• Gujarati News
  • National
  • This Is The State Of The Country's Capital, What Message Are We Sending To The World ?: Supreme

સુપ્રીમ સવાલ:દેશની રાજધાનીના આ હાલ છે, આપણે વિશ્વને શું સંદેશ આપી રહ્યા છીએ?: સુપ્રીમ

નવી દિલ્હી5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિ મામલે સુપ્રીમકોર્ટે બુધવારે ફરી સુનાવણી હાથ ધરી. કોર્ટે કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, હવામાન બગડે ત્યારે જ આપણે ઉપાયો કરીએ છીએ. આ ઉપાયો પ્રદૂષણ ફેલાય તે પહેલાં થવા જોઇએ. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું ઝેરી સ્તર વિશ્વ સમક્ષ દેશની નકારાત્મક તસવીર રજૂ કરી રહ્યું છે. દેશની રાજધાનીના આ હાલ છે. કલ્પના કરો કે આપણે વિશ્વને શું સંદેશ આપી રહ્યા છીએ?’

સીજેઆઇ એન. વી. રમના, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચ દિલ્હીમાં હવાની બગડતી ગુણવત્તા નિયંત્રિત કરવા તાકીદનાં પગલાં ભરવાની દાદ માગતી અરજી મામલે સુનાવણી કરી રહી છે. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે 16 નવેમ્બરે પ્રદૂષણનું સ્તર 403 હતું, જે બુધવારે ઘટીને 208 થયું. આ રજૂઆતથી નારાજ સીજેઆઇએ કહ્યું કે, પાછલા દિવસોમાં પ્રદૂષણ ઘટ્યું તેનો શ્રેય હવાને જાય છે.

આ ‘એક્ટ ઑફ ગોડ’ છે પણ સાંજ સુધીમાં પવન ફરી બંધ થઇ શકે છે અને રાજધાની પ્રદૂષણની દયા પર નિર્ભર થઇ જશે. આપણે હવાના પ્રતાપે બચી ગયા. હવામાન વિભાગે પણ કહ્યું છે કે સાંજ સુધીમાં સ્થિતિ ગંભીર થઇ શકે છે. હાલ પવનની ગતિ 2-3 કિ.મી. છે, જે સાંજ સુધીમાં શૂન્ય થઇ જશે. બેન્ચે મોબાઇલથી એક્યુઆઇ લેવલ તપાસતાં કહ્યું કે હાલ પ્રદૂષણનું સ્તર વધીને 381 થઇ ચૂક્યું છે. સીજેઆઇએ જણાવ્યું કે કોઇ નોંધપાત્ર ફરક નથી પડ્યો. લાગે છે કે સ્થિતિ ફરી ગંભીર થવાની છે. તમારે વધુ 3 દિવસ માટે તકેદારીના પગલાં ભરવા પડશે.

ત્યાર બાદ કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કેસનો નિકાલ લાવવાની કે પ્રદૂષણનું મોનિટરિંગ રોકવાની તેની કોઇ ઇચ્છા નથી. બેન્ચ પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે. પ્રદૂષણનું સ્તર 200 કે તેનાથી નીચે આવે તો તમે પ્રતિબંધ હટાવી શકો છો. જરૂર જણાશે તો રોજેરોજ સુનાવણી કરીશું.

સૂચન: કેન્દ્ર વૈજ્ઞાનિક મોડલ પર આગોતરાં પગલાં લે
કોર્ટે કેન્દ્ર સરકાર અને કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટને સૂચન કર્યું કે વિવિધ ઋતુમાં હવાની પેટર્નના અનુમાન અને વૈજ્ઞાનિક મોડલના આધારે આગોતરા ઉપાય કરવા જોઇએ. જસ્ટિસ ચંદ્રચૂડે જણાવ્યું કે તમારી પાસે આગામી 7 દિવસની હવાની પેટર્ન છે. તમારે હવાની દિશાને અનુરૂપ ઉપાય કરવા પડશે. તમારે શું પગલાં ભરવાના છે અને 7 દિવસ દરમિયાન તે પગલાંની શું અસર થશે તેનો કોઇએ અભ્યાસ કરવો પડશે. આ બધું વિજ્ઞાન આધારિત હોવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...