રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કનૈયાલાલની ઘાતકી હત્યામાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આ હત્યામાં મોહમ્મદ રિયાઝ અને ગૌસ મોહમ્મદ ઉપરાંત તેના અન્ય ત્રણ સાથીદાર પણ સામેલ હતા, જેમાંથી મોહસિન ખાન (25 વર્ષ) અને આસિફ હુસૈન (24 વર્ષ)ની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે ત્રીજાની શોધ ચાલુ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મોહસિન અને આસિફ રિયાઝ અને ગૌસને અલગ-અલગ બાઇક પર માલદાસ સ્ટ્રીટ લઈ ગયા હતા. બંનેએ રિયાઝ અને ગૌસને કનૈયાલાલની દુકાનથી માત્ર 70 મીટર દૂર ગલીના ખૂણે (હાથીપોલ-મોતી ચોહટ્ટા મુખ્ય માર્ગ) પર ઉતાર્યા હતા. બંને એક જ બાઇક સ્ટાર્ટ કરીને ઊભા હતા અને નજીકથી નજર રાખી રહ્યા હતા. હુમલા દરમિયાન જો કોઈ રિયાઝ અને ગૌસને પકડી લે અથવા દુકાનનું શટર પાડી દે, તો તે બંને તેમને બચાવવા અથવા છોડાવવા માટે તલવાર અને ખંજરથી હુમલો કરવા તૈયાર હતા.
હત્યા બાદ ચારેય ફરાર થઇ ગયા હતા
કનૈયાની હત્યા કર્યા પછી રિયાઝ અને ગૌસ હથિયારો સાથે દોડતા આવ્યા અને મોહસિન તથા આસિફની બાઇક પર બેસી ગયા હતા અને સિલાવતવાડી તરફ નાસી ગયા હતા. જ્યાંથી રિયાઝ તેનું 2611 નંબરની બાઇક લઇ ગયો હતો. એનાથી ગૌસ સાથે ભીમ તરફ જતો રહ્યા હતો. જ્યાં પોલીસે બંનેને ઘેરી લીધા હતા અને ધરપકડ કરી હતી. રિયાઝ અને ગૌસે પૂછપરછ દરમિયાન મોહસિન અને આસિફનું નામ જણાવ્યું હતું.
આશિફ તેમની સાથે વેલ્ડિંગની દુકાનમાં કામ કરતો હતો. પોલીસને સ્થળ પરથી એક લાવારિસ એક્ટિવા પણ મળી આવ્યું હતું. તે ગૌસ મોહમ્મદના નામે નોંધાયેલું છે. આવી સ્થિતિમાં પાંચમો સાથીદાર પણ સ્થળ પર હાજર હોવાની શક્યતા પોલીસ વ્યક્ત કરી રહી છે.
આશ્ચર્યની વાત એ છે કે ઉદયપુરમાં વર્ષ 2013થી ચાલી રહેલી આતંકવાદી શંકાસ્પદ પ્રવૃત્તિઓની સાંકળ રાજસમંદ, ચિત્તોડગઢ, નિમ્બાહેડા, બ્યાવર, અજમેર, કાનપુર (યુપી)થી લઈને વિદેશ સુધી ફેલાઈ ગઈ, પરંતુ દેશ અને રાજ્યના ગુપ્તચરોને ખબર પણ પડી નહીં.
પોલીસથી બચવા શેરીઓમાંથી પસાર થયા
આતંકવાદીઓ જાણતા હતા કે હાથીપોલ ચોકડી પર સતત જામ રહે છે. ચોકી હોવાથી પોલીસ પણ તહેનાત હોય છે, આથી તેણે સિલાવતવાડીની સાંકડી શેરીઓમાંથી ભાગી જવાનું આયોજન કર્યું હતું. ચારેય પોતપોતાનાં વાહનોમાં સિલાવતવાડી પહોંચ્યા હતા. અહીં રિયાઝે તેની 2611 નંબરની બાઇક પાર્ક કરી અને મોહસિનની બાઇક પર બેસી ગયો. ગૌસ આસિફ સાથે બેઠો હતો.
અહીંથી રિયાઝ અને ગૌસ 2611 બાઇક પર ન્યૂ પુલિયા-અંબાવગઢ-ફતેહસાગર-યુઆઈટી સર્કલ-ફતેહપુરા થઈને સાપેટિયા પહોંચ્યા હતા અને હત્યાનો વીડિયો જાહેર કર્યો હતો. તેમનો પ્લાન સાપેટિયાથી ભીમ, ભીમથી બ્યાવર થઈને અજમેર પહોંચવાનો હતો. પછી કાનપુરમાં છુપાવાની વાત પણ સામે આવી રહી છે.
તપાસ એજન્સીઓ એક મહિલાને પણ શોધી રહી છે
આ ઘટસ્ફોટ પછી SIT-NIAએ સખત કડીઓ જોડવાનું શરૂ કર્યું છે. અન્ય 7 જેમણે કનૈયાલાલની રેકી કરી હતી, તે શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે, જેમાંથી 3 ચિત્તોડગઢના છે. ઉદયપુર અને રાજસમંદના અન્ય 5 શંકાસ્પદની શોધ ચાલુ છે, જેમાં 24 જૂને દુકાનમાં જઈને કનૈયાલાલને ધમકી આપનારી મહિલાનો પણ સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.