યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહેલા 'ઓપરેશન ગંગા'ના ભાગરૂપે શનિવારે 11 ફ્લાઈટ્સ આવશે. એમાં 2,200થી વધુ ભારતીયોને પરત લાવવામાં આવશે. આ ફ્લાઇટમાંથી 10 દિલ્હીમાં અને એક મુંબઈમાં લેન્ડ થશે.વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ખાર્કિવમાં હવે કોઈ ભારતીય નથી, પિસોચીનથી પણ થોડા કલાકમાં દરેક ઈન્ડિયન્સને નીકાળી લેવામાં આવશે. હવે સરકારનું ફોકસ સૂમી પર છે.
વિદેશ મંત્રીએ એમ પણ કહ્યું છે કે આશરે 2500 જેટલા ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવશે, આ ઉપરાંત યુક્રેનના ખાર્કિવ અને પિસોચિનથી પણ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ અંગે શનિવારે ફરી એક વખત હાઈ લેવલ મીટિંગ બોલાવી હતી. છેલ્લા 4 દિવસમાં PMની આ 9મી બેઠક હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ફરી એક વખત ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન એસ જયશંકર અને પીયૂષ ગોયલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહેલા અભિયાનની સમીક્ષા કરી હતી.
સવારે 8 વાગ્યા સુધી એરફોર્સનાં ત્રણ સી-17 કાર્ગો પ્લેન 629 ભારતીયને લઈને દિલ્હી પહોંચી ગયું છે. 229 ભારતીયોને લઈને ઈન્ડિગો પ્લેન પણ રોમાનિયાના સુસિઆવાથી ઉડાન ભરી હતી. સવારે 7 વાગે દિલ્હી પહોંચ્યું હતું.
ભારત યુક્રેનના પડોશી દેશો રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડમાંથી પોતાના નાગરિકોને વિશેષ ફ્લાઈટ્સ દ્વારા બહાર કાઢી રહ્યું છે. રશિયાના હુમલાને કારણે યુક્રેનનું એરસ્પેસ 24 ફેબ્રુઆરીથી બંધ છે.
ભારતીય દૂતાવાસ બસો દોડાવશે
યુક્રેનમાં ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તે ખાર્કિવ અને પિસોચીનના યુદ્ધક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં વ્યસ્ત છે. ખાર્કિવમાંથી પહેલેથી જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પણ બહાર કાઢવામાં આવ્યા છે. પિસોચીનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ભારત સરકારના ખર્ચે શનિવારે બસો દોડાવવામાં આવશે.
મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં ખાર્કિવ અને પિસોચીનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને ભોજન અને પાણી પહોંચાડવામાં આવ્યું છે. લગભગ 300 ભારતીયો હજુ પણ ખાર્કિવમાં ફસાયેલા છે.
અત્યારસુધીમાં 48 ફ્લાઈટમાંથી 10 હજારથી વધુ ભારતીયો પરત ફર્યા છે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં યુક્રેનથી ભારતીયોને લઈને 18 વિમાન ભારત પહોંચ્યા છે. એમાં લગભગ 4 હજાર ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 48 ફ્લાઈટમાં 10 હજાર 348 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે.
રિજિજુ સ્લોવાકના વડાપ્રધાનને મળ્યા
ઓપરેશન ગંગાની દેખરેખ માટે સ્લોવાકિયા પહોંચેલા કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ ત્યાંના વડાપ્રધાન એડવર્ડ હેગર સાથે મુલાકાત કરી હતી. તેમણે પીએમ નરેન્દ્ર મોદી વતી ભારતીયોને બહાર કાઢવામાં તેમના સહકાર બદલ આભાર માન્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.