ગ્રાઉન્ડ રિપોર્ટકાર નીચે યુવતીને જોઈને હું ચોંકી ગયો:યુવતીને ઢસડાતી જોનાર ઝોમેટો ડિલિવરી બોયે કહ્યું- પોલીસને જાણ કરી તો સંભળાવી દીધું- 'તું તારું કામ કર'

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: વૈભવ પલનીટકર

હું ઝોમેટો ડિલિવરી બોય છું. 31મી ડિસેમ્બરની રાતના લગભગ 2 વાગ્યા હશે, હું કંઝાવાલા રોડ પરથી આવી રહ્યો હતો, મારે અગ્રસેન રોડ તરફ ફૂડ ડિલિવરી કરવાનું હતું. અચાનક પોલીસ સ્ટેશન જોઈને એક કાર ઝડપથી પાછળ વળી ગઈ. મારી બાઇક એ કાર સાથે અથડાતાં-અથડાતાં બચી ગઈ હતી.

મેં કારની નીચે યુવતીનું માથું જોયું, તેનું આખું શરીર કારની નીચે ઢસડાઈ રહ્યું હતું. આ જોઈને મારો તો જીવ તાળવે ચોંટી ગયો હતો. મેં આ બાબતે પોલીસને જણાવ્યું હતું તો તેમણે કહ્યું - 'જા... તું તારું કામ કર.'

કંઝાવાલાકાંડના પ્રત્યક્ષદર્શી સાક્ષીઓમાં વિકાસ મેહરા ઉપરાંત એક દૂધ વેચનાર પણ છે, જેણે પૂજા (નામ બદલ્યું છે)ને કારની નીચે ઢસડાતી જોઈ હતી. વિકાસ જણાવે છે, 'એ કાર મને પણ ટક્કર મારવાની હતી. કાર મારી પાછળ હતી અને સ્પીડ વધારીને આગળ નીકળી ગઈ હતી.

કારમાં મ્યુઝિક વાગી રહ્યું હતું, યુવતી નીચે ફસાઈ હતી, તેમને કેમ ખબર ન પડી
તેણે વધુમાં જણાવે છે, મને સમજાતું નથી કે યુવતી કારની નીચે કેવી રીતે ફસાઈ ગઈ હતી. અકસ્માત થયા બાદ જો કોઈ કારની નીચે ફસાઈ જાય તોપણ થોડીવાર બાદ બહાર નીકળી જાય, પરંતુ યુવતી કારની નીચે કઈ રીતે ફસાઈ ગઈ એ સમજાતું નથી. કોઈ દોરડું પણ નહોતું, જેનાથી યુવતી બંધાઈ ગઈ હોય.

કારમાં ડ્રાઇવરની સીટ પાસેનો કાચ અડધો ખુલ્લો હતો અને કારમાં મ્યુઝિક વાગી રહ્યું હતું. છેવટે તેમને કેમ ખબર ન પડી કે યુવતી કારની નીચે ફસાઈ ગઈ છે.

મને લાગ્યું કે પોલીસને જાણ કરું. પોલીસચોકી પર જઈને જોયું તો ત્યાં કોઈ પોલીસકર્મી હાજર નહોતો. ત્યાર બાદ સેક્ટર-24ની તરફ બાઈક પર સવાર બે પોલીસવાળાને જોયા હતા. મેં તેમને આ ઘટના બાબતે ગંભીરતાથી જણાવ્યું હતું. તેમણે મને કહ્યું, તને તો કાંઈ વાગ્યું નથી ને, તો અહીંથી જતો રહે. અમે બધું જોઈ લઈશું, જા... તું તારું કામ કર.

