• Gujarati News
  • National
  • Doordarshan Happened 61 Years Ago, The Birthday Of Bharat Ratna Visvesvaraya Which We Celebrate As Engineers Day

ઈતિહાસમાં આજ:દૂરદર્શન 61 વર્ષ પહેલાં બન્યું, ભારત રત્ન વિશ્વેશ્વરૈયાનો જન્મદિવસ, જેને આપણે એન્જિનિયર્સ ડે તરીકે મનાવીએ છીએ

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ટીવી અને દૂરદર્શનનો ઈતિહાસ લગભગ એક જેવો જ છે. 15 સપ્ટેમ્બર 1959ના રોજ દિલ્હીમાં દૂરદર્શનની શરૂઆત થઈ. ત્યારે આ ટેસ્ટિંગ તબક્કામાં હતું. એનું નામ આપવામાં આવ્યું હતું ટેલિવિઝન ઈન્ડિયા. 1975માં દૂરદર્શન નામ રાખવામાં આવ્યું. જ્યારે દૂરદર્શન શરૂ થયું તો સપ્તાહમાં ત્રણ દિવસ અડધો-અડધો કલાક પ્રસારણ થતું હતું. 1965માં દૂરદર્શન પર રોજ કાર્યક્રમ પ્રસારિત થવા લાગ્યા. પાંચ મિનિટનું ન્યૂઝ બુલેટિન પણ શરૂ થયું. જોકે ટીવીનો ગ્રોથ શરૂઆતમાં ખૂબ જ ધીમો રહ્યો. 1975 સુધી માત્ર સાત શહેર સુધી જ પહોંચી શક્યું હતું. 1982માં રંગીન ટીવી આવ્યું અને એશિયાઈ રમતોના પ્રસારણે તો એની લોકપ્રિયતાને ઘણી વધારી દીધી હતી. અહીંથી ટીવીની કાયાપલટ થવાની શરૂઆત થઈ. નવા-નવા પ્રોગ્રામ બનવા લાગ્યા. ધીરે-ધીરે સવાર અને પછી બપોરે પ્રોગ્રામ પ્રસારિત થવા લાગ્યા. સાંજે રોજ પ્રસારિત થનારા કૃષિ દર્શન, સપ્તાહમાં બે વખત ચિત્રહાર અને રવિવારે આવનારી રંગોલીની લોકપ્રિયતાની સરખામણીએ આજે કોઈ પ્રોગ્રામ ન આવી શકે. 1966માં શરૂ થયેલા કૃષિ દર્શનનું યોગદાન દેશમાં હરિત ક્રાંતિ લાવવામાં પણ રહ્યું છે. આજે 2 રાષ્ટ્રીય અને 11 ક્ષેત્રીય ચેનલોની સાથે દૂરદર્શનની કુલ 21 ચેનલો પ્રસારિત થાય છે. 14 હજાર જમીની ટ્રાન્સમીટર અને 46 સ્ટુડિયોની સાથે દેશનો સૌથી મોટું પ્રસારણકર્તા છે.

