પ્રતિબંધ:પોલિથિન બેગની જાડાઈ 50 માઈક્રોનથી વધારી 120 માઈક્રોનની કરવામાં આવી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કપ-પ્લેટ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર આગામી વર્ષથી પ્રતિબંધ
  • પોલિથિનની થિકનેસનો નિયમ 30 સપ્ટે.થી બે તબક્કામાં લાગુ થશે

કેન્દ્ર સરકારે આગામી વર્ષ સુધીમાં દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. પ્લાસ્ટિક કચરાનો સામનો કરવા માટે આગામી વર્ષે 1 જુલાઈથી કપ-પ્લેટ સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાશે.

કેન્દ્રીય પર્યાવરણ તથા વન મંત્રાલય દ્વારા ગેઝેટ નોટિફિકેશન જારી કરાઈ હતી. તે અનુસાર 1 જુલાઈ 2022થી પોલિસ્ટાઈનિન અને એક્સપેન્ડેડ પોલિસ્ટાઈનિન સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધિત રહેશે. તેનું નિર્માણ, આયાત, સ્ટૉકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ વગેરે દરેક પ્રકારની ગતિવિધિ પ્રતિબંધિત રહેશે.

આ વસ્તુઓ પર પ્રતિબંધ મુકાશે
પ્લાસ્ટિક સ્ટિકવાળા ઈયરબડ, બલૂન માટે પ્લાસ્ટિકની દંડી, પ્લાસ્ટિકના ઝંડા, કેન્ડી, આઈસક્રીમ સ્ટિક, શણગાર માટે પોલિસ્ટાઈરિન(થર્મોકોલ), પ્લેટ, કપ, ગ્લાસ, કાંટા, ચમચી, ચાકુ, સ્ટ્રો, ટ્રે, મીઠાઈના ડબાને લપેટવા કે પેકિંગની ફિલ્મ, આમંત્રણ કાર્ડ અને સિગારેટના પેકેટ, 100 માઈક્રોનથી ઓછી જાડાઈવાળા પ્લાસ્ટિક કે પીવીસી બેનર તથા સ્ટીકર.

પ્રદૂષણનું મોટું કારણ પ્લાસ્ટિક
દેશમાં પ્રદૂષણનું સૌથી મોટું કારણ સિંગલ યુઝ પ્લાસ્ટિક માનવામાં આવે છે. સરકારે સ્વચ્છ ભારત મિશન હેઠળ પહેલેથી જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કચરાના ઉકેલ માટે વેસ્ટ મેનેજમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા કહ્યું છે. આ ઉપરાંત સિંગલ યુઝ પ્લાસ્ટિકમાં ઉપયોગ વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ પણ સરકાર ચલાવી રહી છે.