દેશમાં 12 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને કોરોનાની રસી આપવી જોઇએ કે નહીં તે અંગે હાલ નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશન (એન્ટાગી)માં ચર્ચા જારી છે ત્યારે દેશના મોટા નિષ્ણાતોનું માનવું છે કે 12 વર્ષથી નાના બાળકોને રસીની જરૂર જ નથી, કેમ કે હાલ કોઇ ઇમરજન્સીની સ્થિતિ નથી. તેથી ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગની મંજૂરી આપવાનો કોઇ અર્થ નથી. રસીને સંપૂર્ણપણે મંજૂરી મળ્યા પછી અને લાંબા સમયનો સેફ્ટી ડેટા ઉપલબ્ધ બન્યા પછી જ બાળકોને રસી આપવા વિચારવું જોઇએ. ઉતાવળ કરવાની કોઇ જરૂર નથી.
એન્ટાગીએ 12થી 15 વર્ષના માટે પણ ભલામણ નથી કરી
જાણીતા માઇક્રોબાયોલોજિસ્ટ, વાઇરોલોજિસ્ટ ડૉ. ગગનદીપ કંગે જણાવ્યું કે એન્ટાગીએ 12થી 15 વર્ષનાં બાળકોને રસી આપવાની પણ કોઇ જ ભલામણ નહોતી કરી. તે અંગે નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ-19એ નિર્ણય લીધો હતો.
તર્ક-1: બાળકોને સંક્રમણથી કોઇ તકલીફ નથી તો તેમને રસીની ઉતાવળ કેમ?
ખબર છે કે બાળકોને તકલીફ નથી થતી તો તેમને રસી આપીને તેની આડઅસરોનું જોખમ વહોરી લેવાની શું જરૂર છે? અમુક બાળકોને જ રસીની આડઅસર થતી હોય તોપણ આ ઉંમરનાં બાળકોને રસી આપવાની જરૂર નથી. > પ્રો. સંજય રાય, એઇમ્સ દિલ્હીના કોમ્યુનિટી મેડિસિન વિભાગના ડૉક્ટર, બાયોટેક વેક્સિનના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર
તર્ક-2: હાલ તો એવા સ્ટડી કરાવો કે કઇ રસી વધુ અસરકારક છે?
^ ફુલ લાઇસન્સ ન મળી જાય ત્યાં સુધી આ ઉંમરનાં બાળકોને રસી આપવાનો નિર્ણય યોગ્ય નહીં ગણાય. હાલ તો એવા તુલનાત્મક સ્ટડી થવા જોઇએ કે બાળકો માટે કઇ રસી વધુ અસરકારક અને સુરક્ષિત રહેશે? સ્ટડીમાં વધુ સમય લાગે તો ભલે લાગે, ઉતાવળ કરવાની જરૂર નથી. > ડૉ. ગગનદીપ કંગ, માઇક્રોબાયોલોજિસ્ટ અને વાઇરોલોજિસ્ટ
તર્ક-3: નાના બાળકોને ઘણી બીમારીઓ થતી હોય છે, બધીની રસી ન અપાય
^જે બાળકો કેન્સર, એચઆઇવી, ઓછી રોગપ્રતિકારક શક્તિ જેવી ગંભીર બીમારીઓથી પીડિત છે તેમને રસી આપી શકાય. બાળકોને ઘણા પ્રકારની બીમારીઓ થતી હોય છે પણ તે બધીથી બચવાની રસી ન અપાય. તેથી એ પણ વિચારવું પડશે કે કઇ બીમારીથી જોખમ છે? તેની જ રસી આપો. > ડૉ. રમણ ગંગાખેડકર, ICMRના પૂર્વ વિજ્ઞાની
બાયોટેકે 2થી 18 વર્ષનાં બાળકો પર બુસ્ટરના ટેસ્ટની મંજૂરી માગી
ભારત બાયોટેકે 2થી 18 વર્ષનાં બાળકો/કિશોરો પર કોવેક્સિનના બુસ્ટર ડોઝ સંબંધી બીજા/ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે ડીજીસીઆઇની મંજૂરી માગી છે. હાલ કોવેક્સિન અને કોવિશીલ્ડના બુસ્ટર ડોઝ 18 વર્ષ અને તેથી વધુ વયનાં એવાં લોકોને અપાય છે કે જેમણે બીજો ડોઝ લીધાને 9 મહિના પૂરા થઇ ચૂક્યા છે. હૈદરાબાદની કંપનીએ 29 એપ્રિલે ડીજીસીઆઇ સમક્ષ અરજી કરીને કોવેક્સિનના બૂસ્ટર ડોઝના ટેસ્ટની મંજૂરી માગી. આ ટેસ્ટ દિલ્હી અને પટણાની એઇમ્સ સહિત 6 સ્થળે કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.