હવે હિન્દુ પક્ષ સંપૂર્ણ 13.37 અકર જમીન પર કબજો કરવાની માગણી કરે છે.

ઈતિહાસ શું કહે છે? એવું કહેવાય છે કે ઔરંગઝેબે શ્રીકૃષ્ણ જન્મસ્થળ પર બનેલા પ્રાચીન કેશવનાથ મંદિરને તોડીને એ જ જગ્યાએ 1669-70માં શાહી ઈદગાહ મસ્જિદ બનાવી છે. 1770માં ગોવર્ધનમાં મુઘલો અને મરાઠાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. તેમાં મરાઠાની જીત થઈ હતી. જીત પછી મરાઠાઓએ ફરી મંદિરનું નિર્માણ કર્યું હતું. 1935માં અલાહાબાદ હાઈકોર્ટે 13.36 એકરની વિવાદાસ્પદ જમીન બનારસના રાજા કૃષ્ણ દાસને ફાળવી હતી. એ 1951માં શ્રીકૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટે લીધી હતી.

ભોજશાલા, મધ્યપ્રદેશ
અત્યારે કેમ ચર્ચામાં:
ઈન્દોર હાઈકોર્ટમાં બે અરજી દાખલ કરવામાં આવી છે. એમાં ભોજશાલાને પૂર્ણત: હિન્દુઓને અધિકાર આપવાની માગણી કરવામાં આવી છે. એ માટે પૂરતા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે.

કેટલો જૂનો વિવાદ: વિવાદની શરૂઆત 1902થી થઈ હતી. ત્યારે ધારના શિક્ષક કાશીરામ લેલેએ મસ્જિદના ફ્લોર પર સંસ્કૃત શ્લોક હોવાનો દાવો કર્યો હતો અને તે જગ્યાને ભોજશાલા ગણાવી હતી. ફરી ભોજશાલા 1935માં વિવાદમાં આવી. ત્યારે ધાર મહારાજે ઈમારતની બહાર એક તખ્તી લટકાવી અને તેના પર ભોજશાલા અને મસ્જિદ કમાલ મૌલાના લખાવ્યું હતું. આઝાદી પછી આ મુદ્દો રાજનીતિનું કારણ બન્યો. મંદિરમાં જવા માટે હિન્દુઓએ આંદોલન કર્યા. તેની દેખરેખ ASIને સોંપવામાં આવી. તેમણે અહીં હિન્દુઓને દર મંગળવારે અને વસંત પંચમીએ પૂજા કરવા અને મુસ્લિમોને જર શુક્રવારે નમાઝ પઢવાની મંજૂરી આપી હતી. અહીં 2006, 2013 અને 2016માં શુક્રવારે વસંત પંચમી આવી હોવાથી અહીં સાંપ્રદાયિક તણાવ પણ ઉભો થયો હતો.

ઈતિહાસ શું કહે છે?: અંદાજે 800 વર્ષ જૂની ભોજશાલા વિશે હિન્દુ-મુસ્લિમોમાં મતભેદ છે. હિન્દુઓના મત પ્રમાણે ભોજશાલા એટલે કે સરસ્વતી મંદિર. જ્યારે મુસ્લિમો તેને જૂની ઈબાદતગાહ ગણાવે છે. હિન્દુ સંગઠનનો દાવો છે કે, ભોજશાલા રાજા ભોજ દ્વારા સ્થાપિત સદન છે. અહીં એક સમયે શિક્ષણની બહુ મોટી સંસ્થા હતી. ત્યારપછી અહીં રાજવંશ કાળમાં મુસ્લિમ સમાજને નમાઝ માટે મંજૂરી આપવામાં આવી હતી. કારણકે તે સમયે આ જગ્યા ખાલી પડી હતી. બાજુમાં સુફી સંત કમાલ મૌલાનાની દરગાહ છે. તેથી અહીં ઘણાં વર્ષોથી મુસ્લિમો નમાઝ પઢવા આવે છે. પરિણામે તેને ભોજશાલા નહીં પરંતુ કમાલ મૌલાનાની દરગાહ માનવામાં આવે છે.

બીજુ એક તર્ક એવું છે કે, ભોજશાલાનું નિર્માણ ઈ.સ. 1034માં રાજા ભોજે કરાવ્યું હતું. 1305માં અલાઉદ્દીન ખીલજીએ તેના પર હુમલો કર્યો હતો. ત્યારપછી દિલાવર ખાને અહીં વિજય મંદિરને નષ્ટ કરીને સરસ્વતી મંદિર ભોજશાલાના એક હિસ્સાને મસ્જિદમાં બદલવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારપછી મહમૂદશાહે હુમલો કરીને સરસ્વતી મંદિરના બહારના હિસ્સા પર કબજો કરીને ત્યાં કમાલ મૌલાનાનો મકબરો બનાવ્યો હતો. 1997 પહેલાં અહીં હિન્દુઓને પૂજા નહીં પરંતુ માત્ર દર્શન કરવાની મંજૂરી હતી.

અન્ય સમાચારો પણ છે...