ઈન્દોરમાં શાકભાજી વેચનારની દીકરી સિવિલ જજ બની ગઈ છે. બુધવારે 25 વર્ષની અંકિતા નાગરે સૌથી પહેલા તેની માતાને આ ખુશખબર આપ્યા હતા. તેની માતા લારી પર શાકભાજી વેચી રહી હતી. અંકિતા પરિણામની પ્રિન્ટ લઈને તેની માતા પાસે પહોંચી અને કહ્યું, મમ્મી, હું જજ બની ગઈ છું. અંકિતાએ જણાવ્યું કે પરિણામ એક અઠવાડિયા પહેલા જાહેર થયું હતું. પરંતુ પરિવારમાં મૃત્યુ થયેલ હોવાના કારણે બધા ઈન્દોરની બહાર હતા. ઘરમાં શોકમય વાતાવરણ હતું. તેથી હું તેના વિશે કોઈને કહી શકી નહીં.
અંકિતા નાગરે સિવિલ જજની પરીક્ષામાં તેના SC ક્વોટામાં 5મો રેન્ક મેળવ્યો છે. તેણે જણાવ્યું કે પરિવારના તમામ સભ્યો શાકભાજી વેચવાનું કામ કરે છે. પપ્પા સવારે 5 વાગે ઉઠીને બજારમાં જાય છે. મમ્મી સવારે 8 વાગ્યે બધા માટે જમવાનું બનાવે છે અને પપ્પાની શાકની લારી પર ચાલ્યા જાય છે. પછી બંને શાકભાજી વેચે છે. મોટો ભાઈ આકાશ રેતી બજારમાં મજૂરી કામ કરે છે. નાની બહેનના લગ્ન થઈ ગયા છે.
એક નાનકડા ઓરડામાં દરરોજ 8 કલાકનો અભ્યાસ
અંકિતાએ ભાસ્કરને જણાવ્યું કે તે દરરોજ 8 કલાક અભ્યાસ માટે આપતી હતી. જ્યારે, સાંજે લારી પર ભીડ થઈ જાય, ત્યારે તે શાકભાજી વેચવા જતી રહેતી હતી. રાત્રે 10 વાગે તે દુકાન બંધ કરીને ઘરે આવતી હતી. ત્યારબાદ તે રાત્રે 11 વાગ્યાથી ભણવા બેસી જતી હતી.
પહેલા મમ્મીને સારા સમાચાર જણાવ્યા
અંકિતાએ કહ્યું, હું ત્રણ વર્ષથી સિવિલ જજની તૈયારી કરી રહી છું. 2017માં તેણે વૈષ્ણવ કોલેજ, ઈન્દોરમાંથી LLB કર્યું હતુ. આ પછી 2021માં LLMની પરીક્ષા પાસ કરી હતી. પિતા કોલેજની ફી ભરવા માટે ઉધાર લેતા હતા. કોલેજ પછી તે સતત સિવિલ જજની તૈયારીમાં વ્યસ્ત રહેતી હતી. બે વખત સિલેક્શન ન થયા પછી પણ માતા-પિતા પ્રોત્સાહન આપતા રહ્યા હતા. આ જ કારણ છે કે આજે પરિણામ મળતા જ સૌથી પહેલા મેં મારી માતાને ખુશખબર જણાવ્યા હતા.
તમારા પરિણામોથી નિરાશ ન થાઓ, પોતાનો અનુભવ શેર કરતા અંકિતાએ કહ્યું કે પરિણામમાં માર્કસ વધુ-ઓછા આવતા રહે છે, પરંતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. જો તમે નિષ્ફળ થાવ, તો તમારે ફરીથી પ્રયાસ કરવો જોઈએ. ભવિષ્યમાં ચોક્કસપણે સારા પરિણામો મળશે.
મુશ્કેલીઓ વચ્ચે કર્યો અભ્યાસ
અંકિતાએ જણાવ્યું હતુ કે તેની ઘરમાં ખુબ જ નાનો રૂમ છે. ગરમીમાં છત પર લગાવેલા પતરા એટલા ગરમ થઈ જતા હતા કે પરસેવાને કારણે પુસ્તકો પણ ભીના થઈ જતા હતા. વરસાદની ઋતુમાં ઘરમાં પાણી પડતુ હતુ. કાળઝાળ ગરમી જોઈને ભાઈએ મજૂરીમાંથી થોડા પૈસા બચાવીને થોડા દિવસ પહેલા જ એક કુલર અપાવ્યું હતું. મારા પરિવારે મારા અભ્યાસ માટે ઘણું જ કર્યું છે, તે જણાવવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી.
દીકરી એક ઉદાહરણ બની
અંકિતાના પિતા અશોક નાગરે જણાવ્યું કે અંકિતા લાંબા સમયથી સંઘર્ષ કરી રહી હતી. અમારી આર્થિક સ્થિતિ સારી નથી, આવી સ્થિતિમાં અંકિતાના અભ્યાસ માટે અમારે ઘણી વખત રૂપિયા ઉધાર લેવા પડ્યા હતા પણ તેનું ભણવાનું બંધ ન થવા દીધું. અંકિતાની માતા લક્ષ્મીએ જણાવ્યું કે તેમની પુત્રીના જજ બનવાના સમાચાર સાંભળીને મારી આંખોમાંથી આંસુ છલકાઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.