સુપ્રીમ કોર્ટે નોટબંધી પર કેન્દ્ર સરકાર અને ભારતીય રિઝર્વ બેંકને નોટિસ જાહેર કરી છે. 5 જજોની બંધારણીય બેન્ચે 9 નવેમ્બર સુધી એ જણાવવા કહ્યું છે કે, કયા કાયદા હેઠળ 1000 અને 500 રૂપિયાની નોટ બંધ કરવામાં આવી હતી. કોર્ટે સરકાર અને RBIને સોગંદનામામાં પોતાનો જવાબ આપવા કહ્યું છે.
અરજી કરતાની દલીલ છે કે, ભારતીય રિઝર્વ બેંક એક્ટની કલમ 26(2) કોઇ વિશેષ મૂલ્યની કરન્સી નોટોને સંપૂર્ણ રીતે રદ્દ કરવા માટે સરકારને અધિકૃત નથી કરતી. કલમ 26 (2) કેન્દ્રને એક ખાસ સીરીઝની કરન્સી નોટ રદ્દ કરવાનો અધિકાર આપે છે, ન કે સંપૂર્ણ કરન્સી નોટોનો. હવે આનો જવાબ સરકાર અને RBIએ આપવાનો છે.
સુપ્રીમ કોર્ટમાં આ સુનાવણી લાઇવ સ્ટ્રીમિંગ https://webcast.gov.in/scindia પર થઇ હતી. આ સિવાય યુટ્યૂબ પર પણ કોર્ટની કાર્યવાહી લાઈવ કરાઈ હતી. આ પહેલા 28 સપ્ટેમ્બરે 5 જજોની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ત્યારે બેન્ચે એવું કહીને કાર્યવાહી ટાળી દીધી હતી કે કોર્ટની પાસે હજુ પણ કેટલાક મહત્વપૂર્ણ અધિકારોથી જોડાયેલા કેસો છે. સુનાવણી દરમિયાન બેન્ચે કહ્યું હતું કે કોર્ટ પહેલા તપાસ કરશે કે શું નોટબંધીનો પડકાર શૈક્ષણિક બની ગયો છે?
2016માં સરકારના નિર્ણય સામે અરજી દાખલ કરાઈ હતી
2016માં વિવેક શર્માએ અરજી દાખલ કરીને સરકારના નિર્ણયને પડકાર્યો હતો. આ પછી વધુ 58 અરજી દાખલ કરવામાં આવી હતી. અત્યારસુધીમાં માત્ર ત્રણ અરજી પર સુનાવણી થઈ હતી. હવે તમામ પર સાથે મળીને સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણીની અધ્યક્ષતા જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર કરશે.
16 ડિસેમ્બર 2016ના રોજ આ કેસ બંધારણીય બેન્ચને સોંપવામાં આવ્યો હતો, પરંતુ એ પછી બેન્ચની રચના થઈ શકી ન હતી. 15 નવેમ્બર 2016ના રોજ એ સમયના ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરે મોદી સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી.
ચીફ જસ્ટિસે કહ્યું- નોટબંધીની યોજના પાછળ સરકારનો ઈરાદો પ્રશંસનીય છે. અમે આર્થિક નીતિમાં હસ્તક્ષેપ કરવા માગતા નથી, પરંતુ લોકોને પડતી અસુવિધા અંગે અમે ચિંતિત છીએ. તેમણે સરકારને આ મુદ્દે એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું હતું.
16 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે આ કેસ પાંચ જજની બેંચને સોંપ્યો હતો
સુપ્રીમ કોર્ટમાં અરજદારના વકીલોએ સરકારની નોટબંધી યોજનામાં ઘણી કાયદાકીય ભૂલોની દલીલ કરી હતી, એ પછી 16 ડિસેમ્બર 2016ના રોજ સુપ્રીમ કોર્ટે આ કેસ પાંચ જજની બંધારણીય બેન્ચને મોકલ્યો હતો. ત્યારે કોર્ટે સરકારના આ નિર્ણય પર કોઈ વચગાળાનો આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો. ત્યારે પણ કોર્ટે નોટબંધીના મુદ્દે અલગ-અલગ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.