બિહારનાં મુંગેરમાં એક 26 વર્ષીય યુવકનું છત પરથી નીચે પટકાતા મૃત્યુ થયું હતું. યુવકનું નામ મોઈન અલી છે. જે દુકાનમાં તે કામ કરતો હતો,શુક્રવારે તે દુકાનની સામે જ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. શનિવારે પટનામાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતુ. હવે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં મોઈન અલી છત પરથી નીચે રસ્તા પર પટકાતા નજરે પડી રહ્યો છે. આ ઘટના મુગેરનાં કોતવાલી પોલીસ મથકના મોટા બજાર વિસ્તારમાં બની હતી.
આ તરફ પરિવારજનોનું કહેવું છે કે મોઈનના તેના માલિક સાથે પગાર બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ કારણે દુકાનના માલિકે જ તેની સાથે મારપીટ કર્યો બાદ તેને છત પરથી નીચે ફેંકી દીધો હતો, અને તેનું મોત થયું.
પરિવારજનોએ વધુમાં જણાવ્યું હતુ કે શુક્રવારે સાંજે મોઈન અલી નીલમ સિનેમાની આગળ યામાહા શોરુમ નજીક બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા. અમે તેને સારવાર માટે સદર હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે કૃષ્ણા ઓટો પાર્ટ્સની દુકાનમાં મહીને 7 હજારના વેતન પર કામ કરતો હતો.
3 મહિનાથી દુકાનના માલિકે મોઇનને વેતન ચૂકવ્યું ન હતું. આ બાબતે મોઈન અને દુકાન માલિક કુલકુલ ગુપ્તા વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. તે ઘરે પણ અમને આ વાતનો ઉલ્લેખ કરતો હતો. પરિજનોનો આરોપ છે કે દુકાનના માલિક કુલકુલ ગુપ્તાએ મારપીટ કરી હતી અને તેને છત પરથી નીચે ફેંકી દીધો હતો.
પરિવારે દુકાનના માલિકની ધરપકડ કરવા માટે માટે દેખાવો કર્યા
પરિવારજનોએ આરોપીની ધરપકડની માંગ કરતા હોબાળો મચાવ્યો હતો. ઘટનાસ્થળે અનેક પોલીસ સ્ટેશનના પોલીસ અને મેજિસ્ટ્રેટે સંબંધીઓને સમજાવીને શાંત કર્યા હતા. મોડી રાત સુધી પરિવારજનોએ આરોપીઓની ધરપકડ માટે દેખાવો કર્યા હતા. મોઈનની માતા શમીમા ખાતૂનની હાલત ખરાબ છે. પોલીસ સ્ટેશનના ઓફિસર ધીરેન્દ્ર કુમાર પાંડેએ જણાવ્યું કે પટનામાં ઘાયલ યુવકનું નિવેદન લેવામાં આવ્યું હતું, જેના આધારે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
સદર ડીએસપી રાકેશ કુમારે જણાવ્યું કે આ કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે. જેની પૂછપરછ હજુ ચાલુ છે. બીડીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિવાર લાભ યોજના હેઠળ મૃતકના પરિવારને રૂ. 20,000ના ચેક સાથે, કબીર અંત્યષ્ટિ યોજના હેઠળ રૂ. 3,000 રોકડા આપીને અન્ય સરકારી યોજનાઓનો લાભ મેળવવાની ખાતરી આપી હતી. જે બાદ પ્રદર્શન સમાપ્ત થયું હતું.
આ તરફ સુત્રો મુજબ, હત્યાના આરોપમાં પોલીસે જે લોકોની અટકાયત કરી છે, તેમાંથી એકને પેરાલિસિસ છે અને તે ચાલી શકતો નથી.આવી સ્થિતિમાં લોકો પોલીસની કાર્યવાહી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.
મોઈનનો મૃતદેહ જોઈને લોકો રોષે ભરાયા હતા
શનિવાર સાંજે પટનાથી મૃતદેહ આવ્યા બાદ, આરોપીઓની ધરપકડની માંગને લઈને સ્થાનિક સંબંધીઓ અને રહેવાસીઓ રોષે ભરાયા હતા અને હોબાળો શરૂ કર્યો હતો. આ દરમિયાન, વિવિધ અફવાઓ ફેલાતા શહેરમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. તણાવને જોતા પોલીસ દ્વારા શહેરના ચોક-ચોકમાર્ગો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નીલમ ચોકથી સુભાષ ચોક સુધીનો રોડ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.