રાજસ્થાનના ભીલવાડા શહેરમાં શુક્રવારે નશાની હાલતમાં એક યુવક વીજપોલ પર ચઢી ગયો હતો. આ દરમિયાન યુવક વીજકરંટની ઝપેટમાં આવતાં જ ધડાકો થતાં તે નીચે પટકાયો હતો. ભીલવાડાના કોલી વિસ્તારમાં 11 હજાર વૉલ્ટના તારની ઝપેટમાં આવી જતાં ધડાકો થતાં જ યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો અને વીજપોલ પરથી નીચે પડતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોમાં આ ધડાકો થતાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર લોકોએ યુવકને હોસ્પિટલ ખસેડયો હતો. આ તરફ વીજળી વિભાગના અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં એ વિસ્તારમાં વીજ સપ્લાય અટકાવી દીધો હતો.
ધડાકો થતાં જ યુવક વીજપોલ પરથી નીચે પડ્યો
ડિસ્કોમના અધિકારીઓને મળેલી માહિતી મુજબ, શુક્રવારે સાંજે કોલી વિસ્તારમાં રહેતો ભેરુલાલ નશાની હાલતમાં એક ટ્રાન્સફોર્મર પોલ પર ચઢી ગયો હતો. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ તેણે નીચે ઊતરવા માટે કહ્યું હતું, પરંતુ તે માન્યો ન હતો અને વીજપોલ પર ચઢવા લાગ્યો હતો. આ દરમિયાન તે જીવંત વીજતારની ઝપેટમાં આવી ગયો હતો અને ધડાકો થતાં જ વીજપોલ પરથી નીચે પડ્યો હતો. આ દુર્ઘટનામાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો.
યુવક સવારથી જ લોકોને પરેશાન કરી રહ્યો હતો
સ્થાનિકોએ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત યુવકને નશો કરવાની આદત છે. શુક્રવારે સવારથી જ તે નશાની હાલતમાં લોકોને પરેશાન કરી રહ્યો હતો. સવારથી જ તે આ પહેલાં પણ બે વીજપોલ પર ચઢી ચૂક્યો હતો. ત્યાર બાદ સાંજે પંચમુખી મુક્તિધામની પાછળ નશાની હાલતમાં વીજપોલ પર ચઢી ગયો હતો. લોકો દ્વારા ડિસ્કોમના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી વીજળી ખાતાના કર્મચારીઓ વીજ સપ્લાય બંધ કરે એ પહેલાં જ યુવક વીજકરંટની ઝપેટમાં આવી ગયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.