• Gujarati News
  • National
  • The Vaccine Is Working, But The Situation Could Worsen If Strict Measures Are Not Taken, Says WHO Chief Scientist

સૌમ્યા સ્વામીનાથનનો ઇન્ટરવ્યુ:WHOના ચીફ સાયન્ટિસ્ટે કહ્યું- વેક્સિન કામ કરી રહી છે, પરંતુ જો કડક પગલાં નહીં ભરવામાં આવે તો સ્થિતિ વણસી શકે છે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: રવિ યાદવ
  • એવી આશંકા છે કે આગામી દિવસોમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી ફેલાઈ રહ્યો છે. દેશમાં અત્યારસુધીમાં ઓમિક્રોનના 73 કેસ નોંધાઇ ચૂક્યા છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જ્યાં ડેલ્ટા 1થી 4 લોકોમાં ફેલાઈ રહ્યો હતો, ત્યાં ઓમિક્રોન એક વ્યક્તિથી 10 લોકો સુધી ફેલાઈ રહ્યો છે. આ જોતાં એવી આશંકા સેવાઇ રહી છે કે આગામી દિવસોમાં હોસ્પિટલો પર બોજો વધી શકે છે અને દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ શકે છે.

નવા વેરિયન્ટ પર વેક્સિન અસરકારક છે કે નહીં? આનાથી ભારતમાં કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે છે? દેશમાં ત્રીજી લહેર આવશે કે નહીં? એવા સવાલો પર તેમણે પોતાનો અભિપ્રાય પણ આપ્યો હતો. ચાલો, વાંચીએ સમગ્ર વાતચીત...

સવાલ: ભારતમાં ઓમિક્રોન કેટલો જોખમી હોઈ શકે છે?

જવાબ: ડેલ્ટાના સમયે લોકોમાં 70% સુધીની ઇમ્યુનિટી બની ગઈ હતી. ત્યારે ટેસ્ટ પણ ખૂબ જ વધુ કરવામાં આવી રહ્યા હતા. હવે એ મુજબ ટેસ્ટમાં ઘટાડો થયો છે. આ જોતાં એમ કહી શકાય કે જો સરકાર દ્વારા કડક પગલાં નહીં ભરવામાં આવે તો આવનારા દિવસોમાં દર્દીઓની સંખ્યા ખૂબ વધી શકે છે. જોકે અત્યારસુધી દુનિયામાં માત્ર એક જ મોત થયું છે, જે થોડી રાહતની વાત છે.

સવાલ: શું ઓમિક્રોન ડેલ્ટાની જેમ મૃત્યુઆંક વધારશે?

જવાબ: ડેલ્ટા વેરિયન્ટના કિસ્સામાં 80 ટકા લોકો હળવી બીમારી અને 20 ટકા ગંભીર બીમારીના શિકાર થઈ રહ્યા હતા. પછી લગભગ એક ટકા લોકોનાં મોત થઈ રહ્યાં હતાં. આ દૃષ્ટિકોણથી જોઈએ તો આમ તો ઓમિક્રોન વેરિયન્ટમાં ગંભીર દર્દીઓ ઓછા મળી રહ્યા છે, પરંતુ ચિંતાની વાત એ છે કે જો દર્દીઓની સંખ્યા ઘણી વધારે થશે તો મૃત્યુઆંક પણ વધારો થઈ શકે છે. એટલું જ નહીં, દેશમાં જો કોમ્યુનિટી ટ્રાન્સમિશન થાય છે તો મૃત્યુઆંક વધી શકે છે.

સવાલ: ઓમિક્રોન પર વેક્સિનની કેટલી અસર થઈ રહી છે?

જવાબ: અત્યારસુધી જે કેસ સામે આવ્યા છે એના પરથી સ્પષ્ટ થાય છે કે ઓમિક્રોનના કેસ એવા લોકોમાં જોવા મળી રહ્યા છે જેમણે વેક્સિન લીધી છે. યુરોપમાં ઘણા લોકો જેમણે બૂસ્ટર ડોઝ લીધો હતો તેઓ પણ સંક્રમિત થયા છે. જોકે તેઓ બહુ ગંભીર રીતે બીમાર થયા નથી. આ સૂચવે છે કે વેક્સિન તેનું કામ કરી રહી છે. જોકે હજુ સુધી આ વિશે વધુ રિસર્ચ કરવામાં આવ્યું નથી, તેથી હજુ સ્પષ્ટપણે કંઈ કહી શકાય નહીં. ભારતમાં 60%થી વધુ લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ મળી ગયો છે, જ્યારે લગભગ 40% લોકોએ બીજો ડોઝ લઈ લીધો છે. આ સંદર્ભમાં વેક્સિનેશનની ઝડપ વધુ વધારવી જોઈએ.

સવાલ: ઓમિક્રોન સંક્રમિતને સાજા થવામાં કેટલો સમય લાગે છે?

જવાબ: એ દર્દીની સ્થિતિ પર આધાર રાખે છે. જેઓ ઓછા બીમાર છે તેઓ એક અઠવાડિયામાં સ્વસ્થ થઈ રહ્યા છે. ત્રણ દિવસમાં પણ ઘણા લોકોને હોસ્પિટલમાંથી રજા મળી રહી છે.

સવાલ: શું ઓમિક્રોન ભારતમાં ત્રીજી લહેર લાવી શકે છે?

જવાબ: અત્યારસુધી નવા વાઇરસ વિશે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે હજુ ઘણું સ્પષ્ટ નથી. એ કયા દેશમાં કેવી રીતે ફેલાય છે અને એનું સ્વરૂપ શું છે એ અંગે રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. ત્રીજી લહેર આવશે કે નહીં કે ક્યારે આવશે, આવા સવાલોમાં ન પડીને આપણે અત્યારથી જ કડક બનીને તૈયારી શરૂ કરવી પડશે. તો જ એનો અસરકારક રીતે સામનો કરી શકાશે. જે સ્થળોએ કેસ વધી રહ્યા છે ત્યાં તાત્કાલિક સખત પગલાં લેવા જોઈએ.

સવાલ: આવતા વર્ષની શરૂઆતમાં ભારતનાં 5 રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે, એનાથી ઓમિક્રોન પર કેવી રીતે અસર થશે?

જવાબઃ જુઓ, એક વાત સ્પષ્ટ છે, કારણ ગમે એ હોય, જ્યાં પણ ભીડ હશે ત્યાં કોરોનાના કેસ વધશે. યુરોપમાં એવું પણ જોવા મળ્યું છે કે જો ત્યાં કોવિડ પ્રોટોકોલને થોડા મહિનાઓ માટે હટાવી દેવામાં આવે તો સ્થિતિ વધુ ખરાબ થઈ. આપણે સમજવું પડશે કે કોરોના આટલી જલદી ક્યાંય જવાનો નથી. સંક્રમણથી બચવાનો સૌથી અસરકારક ઉપાય એ છે કે આપણે સાવચેત રહેવું જોઈએ. સ્થાનિક સ્તરના આંકડા પર નજર રાખવાની રહેશે, સાથે માસ્કનો ઉપયોગ પણ કરવાનો જ રહેશે.

અન્ય સમાચારો પણ છે...