ઇન્ટરપોલ:ભ્રષ્ટાચાર, આતંકીઓ, ડ્રગ કાર્ટેલ માટે કોઇ સુરક્ષિત ઠેકાણાં ના હોવા જોઇએ

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 90મી ઈન્ટરપોલ મહાસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

દુનિયાભરના ભ્રષ્ટાચારીઓ, આતંકવાદીઓ, ડ્રગ કાર્ટેલ્સ, શિકારીઓ અને સંગઠિત ગુનાખોરીમાં સામેલ લોકો માટે દુનિયામાં ક્યાંય સુરક્ષિત ઠેકાણું ના હોવું જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આયોજિત ઇન્ટરપોલની 90મી મહાસભામાં સંબોધન કરતા આ શબ્દો ઉચ્ચાર્યા હતા. 18થી 21મી ઓક્ટોબર સુધી ચાર દિવસ સુધી આયોજિત આ મહાસભામાં 195 દેશના પ્રતિનિધિ સામેલ થયા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે કોઇ પણ દેશ કે સમાજના ખતરાનો સામનો કરવા માટે અમે વૈશ્વિક સહકારની અપીલ કરીએ છીએ. દુનિયાને તમામ પ્રકારનાં જોખમોથી સુરક્ષિત રાખવાની આપણી સામૂહિક જવાબદારી છે. જ્યારે સારી શક્તિઓ ભેગી થાય છે, ત્યારે ગુનાખોરીની શક્તિ કામ નથી કરી શકતી. જો ખતરા વૈશ્વિક હોય, તો પ્રતિક્રિયા સ્થાનિક ના હોઇ શકે. ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાખોરીના કારણે અનેક દેશનાં હિતોને નુકસાન થયું છે. વૈવિધ્ય અને લોકશાહી જાળવી રાખવામાં ભારત આખી દુનિયા માટે કેસ સ્ટડી છે.

સાઈબર ગુનાખોરીથી થતું નુકસાન 2025 સુધી રૂ. 861 લાખ કરોડે પહોંચશે
ઇન્ટરપોલના સેક્રેટરી જનરલ જુર્ગેન સ્ટોકે કહ્યું કે સાઈબર ગુનાખોરી, છેતરપિંડી અને ઓનલાઇન બાળશોષણની ઘટનાઓ ઘણી ઓછી ચોપડે નોંધાય છે. સાઈબર ક્રાઇમથી થતું નુકસાન 2025 સુધી 861 લાખ કરોડે પહોંચવાની શક્યતા છે. સંગઠિત ગુનાખોરીનું નેટવર્ક કરીને માફિયા અબજો ડૉલરની કમાણી કરી રહ્યા છે. હકીકત એ છે કે વૈશ્વિક ગેરકાયદે નાણાકીય પ્રવાહ ફક્ત એક ટકા જ ઇન્ટરસેપ્ટ કરી શકાયો છે, જે ચિંતાનો વિષય છે. ઇન્ટરપોલે વૈશ્વિક સ્તરે છેતરપિંડી રોકવા એન્ટિ મની લોન્ડરિંગ રેપિડ રિસ્પોન્સ પ્રોટોકોલ પણ વિકસાવ્યો છે. તેના કારણે છેલ્લા દસ મહિનામાં રૂ. 493 કરોડની સાઈબર છેતરપિંડી અટકાવવામાં મદદ કરી હતી.

દાઉદ અને સઇદ ભારતને સોંપવા અંગે પાકિસ્તાન મૌન
ઈન્ટરપોલની બેઠકમાં આવેલા પાકિસ્તાની અધિકારીઓને ભારતીય પ્રતિનિધિઓએ દાઉદ ઇબ્રાહિમ અને લશ્કર-એ-તોઈબાના વડા હાફિઝ સઇદ અંગે સવાલ કર્યા હતા. જોકે, આ મુદ્દે પાકિસ્તાની અધિકારીઓએ મૌન સાધી લીધું હતું. પાકિસ્તાનની તપાસ એજન્સી ફેડરલ ઇન્વેસ્ટિગેશનના ડીજી મોહનિસ બટને સવાલ કરાયો હતો કે દાઉદ અને હાફિઝ સઇદ ભારતને ક્યારે સોંપાશે? આ સવાલ સાંભળતા જ મોહનિસે જવાબ આપવાનો જ ઇનકાર કરી દીધો હતો અને તેમની ખુરશી પર પાછા બેસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...