વિશ્વેશ્વરૈયાનો જન્મદિવસ એટલે કે એન્જિનિયર્સ ડે

ભારત રત્ન એમ. વિશ્વેશ્વરૈયા
ભારત રત્ન એમ. વિશ્વેશ્વરૈયા

મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1861ના રોજ કર્ણાટકના કોલાર જિલ્લાના ચિક્કાબલ્લાપુર તાલુકામાં થયો હતો. તેમના પિતા શ્રીનિવાસ શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન અને આયુર્વેદ ચિકિત્સક હતા. વર્ષ 1883માં એન્જિનિયરિંગની પરીક્ષા પ્રથમ ક્ષેણી સાથે ઉત્તીર્ણી થનારા એમ. વિશ્વેશ્વરૈયાનો પસંદગીનો વિષય સિવિલ એન્જિનિયરિંગ હતો. કેરિયરના પ્રારંભમાં જ એમ. વિશ્વેશ્વરૈયાએ કોલ્હાપુર, બેલગામ, ધારવાડ, બિજાપુર, અમદાવાદ અને પૂના સહિત ઘણાં શહેરોમાં જળ આપૂર્તિ પરિયોજનાઓ પર ખૂબ જ કામ કર્યું હતું. 1909માં તેમને મૈસૂર રાજ્યના મુખ્ય એન્જિનિયર નીમવામાં આવ્યા છે. તેઓ રેલવેસચિવ પણ હતા. કૃષ્ણરાજ સાગર બંધના નિર્માણના કારણે મોક્ષગુંડમ વિશ્વૈશ્વરૈયાનું નામ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યું હતું. બંધમાં ઓટોમેટિક દરવાજાઓની ટેક્નિકને યુરોપ સહિત વિશ્વના અન્ય દેશોએ પણ અપનાવી. વિશ્વેશ્વરૈયા ઔદ્યોગિક વિકાસના સમર્થક હતા. 1955માં તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આજના દિવસે શરૂ થયું હતું ચીન અને જાપાનમાં પ્રથમ યુદ્ધ
ચીન-જાપાનનું યુદ્ધઃ 1894-95માં ચીન અને જાપાનની વચ્ચે કોરિયા પર પ્રશાસનિક તથા સૈન્ય નિયંત્રણને લઈને યુદ્ધ લડવામાં આવ્યું હતું. જાપાનની મેઈજી સેના એમાં વિજય બની હતી, જેને કારણે કોરિયા અને તાઈવાનનું નિયંત્રણ જાપાનના હાથમાં આવી ગયું. આ યુદ્ધમાં હારના કારણે ચીનને જાપાનના આધુનિકીકરણનો લાભ સમજાયો અને પછી ચિંગ રાજવંશની વિરુદ્ધ 1911માં ક્રાંતિ થઈ. જાપાને તેના સામ્રાજ્યવાદનું મુખ્ય લક્ષ્ય ચીનને બનાવ્યું અને સૌપ્રથમ કોરિયામાં તેણે ચીનની સાથે પોતાની શક્તિનો પ્રયોગ કર્યો. કોરિયા તેની ભૌગોલિક સ્થિતિના કારણે સામાજિક અને રાજકીય દૃષ્ટિથી જાપાન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. આ કારણે કોરિયા દ્વીપકલ્પમાં જાપાનની ખૂબ જ રુચિ હતી. ચીનના મંચુ સમ્રાટોએ 17મી શતાબ્દીમાં કોરિયા પર કબજો કર્યો હતો અને ત્યારથી કોરિયાને ચીનનો આધીન પ્રદેશ માનવામાં આવતો હતો. કોરિયાના સ્વતંત્ર રાજા ચીનના સમ્રાટને માનની નજરે જોતા હતા. આ રીતે કોરિયાનું રાજ્ય ચીનના એક સંરક્ષિત રાજ્ય સમાન હતું. કોરિયા દ્વીપકલ્પમાં જાપાનનો પરંપરાગત સ્વાર્થ હતું, જે આ યુદ્ધનું કારણ બન્યું.

ઈતિહાસમાં આજના દિવસને આ ઘટનાઓ માટે પણ યાદ કરવામાં આવે છે...

1812ઃ નેપોલિયનના નેતૃત્વમાં ફ્રાંસીસી સેના માસ્કોના ક્રેમલિન પહોંચી.

1982ઃ લેબેનાનના નવા રાષ્ટ્રપતિ બશીર ગેમાયેલ પદ પર આવે એ પહેલાં જ તેમની બોમ્બ વિસ્ફોટમાં હત્યા.

1916ઃ પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રથમ વખત સોમ્મેની લડાઈમાં ટેન્કનો ઉપયોગ કરવામાં આવ્યો.

1948ઃ સ્વતંત્ર ભારતનું પ્રથમ જહાજ આઈએનએસ દિલ્હી-બંબઈ(હવે મુંબઈ)ના બંદરે પહોંચ્યું.

1971ઃ શાંતિ પૂર્ણ વિશ્વના નિર્માણ માટે ગ્રીન પીસની સ્થાપના કરવામાં આવી.

1981ઃ વાનુઅતુ સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્ય બન્યા.

2001ઃ અમેરિકાની સેનેટે રાષ્ટ્રપતિને અફઘાનિસ્તાન પર સૈનિક કાર્યવાહી કરવાની મંજૂરી આપી.

2002ઃ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકના પ્રસંગે ભારત, ચીન અને રશિયાના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ.

2003ઃ સિંગાપોરના મુદ્દે વિકાસશીલ દેશો ભડકતા ડબ્લ્યુટીઓની બેઠક નિષ્ફળ.

2004ઃ બ્રિટિશ નાગરિક ગુરિંદર ચડ્ડાને ‘વુમન ઓફ ધ યર’ સન્માન.

અન્ય સમાચારો પણ છે...