મારા પરિવારજનો ડરી ગયા છે, તેમને મારી ચિંતા છે
તેણે વધુમાં જણાવ્યું હતું કે 1 જાન્યુઆરીની સાંજે મને મિત્રોએ જણાવ્યું હતું કે દિલ્હીમાં અકસ્માત થઈ ગયો. મેં તેમને કહ્યું કે મેં એ બધું મારી નજરે જોયું છે. ત્યાર બાદ હું પોતે પોલીસ પાસે ગયો અને આ બાબતે બધું જણાવ્યું હતું.

જોકે વિકાસના પિતા રોહતાસ કંઈક બીજી જ કહાની જણાવી રહ્યા છે. તેમનો આરોપ છે કે પોલીસે તેમને મીડિયા સાથે વાત ન કરવાની ધમકી આપી છે. કેસ વિશે કોઈને કંઈ કહેશો નહીં. આ બાબતે વિકાસને પૂછતાં તે કહે છે- 'પપ્પા, મારી સુરક્ષાને લઈને ચિંતિત છે. પોલીસે મને કહ્યું છે કે મારે કોર્ટમાં પણ જુબાની આપવી પડશે.

પીડિતાની માતાએ કહ્યું- અમારી પાસે અંતિમસંસ્કાર માટે પણ પૈસા નથી
31 ડિસેમ્બરે સાંજે 6 વાગ્યે યુવતી ઘરની બહાર નીકળી ગઈ હતી. તે ઘરમાં એકલી જ કમાનારી હતી, મેં તેને કહ્યું હતું કે શાકભાજી લેતી આવજે. ત્યાર બાદ રાત્રે લગભગ 8 વાગ્યાના અરસામાં ફરી વાત થઈ હતી. મેં પૂછ્યું કે તું ક્યારે આવીશ? તો તેણે કહ્યું કે હજી તેને કામ છે, પરત ફરવામાં સવારે 4 વાગી જશે. પછી તેના અકસ્માતના સમાચાર મળ્યા. અમારી પાસે એટલા રૂપિયા પણ નથી કે તેના અંતિમસંસ્કાર પણ યોગ્ય રીતે કરી શકીએ.

આ તે માતાની વાત છે જેની પુત્રીને નવા વર્ષની પહેલી જ સવારે દિલ્હીના રસ્તા પર 12 કિલોમીટર સુધી ઢસડી જવામાં આવી હતી. ભારે વિરોધ બાદ પોલીસે યુવતીની માતાને બોલાવીને વાત કરી. આ પછી પોલીસની ગાડી તેમને ઘરે મૂકવા ગઈ હતી.

આ કારમાં પૂજાનો અકસ્માત થયો હતો. કારમાં 5 લોકો સવાર હતા, જેમની પોલીસે ધરપકડ કરી લીધી છે.
આ કારમાં પૂજાનો અકસ્માત થયો હતો. કારમાં 5 લોકો સવાર હતા, જેમની પોલીસે ધરપકડ કરી લીધી છે.

'પોલીસે મને કલાકો સુધી બેસાડી રાખી, દીકરીનો ચહેરો પણ ન બતાવ્યો'
પૂજાની માતા કહે છે- '1 તારીખે સવારે લગભગ 8 વાગે પોલીસકર્મીઓએ મને ફોન કર્યો અને પૂછ્યું કે તમારી સ્કૂટી ક્યાં છે, પછી કહ્યું કે તેનો અકસ્માત થયો છે. તમે આવો.... આ પછી કંઝાવાલા લઈ ગયા અને ફેરવતા રહ્યા. ત્યાર બાદ સુલતાનપુરી પોલીસ સ્ટેશન લઈ આવીને બેસાડી રાખ્યાં હતાં.

કેટલાક કલાકો સુધી મને મારી પુત્રી સાથે શું થયું એની કોઈ માહિતી આપવામાં આવી ન હતી. મેં SHOને કહ્યું હતું કે મારી દીકરીનો ચહેરો બતાવો, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. જ્યારે મને શંકા થઈ કે પોલીસકર્મીઓ કંઈક છુપાવી રહ્યા છે, ત્યારે મેં મારા ભાઈને બોલાવ્યો હતો.

