ઉત્તરપ્રદેશમાં ગંગા કિનારે લાશો મળવાનું જારી છે. પ્રયાગરાજમાં શ્રૃંગવેરપુર ધામ નજીક મોટી સંખ્યમાં લાશો ગંગા કિનારે દફનાવાઈ છે. સ્થિતિ એ છે કે એક છેડેથી બીજા છેડા સુધી માત્ર લાશો જ નજરે પડે છે. અહીં લગભગ એક કિમીના અંતરમાં લાશોવચ્ચે એક મીટરનું અંતર પણ નથી.
ઘાટની બંને તરફ જ્યાં સુધી નજર પડે છે, ત્યાં સુધી લાશો દફનાવાયેલી છે. લાશોની આસપાસ ઝંડા અને ડંડા લગાવાયા છે. એટલું જ નહીં લાશોની સાથે આવનારા કપડા, તકિયા, ચાદર પણ ત્યાં જ છોડી દેવાયા છે. એવામાં ગંગા કિનારે ખૂબ ગંદકી પણ થઈ છે. પોલીસ પહેરો પણ કામમાં આવતો નથી. અંતિમ સંસ્કારનો સામાન પણ ખૂબ મોંઘો થઈ ગયો છે.
ઘાટ પર પૂજા-પાઠ કરાવનારા પંડિતો કહે છે કે અગાઉ રોજ 8થી 10 લાશો જ આવતી હતી, પણ છેલ્લા એક મહિનાથી દરરોજ 60થી 70 લાશો આવી રહી છે. કોઈ દિવસે તો 100થી પણ વધુ મૃતદેહો આવે છે. એક મહિનામાં અહીં 4 હજારથી વધુ લાશો આવી ચૂકી છે.
શૈવ સંપ્રદાયના અનુયાયીઓ લાશો દફનાવી રહ્યા છે
શાસનના પ્રતિબંધ પછી પણ શૈવ સંપ્રદાયના અનુયાયીઓ અહીં લાશો દફનાવી રહ્યા છે. ઘાટ પર હાજર પંડિત કહે છે કે શૈવ સંપ્રદાયના લોકો ગંગા કિનારે લાશો દફનાવતા રહ્યા છે. આ ઘણી જૂની પરંપરા છે. તેની રોકી ન શકાય. તેનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાશે.
અગાઉ ગરીબ લોકો જ લાશો દફનાવતા હતા, પણ કોરોના પછી મોટાભાગના લોકો આમ કરી રહ્યા છે
શ્રૃંગવેરપુર ધામ પર પુરોહિતનું કામ કરનારા શિવબરન તિવારી કહે છે કે સામાન્ય દિવસોમાં અહીં 8-10 લાશો જ આવતી હતી. તેમાંથી જે ખૂબ ગરીબ લોકો હોય છે, જેમની પાસે ખાવાના પણ પૈસા હોતા નથી અને તેઓ દાહ સંસ્કારનો ખર્ચ ઉઠાવી શકતા નથી તેઓ દફનાવે છે. જેઓ સક્ષમ હોય છે, તેઓ લાશોના દાહ સંસ્કાર કરે છે. આવું જ અત્યાર સુધી ચાલતું રહ્યું ચે. પરંતુ કોરોનાએ જ્યારથી જોર પકડ્યું છે ત્યારથી એકલા શ્રૃંગવેરપુર ધામમાં જ રોજ 60થી 70 લાશો આવી રહી છે. ક્યારેક તો આ સંખ્યા 100ને પાર પહોંચી જાય છે અને હવે અગાઉથી વધુ લોકો લાશો દફનાવી રહ્યા છે.
શિવબરન કહે છે કે કોરોનાના ડરના કારણે ઘણા દિવસ સુધી ઘાટ પરથી પુરોહિતો દૂર રહ્યા હતા. તમામ ડરી રહ્યા હતા કે ક્યાંક કોરોનાનો ચેપ ન લાગી જાય. એવામાં જે આવ્યું તેણે જ્યાં જગ્યા જોઈ ત્યાં જ લાશો દફનાવી દીધી. કોઈ રોકટોક ન હોવાથી ગંગા ઘાટ કિનારે જ્યાં આવીીને લોકો સ્નાન-ધ્યાન કરે છે, ત્યાં સુધી લોકોએ લાશો દફનાવી.
દાહ સંસ્કાર માટે લાકડા ખૂટ્યા
શ્રૃંગવેરપુર ધામમાં પ્રયાગરાજ ઉપરાંત પ્રતાપગઢ, સુલતાનપુર અને ફૈઝાબાદ જિલ્લાની લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેર પછી અહીં મોટી સંખ્યામાં લાશો આવી રહી છે. જેનાથી ઘાટ પર દાહ સંસ્કાર માટે લાકડાની ભારે અછત થઈ ગઈ. આ ઉપરાંત લાકડાના કોન્ટ્રાક્ટરોએ દાહ સંસ્કાર માટે વધુ પૈસા વસૂલવાનું શરૂ કરી દીધું. એવી સ્થિતિમાં લોકોએ મજબૂરીમાં દાહ સંસ્કાર કરાવવાના બદલે લોકો લાશોને રેતીમાં દફનાવી રહ્યા છે.
SPએ કહ્યું- લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે
સોમવારે SP ગંગાપાર ધવલ જયસવાલ પણ ઘાટનું નિરીક્ષણ કરવા પહોંચ્યા, તેમણે જણાવ્યું કે ઘાટ પર પીએસી અને જળ પોલીસ તહેનાત છે. પેટ્રોલિંગ પણ થાય છે. લાશોને દફનાવતા રોકવા માટે લોકોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. પુરોહિતો અને અંતિમ સંસ્કાર કરનારાઓેને પણ સમજાવાઈ રહ્યા છે કે ગંગામાં લાશો ન વહાવે અને ન દફનાવે. તેના પછી પણ જો કોઈ એમ કરશે તો સખત કાર્યવાહી થશે.
અગાઉ લાશોને દફનાવવાની મર્યાદા નક્કી હતી, પણ અડધો કિમી આગળ સુધી ગયા લોકો
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીનબેન પટેલ આ જ વર્ષે 5 માર્ચે શ્રૃંગવેરપુર આવ્યા હતા. તેમણે અહીં પૂજન-અર્ચન કર્યા હતા. તેમની મુલાકાત અગાઉ જ જિલ્લા તંત્ર દ્વારા લાશોને દફનાવવાની મર્યાદા નક્કી કરાઈ હતી. પથ્થરના પિલર પણ નખાયા હતા. જે હજુ પણ છે. પણ લોકો ત્યાંથી પણ આગળ અડધો કિમી સુધી જઈને લાશોને દફનાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.