• Gujarati News
  • National
  • There Was A Conspiracy To Give A Big Message To The Country; Secrets Revealed From Hyatt's WhatsApp

કાનપુરમાં રાષ્ટ્રપતિ-PM હતા, તેથી 3 જૂને થઈ હિંસા:દેશને મોટો મેસેજ આપવાનું હતું કાવતરું, હયાતના વ્હોટ્સએપથી ખૂલ્યાં રહસ્યો

23 દિવસ પહેલા

3 જૂને કાનપુર હિંસા એ અચાનક થયેલી ઘટના ન હતી. એ સમજીવિચારીને ઘડવામાં આવેલું કાવતરું હતું. જફર હયાત હાશ્મીના મોબાઈલ વ્હોટ્સએપ ચેટથી એના પુરાવા મળ્યા છે. હિંસાના મુખ્ય આરોપી હયાતે લોકોને દેખાડવા માટે કાનપુર બજાર બંધની યોજના પરત ખેંચી હતી. આ નાટક પોલીસને ગેરમાર્ગે દોરવા માટે હતું. હવે હયાતના વ્હોટ્સએપ ચેટમાં બજાર બંધનો વીડિયો અને ફોટા મળ્યા છે, એમાં તે લોકોને રોકવાને બદલે ઉશ્કેરી રહ્યો છે.

હુમલાખોરોએ કહ્યું- અમારો હેતુ પૂરો થયો
ઘટનાની તપાસ કરતાં એક પોલીસ ઓફિસરે કહ્યું, હયાત જફર હાશ્મી, તેના સાથી જાવેદ, સૂફિયાન અને રાહિલની સાથે અલગ અલગ પૂછપરછ કરવામાં આવી છે. દરેકનાં નિવેદન અલગ અલગ હતાં, પરંતુ અમુક વાતો એક જેવી છે. દરેક લોકોએ કહ્યું, નૂપુર શર્માએ પયંગબર વિશે નિવેદન આપ્યું હતું, ભવિષ્યમાં હવે આવું ફરી કોઈ ના કરે. તેથી રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના કાર્યક્રમના દિવસને હિંસા માટે પસંદ કરવામાં આવ્યા.
હિંસાનું કાવતરું કરનાર લોકોનું કહેવું છે કે તેમનો હેતુ પૂરો થઈ ગયો. દેશના ટોપની મુખ્ય વ્યક્તિઓ સુધી આ વાત પહોંચી ગઈ છે. આરોપીઓએ કહ્યું હતું કે બજાર બંધ કરવાનો પ્લાન માત્ર કાનપુરનો નહોતો. પ્રયત્ન એવો હતો કે દરેક શહેરમાં આવું થાય.

141 ગ્રુપમાં મળી શંકાસ્પદ વાતો
હયાત હાશ્મીના મોબાઈલમાં એના વ્હોટ્સએપમાં 141 ગ્રુપ મળ્યા છે. હિંસાવાળા દિવસે એટલે કે 3 જૂને હયાત 14 ગ્રુપમાં સૌથી વધારે એક્ટિવ હતો. સૌથી વધારે વાતચીત અને અપડેટ MMA જૌહર ફેન્સ એસોસિયેશન કાનપુર ટીમ નામના એક ગ્રુપમાં જોવા મળી હતી. હયાત બજાર બંધ કરાવનાર લોકોને પ્રોત્સાહન આપતો હતો. ત્યાર પછી બજાર બંધ થવાના ફોટો વીડિયો અપડેટ થવા લાગ્યા હતા.

હયાત સાથે તેની પત્ની પણ એક્ટિવ
ગ્રુપમાં હયાત જફર હાશ્મીની પત્ની ઘણી એક્ટિવ હતી. તે પણ બંધથી લઈને વિવાદ સર્જાયો ત્યાં સુધીના ફોટો વીડિયો શેર કરતી હતી. તેણે પણ ઘણાં મેસેજ નાખ્યા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે હયાતની પત્ની જ આ ગ્રુપની એડમિન છે. પોલીસ એક-એક મેસેજની તપાસ કરી રહી છે. એ સાથે જ આ ગ્રુપમાં કોણ કોણ જોડાયેલું છે અને તેઓ ક્યાંના છે એની પણ પૂરતી તપાસ કરવામાં આવી રહી છે.

પડદા પાછળથી મદદ કરી રહ્યાં છે મોટાં માથાં
વિવાદના દિવસે હયાત જફર હાશ્મીએ શહેરનાં ઘણાં મોટાં માથાં સાથે વાતચીત કરી હતી. તેમના મોબાઈલ નંબરના CDRથી આ વિશે ઘટસ્ફોટ થયો છે, તેથી શંકા વધી ગઈ છે, વિવાદમાં આ લોકો પણ સક્રિય રહ્યા હતા, પરંતુ એ લોકો સામે નથી આવ્યા. તે લોકો પડદા પાછળથી આ કાવતરામાં સામેલ રહ્યા છે. પોલીસ હવે આ દરેક લોકોની ધરપકડ માટે સાક્ષી ભેગા કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...