ઘણા ખેલાડીઓ અને સ્ટાફ કોરોના સંક્રમિત થતાં IPLને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. BCCIના વાઈસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ જાણકારી આપી હતી. બે દિવસમાં વરુણ ચક્રવર્તી, સંદીપ વોરિયર, રિદ્ધિમાન સાહા, અમિત મિશ્રા અને બોલિંગ કોચ બાલાજી સહિત 8 ખેલાડી તેમજ બે કોચિંગ સ્ટાફ મેમ્બર પોઝિટિવ આવતા આ નિર્ણય લેવાયો છે. 29 મેચ પછી IPLને રોકી દેવાઈ છે. બાકીની મેચને રી-શેડ્યુઅલ કરાશે.
BCCIને બે હજાર કરોડનું નુકસાન
IPLને સસ્પેન્ડ કરાઈ છે. જો તેને સમગ્ર રીતે રદ્દ કરાશે તો લગભગ 2000 કરોડનું નુકસાન થશે. સાથે ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ પર પણ જોખમ ઊભું થશે. જો તેનું આયોજન ભારત પાસેથી છીનવી લેવાશે તો પણ BCCIને કરોડોનું નુકસાન થશે.
અત્યાર સુધી આટલા ખેલાડી અને સ્ટાફ પોઝિટિવ
ખેલાડી | ટીમ |
વરુણ ચક્રવર્તી | કોલકતા નાઈટ રાઈડર્સ |
સંદિપ વોરિયર | કોલકતા નાઈટ રાઈડર્સ |
નીતીશ રાણા | કોલકતા નાઈટ રાઈડર્સ |
દેવદત પેડિક્કલ | રોયલ ચેલેન્જર્સ બેગલોર |
અક્ષર પટેલ | દિલ્હી કેપિટલ્સ |
એનરિચ નોર્ખિયા | દિલ્હી કેપિટલ્સ |
ડેનિયલ સૈમ્સ | દિલ્હી કેપિટલ્સ |
અમિત મિશ્રા | દિલ્હી કેપિટલ્સ |
રિદ્ધિમાન સાહા | સનરાઈઝર્સ હૈદરાબાદ |
લક્ષ્મીપતિ બાલાજી (કોચ) | ચૈન્નઈ સુપર કિંગ્સ |
કિરણ મોરે (કોચ) | મુંબઈ ઈન્ડિયન્સ |
ટૂર્નામેન્ટ પહેલા ઘણા ખેલાડીઓને સંક્રમણ લાગ્યું હતુ
IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા હતા.
ખેલાડીઓ પોઝિટિવ આવવા લાગતા ચિંતા વધી હતી
હકીકતમાં આજે રમાનારી મુંબઈ-સનરાઈઝર્સ મેચ વિશે પણ પહેલેથી ચિંતા હતી જ. કારણકે મુંબઈ ઈન્ડિયન્સે શનિવારે સીએસકે સામે મેચ રમી હતી અને મેચ દરમિયાન બાલાજી તેમની સાથે ઘણીવાર સંપર્કમાં આવ્યા હતા. અને હવે સનરાઈઝર્સના ઋદ્ધિમાન સાહા પણ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. KKRના વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર પહેલાં જ પોઝિટિવ નોંધાયા છે.
અગાઉ અશ્વિન સહિત 4 ખેલાડીઓ લીગથી દૂર થયા હતા
આ અગાઉ કોરોનાને કારણે રવિચંદ્રન અશ્વિન સહિત 4 ખેલાડીઓ IPL 2021થી દૂર થઈ ચૂક્યા હતા. દિલ્હીના દિગ્ગજ ખેલાડી અશ્વિન કૌટુંબિક કારણોને લીધે લીગમાંથી દૂર થવાનું નક્કી હતું. તેમના સિવાય ત્રણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ આ સિઝન છોડી ચૂક્યા છે. આમાં રાજસ્થાન રોયલ્સના એન્ડ્ર્યુ ટાઇ અને RCBના કેન રિચર્ડસન અને એડમ જામ્પા સામેલ છે. રિચર્ડસન અને જામ્પા હજી વિમાન ન મળવાને કારણે ભારતમાં અટવાયા છે. જો કે, BCCIએ કહ્યું છે કે લીગ સમાપ્ત થયા પછી, બધા ખેલાડીઓ સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.