શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ પૂનાવાલાને શુક્રવારે દિલ્હીની સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 10 દિવસ પહેલાં 4-5 લોકોએ આફતાબને લઈ જતી વાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે તિહાર જેલે દિલ્હી પોલીસની થર્ડ બટાલિયનને આફતાબને વિશેષ સુરક્ષા આપવા કહ્યું છે. પોલીસ આરોપી વિરુદ્ધના પુરાવા કોર્ટમાં રજૂ કરી શકે છે.
ગયા મહિને આફતાબને દિલ્હીની આંબેડકર હોસ્પિટલમાંથી વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 13 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો.
આફતાબ તિહારમાં ચેસ રમીને સમય વિતાવે છે
હાલમાં જેલ અધિકારીઓએ માહિતી આપી હતી કે આફતાબ મોટા ભાગે ચેસ રમે છે. તે ઘણીવાર એકલો રમે છે અને સફેદ અને કાળા મોહરાઓની એકલા જ ચાલ ચાલે છે. પોલીસના જણાવ્યા અનુસાર, તેની સાથે રહેલા બે કેદી ક્યારેક તેની સાથે ઝઘડો પણ કરે છે. હત્યાની તપાસ કરી રહેલા એક અધિકારીએ કહ્યું હતું કે તે ખૂબ જ ચાલાક છે અને કેસમાં નવો વળાંક લાવી શકે એવી આશા છે.
આફતાબને જેલમાં 'ધ ગ્રેટ રેલવે બજાર' આપવામાં આવ્યું હતું
શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ તિહાર જેલ પ્રશાસનને કોઈપણ અંગ્રેજી નવલકથા વાંચવા માટે કહ્યું હતું. ગયા શનિવારે વહીવટીતંત્રે તેમને 'ધ ગ્રેટ રેલવે બજારઃ બાય ટ્રેન થ્રુ એશિયા' પુસ્તક આપ્યું હતું. આ પુસ્તક અમેરિકન નવલકથાકાર પોલ થેરોક્સનું પ્રવાસવર્ણન છે. જેલ અધિકારીઓએ કહ્યું હતું કે તેમણે તેને પુસ્તક આપ્યું છે, કારણ કે તે ગુના પર આધારિત નથી. આ પુસ્તક વાંચીને આફતાબ પોતાને કે અન્ય કોઈને નુકસાન પહોંચાડી શકે નહીં.
ચાઈનીઝ ચોપર દ્વારા શ્રદ્ધાના શરીરના ટુકડા કરવામાં આવ્યા હતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટેસ્ટ દરમિયાન આફતાબે કહ્યું હતું કે તેણે શ્રદ્ધાના શરીરના ચાઈનીઝ ચોપર વડે ટુકડા કરી નાખ્યા હતા. બાદમાં ચોપરને ગુરુગ્રામમાં તેની ઓફિસ નજીક ઝાડીઓમાં ક્યાંક ફેંકી દેવામાં આવ્યું હતું. બીજી તરફ, શ્રદ્ધાનું માથું મહેરૌલીના જ જંગલમાં ફેંકી દેવામાં આવ્યું હતું. તેણે શ્રદ્ધાના ફોન વિશે પણ માહિતી આપી હતી, જેને તેણે મુંબઈમાં દરિયામાં ફેંકી દીધો હતો. પોલીસ હજુ સુધી ફોન રિકવર કરી શકી નથી.
પોસ્ટ નાર્કો ટેસ્ટ 2 કલાક ચાલ્યો
ગત શુક્રવારે આરોપી આફતાબનો પોસ્ટ નાર્કો ટેસ્ટ પણ પૂર્ણ થયો છે. 'પોસ્ટ નાર્કો ટેસ્ટ ઇન્ટરવ્યૂ' દરમિયાન ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ટીમે તેની લગભગ 2 કલાક પૂછપરછ કરી. અગાઉ નાર્કો ટેસ્ટનો ઈન્ટરવ્યૂ એફએસએલ ઓફિસમાં થવાનો હતો, પરંતુ આફતાબની સુરક્ષાને ધ્યાનમાં લઈને ટીમે તિહાર જેલમાં જ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું હતું.
શ્રદ્ધાનો DNA રિપોર્ટ આવતા અઠવાડિયે આવશે
પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રદ્ધાનો DNA રિપોર્ટ આવતા સપ્તાહ સુધીમાં આવી જશે. જોકે પોલીસ હજુ સુધી શ્રદ્ધાનું માથું શોધી શકી નથી. બોડીના અન્ય ભાગોની પણ શોધ ચાલુ છે. આફતાબના કહેવા પર અત્યારસુધીમાં 13 હાડકાં મળી આવ્યાં છે. આફતાબના ઘરના બાથરૂમ, રસોડા ઉપરાંત બેડરૂમમાંથી પણ લોહીના ડાઘનાં સેમ્પલ મળ્યાં છે, જેને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.
શ્રદ્ધા હત્યા કેસ સાથે જોડાયેલા કેટલાક અન્ય સમાચાર..
શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે જોની-અમ્બર કેસની લાઈવ ટ્રાયલ જોઈ હતી
શ્રદ્ધાની હત્યા પછી આફતાબે હોલિવૂડ સેલિબ્રિટી જોની ડેપ અને અમ્બર હર્ડના માનહાનિ કેસની લાઈવ ટ્રાયલ જોઈ હતી, એ પણ 100 કલાક કરતાં વધુ. પોલીસને શંકા છે કે ટ્રાયલ જોઈને આફતાબે એવી યુક્તિઓ શીખી લીધી, જેનાથી તે પૂછપરછ દરમિયાન પોતાની જાતને સંભાળી શકે અને પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.