સુપ્રીમ કોર્ટે ચૂંટણી દરમિયાન મફત યોજનાઓ પર પ્રતિબંધ મુકવાની વાત કરી છે. આ માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપવામાં આવ્યા છે કે ઝડપથી આ દિશામાં કોઈ રસ્તો કાઢે. આ મામલે આગામી સુનાવણી 3 ઓગસ્ટે થશે.
વોટર્સને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત પર સુપ્રીમ કોર્ટે 3 માર્ચે આપત્તિ દર્શાવી હતી, જેના પર અરજદારે અરજી પરત ખેંચી લીધી હતી, પરંતુ મંગળવારે કોર્ટે આ પ્રકારના અન્ય એક પેન્ડિંગ કેસમાં સુનાવણી કરતા નિર્દેશ આપ્યા છે.
સુનાવણી દરમિયાન શું થયું?
આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે મતદારોને લાંચ આપવા જેવું છે.
ચીફ જસ્ટિસ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું કે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે મતદારોને લાંચ આપવા જેવું છે. જ્યારે મુખ્ય ન્યાયાધીશે કેન્દ્ર સરકારના વકીલ કે.એમ નટરાજ પાસેથી તેમનો અભિપ્રાય માંગ્યો તો તેમણે કહ્યું કે તે ચૂંટણી પંચે નક્કી કરવાનું છે. આમાં કેન્દ્ર સરકારની કોઈ દખલગીરી નથી. પરંતુ જસ્ટિસ રમનાએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર પોતાને આ બાબતથી દુર રાખી શકે નહીં. ત્યારપછી કોર્ટે કેન્દ્ર સરકારને એફિડેવિટ દાખલ કરીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા કહ્યું છે.
કપિલ સિબ્બલને પૂછ્યા તેમના વિચાર
સુનાવણી દરમિયાન કોઈ અન્ય કેસને લઈને વકીલ કપિલ સિબ્બલ પણ કોર્ટમાં હજાર હતા. કોર્ટે મફત યોજનાના આ મુદ્દે તેમના પણ વિચાર પૂછ્યા. જેના પર સિબ્બલે કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે, પરંતુ રાજકીય રૂપથી તેના પર નિયંત્રણ કરવું ઘણું જ મુશ્કેલ છે. નાણા આયોગને અલગ-અલગ રાજ્યોના પૈસાની ફાળવણી કરતી વખતે તેનું દેવું અને મફત યોજનાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.
તેમને એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર કોઈ નિર્દેશ જાહેર કરે તેવી આશા ન રાખી શકાય. નાણા આયોગ આ મુદ્દાની તપાસ માટે યોગ્ય છે.
આગામી સપ્તાહે થશે સુનાવણી
અરજીમાં કહેવામાં આવ્યું કે ચૂંટણી પંચને રાજ્ય અને રાષ્ટ્રીય પાર્ટીઓને આવા વાયદા કરવાથી રોકવા જોઈએ. સુપ્રીમ કોર્ટે દલીલ સાંભળ્યા બાદ કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહે કરવાનું જણાવ્યું છે. CJIએ આ મામલે વધુ સુનાવણી માટે આગામી બુધવાર એટલે કે 3 ઓગસ્ટની તારીખ નક્કી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.