પ.બંગાળમાં પોલીસે ઝારખંડના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોની ભારે કેશ સાથે ધરપકડ કરી છે. જામતાડાના ધારાસભ્ય ઈરફાન અન્સારી, સિમડેગાના નમન વિક્સલ કોંગાડી અને ખિજરીના ધારાસભ્ય રાજેશ કચ્છપની પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી છે. તેમનાં વાહનોમાંથી એટલી માત્રામાં કેશ મળી કે પોલીસે ગણવા માટે મશીનો પણ મગાવ્યાં હતાં.
ત્રણેય ધારાસભ્યો ઈરફાન અન્સારીની ગાડીમાં પૂર્વ મિદનાપુર તરફ જઇ રહ્યા હતા. શનિવારે મોડી સાંજે રાનીહાટી પાંચલા પોલીસ સ્ટેશનની હદમાં રાનીહાટી વળાંક નજીક તેમને અટકાવાયા હતા. પોલીસે ગાડીમાં તપાસ કરી તો ઈરફાન ઝઘડવા લાગ્યો. તેના પછી પોલીસે કડકાઈ કરતા ચેકિંગ કર્યુ તો ગાડીમાંથી ભારે માત્રામાં રોકડ મળી હતી. ઘટનાની જાણ થતા જ હાવડા(ગ્રામીણ) એસપી સ્વાતિ ભંગાલિયા પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે પોલીસને જાણ થઇ હતી કે એક ગાડીમાં ભારે માત્રામાં રોકડ લઈ જવાઈ રહી છે. તેના પછી રાનીહાટી વળાંક પર ચેકિંગ અભિયાન ચલાવાયું હતું.
આ દરમિયાન જામતાડા તરફથી આવી રહેલી એક ગાડીને અટકાવાઈ હતી. ગાડીમાં ડ્રાઈવર સહિત પાંચ લોકો હાજર હતા. તેમાં ઝારખંડના ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો હતા. ગાડી પર જામતાડા ધારાસભ્યનું બોર્ડ પણ લગાવાયેલું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.