'દીકરી વેલકમ ગર્લ તરીકે કામ કરતી હતી'
પીડિતાની માતાનું કહેવું છે કે પુત્રી ઈવેન્ટક્ષેત્રમાં કામ કરતી હતી. લગ્નમાં સ્વાગત કરવા માટે જે છોકરીઓ સાડી પહેરીને ઊભી રહેતી હતી એ કામ કરતી હતી. એક સમયે 500-1000 રૂપિયા મળતા હતા. તે 2 વર્ષથી આ કામ કરી રહી હતી. 8 વર્ષ પહેલાં તેના પિતાની હત્યા કરવામાં આવી હતી. મોટી અને નાની બહેનનાં લગ્ન થઈ ગયાં હતાં, પણ તે કહેતી હતી કે હું લગ્ન નહીં કરું.

હું પહેલા નજીકની શાળામાં પ્યૂન તરીકે કામ કરતી હતી, પરંતુ કોરોનાના સમયમાં મારી કિડની ખરાબ થઈ ગઈ હતી અને હવે બંને કિડનીમાં તકલીફ છે. હું મારી જાતે કામ કરી શકતી નથી. મારે 6 બાળકો હતાં, 2 છોકરીને બહુ મુશ્કેલીથી પરણાવી છે.

દીકરી કહેતી- મા મારે ચૂંટણી લડવી છે, લોકો તેને પસંદ કરતા હતા
પૂજાની માતા આગળ કહે છે- 'તેણે 9મા પછી અભ્યાસ છોડી દીધો હતો અને તેણે મેક-અપનું કામ શીખવાનું શરૂ કર્યું હતું. તેને ઇન્સ્ટાગ્રામ પર રીલ કરવા માટે ઘણો શોખ હતો, ક્યારેક તે લગ્નોમાં મેક-અપનું કામ પણ કરતી હતી.

માતા કહેતી હતી કે આગામી કોર્પોરેટરની ચૂંટણી હું પણ લડીશ. અમારા ઘરની સામેની નાળાનું કામ થતું ન હોવાથી તેમણે ફોન કરીને ફરિયાદ કરી હતી અને ઝઘડીને નાળું બનાવડાવ્યું હતું. આસપાસના લોકો તેને ખૂબ માન આપતા.

તેમણે કહ્યું હતું કે પોલીસે આશ્વાસન આપ્યું છે કે મેડિકલ બોર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જો રિપોર્ટ આવશે કે યુવતી પર બળાત્કાર થયો છે, તો કેસમાં હત્યા અને બળાત્કારની કલમો ઉમેરાશે.

2 જાન્યુઆરીએ સુલતાનપુરી પોલીસ સ્ટેશનની સામે દિવસભર સેંકડો લોકો એકઠા થયા હતા. યુવતીના પરિવારજનો અને લોકોનો આરોપ છે કે પોલીસે આ કેસમાં જાણીજોઈને ભીનું સંકેલવાના પ્રયાસ કરી રહી છે.

જ્યારે દિલ્હી પોલીસનું કહેવું છે કે યુવતીનું પોસ્ટમોર્ટમ મૌલાના આઝાદ મેડિકલ કોલેજના ત્રણ ડૉક્ટરોની પેનલ દ્વારા કરવામાં આવ્યું છે. તેનો રિપોર્ટ ટૂંક સમયમાં આવવાની આશા છે.

અકસ્માત બાદ આરોપી ભાગી ગયા, રસ્તામાં એ પણ જોયું કે યુવતી નીચે ફસાઈ ગઈ હતી
FIR મુજબ, આરોપીઓને ખબર હતી કે તેમણે સ્કૂટીને ટક્કર મારી હતી. આ પછી તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી અમિત અને દીપકે પોલીસને જણાવ્યું છે કે અમે નશામાં હતા. કૃષ્ણ વિહાર વિસ્તારમાં તેનો અકસ્માત થયો હતો. એનાથી તેઓ ડરી ગયા અને કંઝાવાલા તરફ ગયા હતા.

