• Gujarati News
  • National
  • The Theater Will Run With Heating System Even In The Snow, Ushering In A New Era In The Valley After 1990.

કાશ્મીરમાં 32 વર્ષ બાદ થિયેટર ખૂલ્યાં:હિમવર્ષામાં પણ હીટરની વ્યવસ્થા સાથે ચાલશે થિયેટર, 1990 પછી ખીણપ્રદેશમાં એક નવા યુગની શરૂઆત

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

70 વર્ષીય બશીર અહેમદ ભટ 32 વર્ષ બાદ મૂવી થિયેટરમાં જશે. તેમને ફિલ્મોનો એટલો ક્રેઝ હતો કે સ્કૂલના સમયમાં લગભગ રોજ ફિલ્મો જોવા જતા હતા. મિત્રો સાથે પેલેડિયમ અને શિરાજ સિનેમામાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહી ટિકિટ ખરીદતા હતા. મંગળવારે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આઇનોક્સ મલ્ટિપ્લેકસનું ઉદઘાટન કર્યું. આ પછી 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મ કેટલાક લોકોએ મોટા પડદે નિહાળી હતી.

સામાન્ય લોકો માટે મલ્ટિપ્લેક્સ 30 સપ્ટેમ્બરે ખૂલશે, જેમાં 3 સ્ક્રીન પર 520 લોકોની ક્ષમતા સાથે ફિલ્મ 'વિક્રમ વેધા' ને બતાવવામાં આવશે. ભટે જણાવ્યું હતું કે 1980ના દાયકામાં માત્ર 15 થિયેટર હોલ હતા, જેમાંથી 9 શ્રીનગરમાં હતા. પરંતુ 90ના દાયકામાં આતંકવાદીઓએ બધું વેરવિખેર કરી નાખ્યું. ખીણના તમામ થિયેટર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. કેટલીક હોટલો બની ગઈ તો કેટલીક હોસ્પિટલો, કેટલાક આર્મી કેમ્પ પણ બન્યા.

હવે ફિલ્મો જોવા માટે જમ્મુ જવાની જરૂર નથી
આ પહેલીવાર હશે, જ્યારે 1990 પછી જન્મેલી પેઢી શ્રીનગરમાં મોટા પડદા પર ફિલ્મો જોશે. આઇનોક્સની સાથે મળીને થિયેટર હોલ ખોલનારા કાશ્મીરી બિઝનેસમેન વિજય ધરનો પરિવાર આતંકવાદના સમયે બ્રોડવે થિયેટર ચલાવતા હતા. તેઓ શ્રીનગરમાં એક મોટી શાળા પણ ચલાવે છે.

તેઓ કહે છે કે મને યાદ છે કે કેવી રીતે કાશ્મીરીઓ ટિકિટ લેવા માટે લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા. કાશ્મીરીઓ ફિલ્મો જોવા માટે દિવાના હતા. શો હાઉસફુલ થઈ જતા હતા, પરંતુ પછી શ્રીનગરનાં થિયેટર બંધ કરી દેવામાં આવ્યાં હતાં. તેઓ ફિલ્મો જોવા જમ્મુ જતા હતા. ધર કહે છે, જમ્મુમાં થિયેટર છે તો કાશ્મીરમાં કેમ નહીં. કાશ્મીરી યુવાનો જમ્મુમાં ફિલ્મો કેમ જોવા જાય છે.

થિયેટરને કાશ્મીરી કલાથી શણગારવામાં આવ્યું
વિજય ધર કહે છે, કાશ્મીરની બરફવર્ષામાં પણ ફિલ્મો જોઈ શકાય, તેથી થિયેટરમાં હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે. થિયેટરના અંદરના ભાગને કાશ્મીરી કલાથી શણગારવામાં આવ્યો છે. ખાસ કરી થિયેટરને અલગ જ ડિઝાઈન દ્વારા સજાવવામાં આવ્યું છે. એને લાકડાંના ઘાટથી શણગારવામાં આવ્યું છે. આ કાશ્મીરની પરંપરાગત પદ્ધતિ છે.

કાશ્મીરીઓ માટે ભાવનાત્મક ક્ષણ
47 વર્ષીય મધુ ઘોરી કહે છે, મારા દાદાએ કાશ્મીરમાં સૌથી પહેલા પેલેડિયમ થિયેટર ખોલ્યું હતું, પરંતુ 1990માં બંધ થઈ ગયું. આશા છે કે અહીં વધુ ફિલ્મ-થિયેટર ખૂલશે. આ કાશ્મીરીઓ માટે ભાવનાત્મક ક્ષણ છે, આનાથી પણ વધુ જેમણે 90ના દાયકા પહેલાં કાશ્મીર જોયું છે.

ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે કાશ્મીરીઓની 3 દાયકાની થિયેટરની ભૂખ હવે શાંત થશે. થિયેટર તેમને વિચાર કરવા અને સપનાં જોવા માટે પ્રેરણા આપશે. અમે કાશ્મીરના દરેક જિલ્લામાં 100 સીટ ધરાવતા થિયેટર શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છીએ, જોકે ખીણમાં કેટલાક લોકોને આતંકી હુમલાનો પણ ભય છે.

1999માં થિયેટરમાં આતંકવાદી હુમલો થયો હતો
1999માં તત્કાલીન ફારુક અબ્દુલ્લા સરકારે થિયેટર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. 3 થિયેટરમાં ફિલ્મોનું પ્રદર્શન શરૂ કરવાની મંજૂરી પણ મળી હતી, પરંતુ રીગલ થિયેટરમાં પહેલા શો દરમિયાન આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 1નું મોત થયું હતું અને 12 અન્ય ઘાયલ થયા હતા. ત્યાર બાદ બધાં થિયેટર ફરીથી બંધ કરી દેવામાં આવ્યાં હતાં.

બોલિવૂડના કપૂર પરિવારનો કાશ્મીર સાથે ખાસ સંબંધ
બિઝનેસમેન વિજય ધર કહે છે, 32 વર્ષ બાદ શ્રીનગરમાં મલ્ટિપ્લેકસની શરૂઆત એ રાજ કપૂરને શ્રદ્ધાંજલિ છે. તેઓ ફિલ્મ 'બરસાત'ના શૂટિંગ માટે કાશ્મીર આવ્યા હતા. ઉપરાજ્યપાલે કહ્યું હતું કે 1965ની બ્લોક બ્લાસ્ટર ફિલ્મ શમ્મી કપૂરની 'જાનવર' બ્રોડવે થિયેટરમાં લાગી હતી. શમ્મી કપૂરને કાશ્મીરથી એટલો પ્રેમ છે કે તેમણે પોતાના અંતિમસંસ્કાર દલ તળાવ પાસે કરવા માટે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...