દબાણ, છેતરપિંડી કે લાલચમાં ધર્મ પરિવર્તનને સુપ્રીમ કોર્ટે ગંભીર બાબત ગણાવી છે. સોમવારે એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે બળજબરીથી ધર્માંતરણ માત્ર ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર માટે જ નહીં પરંતુ દેશની સુરક્ષા માટે પણ જોખમ બની શકે છે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારને બળજબરીથી ધર્માંતરણ વિરુદ્ધ કાયદો બનાવવાની માગ પર 22 નવેમ્બર સુધીમાં જવાબ દાખલ કરવા કહ્યું છે. આગામી સુનાવણી 28 નવેમ્બરે થશે.
ધર્માંતરણને ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્રને આ કેસમાં હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે આ ટ્રેન્ડને રોકવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવામાં આવે. કોર્ટે એવી પણ ચેતવણી આપી છે કે જો બળજબરીથી થતા ધર્માંતરણને રોકવામાં નહીં આવે તો ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થશે.
કેન્દ્રે એફિડેવિટ દાખલ કરી
જસ્ટિસ એમઆર શાહ અને હિમા કોહલીની બેન્ચ પબ્લિક ઈન્ટરસ્ટ લિટિગેશન પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે કેન્દ્ર અને રાજ્યને ધાકધમકી કે લાલચ દ્વારા બળજબરીથી ધર્મ પરિવર્તનના કિસ્સામાં કડક પગલાં લેવા જણાવ્યું છે.
આ કેસમાં અરજી દાખલ કરનાર એડવોકેટ અશ્વિની ઉપાધ્યાયે કહ્યું કે ધર્મ પરિવર્તનના આવા કિસ્સાઓને રોકવા માટે એક અલગ કાયદો બનાવવો જોઈએ નહીંતર આ અપરાધને ભારતીય દંડ સંહિતામાં સામેલ કરવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દો કોઈ એક સ્થળ સાથે સંબંધિત નથી, પરંતુ આ સમગ્ર દેશની સમસ્યા છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.