દીપક કાર ચલાવી રહ્યો હતો અને મનોજ મિત્તલ તેની બાજુની સીટ પર હતો. મિથુન, ક્રૃષ્ણ અને અમિત પાછળની સીટ પર બેઠા હતા. તેણે કંઝાવલા રોડ પર કાર રોકી. ત્યાં કારની નીચે સ્કૂટીવાળી યુવતીને જોઈ. આ પછી બધા યુવતીને છોડીને તેમના મિત્ર આશુતોષ (કારમાલિક) પાસે ગયા અને કાર પાર્ક કરી અને પોતપોતાના ઘરે જતા રહ્યા હતા.

આરોપીઓમાં એક સ્થાનિક ભાજપનો નેતા છે
દિલ્હી ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે મનોજ મિત્તલ સુલતાનપુરીથી પાર્ટીનો પદાધિકારી છે. તેને ચાર દિવસ પહેલાં જ ડેટા એન્ટ્રી સેલનો કો-ઓર્ડિનેટર બનાવવામાં આવ્યો હતો.

મનોજ મિત્તલને મંગોલપુરી વોર્ડના કો-ઓર્ડિનેટર જણાવતા સુલ્તાનપુરીમાં ઘણી જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.
મનોજ મિત્તલને મંગોલપુરી વોર્ડના કો-ઓર્ડિનેટર જણાવતા સુલ્તાનપુરીમાં ઘણી જગ્યાએ પોસ્ટર લગાવવામાં આવ્યાં છે.

સુલતાનપુરી પોલીસ સ્ટેશનની બહાર મનોજ મિત્તલનું પોસ્ટર પણ ચોંટાડવામાં આવ્યું હતું. આરોપીઓ સામે કાર્યવાહીની માગ કરતા લોકોએ સોમવારે સવારે પોસ્ટર ફાડી નાખ્યા હતા. રોહિણી કોર્ટ પાંચેય આરોપીઓની પૂછપરછ માટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે.

પોલીસ અકસ્માત જણાવી રહી, પરિવાર બળાત્કાર બાદ હત્યા જણાવી રહ્યો

પૂજાના મૃત્યુ પછી પોલીસે આ કેસમાં બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા જેવી હળવી કલમો ઉમેરી હતી, જેમાં 6 મહિનાથી 2 વર્ષની જેલ થઈ શકે છે. જ્યારે દબાણ વધ્યું ત્યારે સોમવારે બિનઈરાદાપૂર્વક હત્યાની કલમ પણ ઉમેરવામાં આવી. આમાં આજીવન કેદ થઈ શકે છે. પોલીસ આ ઘટનાને અકસ્માત ગણાવી રહી છે, પરંતુ પરિવાર તેને હત્યા કહે છે. યુવતીની માતાનું કહેવું છે કે તેણે ઘણાં કપડાં પહેરેલાં હતાં, પરંતુ જ્યારે મૃતદેહ મળ્યો ત્યારે શરીર પર એકપણ કપડું નહોતું. આ બળાત્કાર બાદ હત્યાનો મામલો છે.

ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ પાસે માગ્યો રિપોર્ટ
31 ડિસેમ્બરની રાત્રે કારમાં સવાર 5 યુવકે 20 વર્ષની યુવતીને ટક્કર મારી હતી. યુવતી કારની નીચે ફસાઈ ગઈ અને લગભગ 12 કિલોમીટર સુધી રસ્તા પર ઢસડાતી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. દિલ્હીના કંઝાવાલામાં બનેલી આ ઘટના અંગે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આરોપીઓના લોહીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેથી જાણી શકાય કે તેઓ નશામાં હતા કે નહીં.

અન્ય સમાચારો પણ છે...