દિલ્હીના આદર્શનગર વિસ્તારમાં સોમવારે બ્રેકઅપથી નારાજ યુવકે યુવતી પર છરીથી 6 વખત હુમલો કર્યો. ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘાયલ યુવતીને બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર છે. આરોપીનું નામ સુખવિંદર છે અને હરિયાણાના અંબાલાથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કેસ દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
5 વર્ષ પહેલાં મિત્રતા થઈ, બ્રેકઅપ પછી યુવકે છરીના ઘા ઝીંક્યા
પીડિતા દિલ્હી યુનિવર્સિટીમાં BAનો અભ્યાસ કરી રહી હતી. 5 વર્ષ પહેલાં સુખવિંદર સાથે તેની મિત્રતા થઈ હતી. તેમનો સંબંધ યુવતીના પરિવારને મંજૂર નહોતો, તેથી યુવતીએ પોતાને દૂર રાખવાનું શરૂ કર્યું. સુખવિંદર વાત સહન ન કરી શક્યો. સોમવારે તેણે યુવતીને મળવા બોલાવી. તે જાણવા માગતો હતો કે બ્રેકઅપનું કારણ શું છે? યુવતી ઘરની પાસેની ગલીમાં તેને મળવા ગઈ. ત્યાર પછી તેણે છરીના ઘા ઝીંક્યા.
અંબાલાથી આરોપીની ધરપકડ
ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. હુમલા પછી આરોપી ફરાર થઈ ગયો. ટેક્નિકલ સર્વેલન્સથી માહિતી મળી કે આરોપી દિલ્હીથી ભાગીને અંબાલા છુપાઈ ગયો હતો. પોલીસની ટીમ અંબાલા પહોંચી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.
યુવતીનું અપહરણ કરવા પ્રયત્ન કર્યો, એસિડ ફેંકવાની ધમકી આપી
આવો જ એક અન્ય કિસ્સો દિલ્હીના પાંડવનગરમાં સામે આવ્યો છે. એક વ્યક્તિએ 19 વર્ષની છોકરીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. છોકરો છોકરીને પોતાની કારમાં ખેંચવા લાગ્યો. યુવતીએ ના પાડતાં યુવકે તેના પર એસિડ ફેંકવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન યુવતી ઘાયલ થઈ હતી, જેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.