કોલકાતા પોલિસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે હાવડા ટિકિયાપારા વિસ્તારમાંથી બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. તેઓ આતંકવાદી સંગઠન ISIS સાથે જોડાયેલા હોવાની આશંકા છે. એક સિનિયર પોલીસ અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી મળેલી માહિતીના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાં એક એમટેક એન્જિનિયર છે.
પોલીસને માહિતી મળી હતી કે આ બંને સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને કટ્ટરપંથીને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમનો ઉદ્દેશ્ય લોકોને જેહાદી પ્રવૃત્તિઓ તરફ આકર્ષવા માટે બ્રેઈનવોશ કરવાનો છે. તેઓ યુવાનોમાં રાષ્ટ્રવિરોધી ભાવનાઓ ભડકાવવા માટે વિસ્ફોટ અને હત્યાના વીડિયો બતાવતા હતા.
પાકિસ્તાન, પશ્ચિમ એશિયામાં ISISના હેન્ડલર્સ સાથે સંપર્ક
પોલીસે ઝડપેલા આ બંને આરોપીઓ પાકિસ્તાન અને પશ્ચિમ એશિયામાં ISISના કાર્યકર્તાઓના સંપર્કમાં હતા. STFની ટીમે શુક્રવારે રાત્રે બંનેને ટિકિયાપારાના આફતાબુદ્દીન મુંશી લેન ખાતેના તેમના ઠેકાણા પરથી પકડી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા આતંકવાદીઓના નામ મોહમ્મદ સદ્દામ (28) અને સૈયદ અહેમદ (30) છે. સદ્દામ ખુબજ ભણેલો છે. તેમની પાસેથી એક લેપટોપ, 2 મોબાઈલ ફોન મળી આવ્યા છે. એજન્સીએ તેમના ફોટા જાહેર કર્યા છે, જો કે બંને શંકાસ્પદ આતંકી છે, તેથી તેમના ચહેરા સ્પષ્ટ નથી.
ISISનું નેટવર્ક ફેલાવી રહ્યાં હતા
પોલીસે કહ્યું કે બંને હાવડામાં આતંકી સંગઠન ISISનું નેટવર્ક ફેલાવી રહ્યાં હતા. અમે તેની ભૂમિકા વિશે વધુ જાણવા માટે તેમની પૂછપરછ કરી રહ્યાં છીએ. એવું લાગે છે કે ઘણા યુવાનો તેમની જાળમાં ફસાઈ ગયા છે. ધરપકડ દરમિયાન બંને પાસેથી અનેક દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
સિટી પોલીસના STFને શંકા છે કે આ બંને પાછળ કોઈ મોટા વ્યક્તિનો હાથ છે, જે પાકિસ્તાન અથવા પશ્ચિમ એશિયામાં કાર્યરત હેન્ડલર્સ સાથે જોડાયેલા છે. સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતા બંનેને 19 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
હથિયાર એકઠા કરી રહ્યાં હતા
શરૂઆતની તપાસમાં STFને એ પણ જાણવા મળ્યું કે તેઓએ ખિદિરપુર ખાતે ગુપ્ત બેઠકનું આયોજન કર્યું હતું. ધરપકડ બાદ તેમના ઘરની તપાસ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી ડેબિટ કાર્ડ, ઈલેક્ટ્રોનિક પુરાવા મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના લેપટોપમાંથી જેહાદી સામગ્રી પણ મળી આવી છે. આરોપીઓ હથિયારો એકઠા કરતા હોવાનું જાણવા મળે છે. આ સિવાય તે પૈસા ભેગા કરવાનું કામ પણ કરતા હતા. સમગ્ર મામલે હાલ તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.