મધ્યપ્રદેશના ઈટારસીમાંથી 100 કરોડ રૂપિયાના હેરોઈન સાથે ઝડપાયેલી મિઝોરમની યુવતીઓએ પૂછપરછમાં ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે. યુવતીઓએ ઝિમ્બાબ્વે મારફત ડ્રગ્સ લાવવાની કબૂલાત કરતાં સમગ્ર તસ્કરી નેટવર્ક અને એની કામગીરી વિશે મહત્ત્વની માહિતી આપી હતી. ગુરુવારે ઈન્દોરની નાર્કોટિક્સ ટીમે આ યુવતીઓની ધરપકડ કરી હતી.
યુવતીઓએ જણાવ્યું હતું કે તેમને કુરિયર ગર્લ્સ તરીકે ઉપયોગમાં લેવાતાં પહેલાં માત્ર ટ્રેનિંગ આપવામાં આવી ન હતી, પરંતુ કરોડો રૂપિયાના ડ્રગ્સ સોંપતાં પહેલાં તેમને 15 દિવસ માટે વિદેશપ્રવાસ પણ કરાવવામાં આવ્યો હતો. પકડાયેલી તમામ યુવતીઓ માત્ર આઠ પાસ છે અને ગરીબ પરિવારમાંથી આવે છે.
કુરિયર ગર્લ્સ 100 કરોડનું ડ્રગ્સ ભારતમાં લાવી હતી
NCBએ જણાવ્યું હતું કે 15 દિવસ પહેલાં મિઝોરમમાં રહેતી ત્રણેય યુવતી લાલમ જોની, લાલ વેંનહિની અને રામસંગ દુઈ બેંગલુરુથી ઝિમ્બાબ્વે પહોંચી હતી. ગેંગના એજન્ટે તેમના માટે હોટલમાં રૂમ બુક કરાવ્યા હતા. જ્યારે યુવતીઓ 15 દિવસની મુસાફરી કરીને ભારત પરત ફરી રહી હતી ત્યારે તેમને ત્રણ સૂટકેસ આપવામાં આવી હતી. ત્રણેય સૂટકેસમાં 7-7 કિલો હેરોઈન રાખવામાં આવ્યું હતું.
ત્રણેય કુરિયર યુવતીઓ ફ્લાઇટ દ્વારા દુબઈ થઈને બેંગલુરુ પહોંચી હતી. અહીંથી ત્રણેયને દિલ્હી જવાનું હતું. ત્રણેય રાજધાની એક્સપ્રેસ દ્વારા બેંગલુરુથી દિલ્હી જવા રવાના થઈ હતી, પરંતુ રસ્તામાં ભોપાલમાં ચેકિંગ થઈ રહ્યું હોવાની માહિતી મળતાં તેઓ ઈટારસી ઊતરી ગઈ હતી.
હોટલના રૂમમાંથી ધરપકડ કરવામાં આવી
બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે ઇટારસી રેલવે સ્ટેશન પાસેની એક હોટલમાં દરોડો પાડી ત્રણ યુવતીની ધરપકડ કરી હતી. તેમની 3 સૂટકેસમાંથી લગભગ 21 કિલો એમડી ડ્રગ્સ અને હેરોઈન પણ જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 168 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.
દાણચોરીનું નેટવર્ક આ રીતે કામ કરે છે
અધિકારીઓનું માનીએ તો ડ્રગમાફિયાઓ મિઝોરમ અને આસામ ઉપરાંત બાંગ્લાદેશમાં આર્થિક રીતે નબળા પરિવારોની શોધ કરે છે. ત્યાર બાદ ગરીબ પરિવારની છોકરીઓને રોજગારી આપવાના બહાને નોકરી પર રાખવામાં આવે છે. એના બદલામાં પરિવારને દર મહિને પાંચથી દસ હજાર રૂપિયા આપવામાં આવે છે.
ટ્રિપ પર જતાં પહેલાં આપે છે રૂપિયા
NCBની પૂછપરછમાં યુવતીઓએ જણાવ્યું હતુ કે તેમને એક ટ્રિપ બદલ 2 લાખ રૂપિયા મળે છે. કોઈપણ ટ્રિપ પર જતાં પહેલાં તેમને કેટલાક રૂપિયા પણ આપવામાં આવે છે. આ રૂપિયા એ વાતની ગેરંટી હોય છે કે જો કોઈ યુવતી આ મામલામાં પકડાઈ જાય તો તેનો પરિવાર કોઈપણ રીતે ગેંગના અન્ય સભ્યો વિશે પોલીસને જાણકારી આપશે નહીં.
નોકરી આપવાના બહાને ગેંગમાં સામેલ કરે છે
ડ્રર્સની હેરાફેરીમાં જેટલી પણ યુવતીઓને લાવવામાં આવે છે તેઓ ઓછું ભણેલી અને ગરીબ પરિવારની હોય છે. ડ્રગ્સ તસ્કરો પહેલા તો આવી યુવતીઓની સમગ્ર માહિતી મેળવ્યા બાદ તેને નોકરી આપવાના બહાને પોતાની ગેંગમાં સામેલ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.