જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન (OIC)ની ટિપ્પણી સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોમવારે કહ્યું - અમને દુખ છે કે OIC સચિવાલયે ફરી એકવાર ભારતની આંતરિક બાબતો પર અયોગ્ય ટિપ્પણી કરી છે. જમ્મુ અને કાશ્મીર આપણું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે.
પાકિસ્તાનનું નામ લીધા વિના ભારતે કહ્યું હતું કે આ સંગઠને કોઈ એક દેશના ઈશારે પોતાનો સાંપ્રદાયિક એજન્ડા ફેલાવવાથી બચવું જોઈએ. હકીકતમાં OIC એ જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન માટે ભારતની ટીકા કરી હતી, જે પછી તરત જ ભારતે પ્રતિક્રિયા આપી છે.
જણાવી દઈએ કે જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા અને લોકસભા સીટોના સીમાંકન પર કેન્દ્રીય પંચે મેની શરૂઆતમાં તેનો અંતિમ રિપોર્ટ સોંપ્યો હતો.
સીમાંકનને કાશ્મીરીઓના અધિકારો વિરુદ્ધ જણાવ્યું
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)એ સોમવારે ટ્વીટ કરીને જમ્મુ અને કાશ્મીરમાં સીમાંકન પર વાંધો ઉઠાવ્યો હતો. એમાં જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરની વસતિવિષયક માળખું બદલવાનો ભારતનો પ્રયાસ કાશ્મીરી લોકોના અધિકારોનું ઉલ્લંઘન છે.
OICએ કહ્યું- સીમાંકનની આ પ્રક્રિયા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ઠરાવો અને ચોથા જીનિવા સંમેલન સહિત આંતરરાષ્ટ્રીય કાયદાનું સીધું ઉલ્લંઘન છે.
અગાઉ પણ ભારતવિરોધી ટિપ્પણી કરી ચૂક્યા છે
આ પહેલીવાર નથી, જ્યારે OIC દ્વારા આવી ટિપ્પણી કરવામાં આવી હોય, ગયા મહિને જ ઈસ્લામાબાદમાં વિદેશમંત્રી સ્તરની બેઠકમાં OIC ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફરન્સના પ્રમુખને બોલાવ્યા. ભારતે પણ આ મુદ્દે સખત વાંધો વ્યક્ત કર્યો હતો.
થોડાં અઠવાડિયાં પછી OIC એ જમ્મુ અને કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂક્યો. આ અંગે OICની બેઠકમાં એક ઠરાવ પણ પસાર કરાયો હતો. સંગઠને કહ્યું હતું કે જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી કાયમી શાંતિ પ્રાપ્ત થશે નહીં. આ ઠરાવને વાહિયાત ગણાવતા વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ તમામ આરોપો પાયાવિહોણા છે.
જાણો સરળ ભાષામાં OIC શું છે
1967ના આરબ-ઇઝરાયેલ યુદ્ધ પછી મે 1971માં OICની સ્થાપના કરવામાં આવી હતી. એનું પૂરું નામ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન છે. તમને જાણીને નવાઈ લાગશે કે એનો હેતુ પેલેસ્ટાઈનને મદદ કરવાનો હતો અને એને ઈઝરાયેલના પડછાયાથી મુક્ત કરવાનો હતો. શરૂઆત 30 દેશોથી થઈ હતી, આજે 57 દેશ એના સભ્ય છે. તેમની કુલ મળીને વસતિ લગભગ 180 કરોડ છે.
સામાન્ય રીતે દરેક રાઉન્ડમાં સાઉદી અરેબિયાનું વર્ચસ્વ હતું. આનાં બે કારણો છે. પ્રથમ- મુસ્લિમોના આસ્થાના બે સૌથી મોટાં કેન્દ્રો એટલે કે મક્કા અને મદીના સાઉદીમાં છે. બીજું- આર્થિક રીતે અન્ય કોઈ મુસ્લિમ દેશ સાઉદીની આસપાસ પણ હરાવી શકતો નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.