વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષા ચૂકના મામલામાં સુપ્રીમ કોર્ટે નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રાની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી છે. આ કમિટી સુરક્ષા ચૂકના મામલાની તપાસ કરશે. આ કમિટિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજ ઈન્દુ મલ્હોત્રા, NIAના DGના પ્રતિનિધિ તરીકે IG, ચંદીગઢના DGP, પંજાબના ADGP અને પંજાબ-હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ છે. આ કમિટી સિવાયની કેન્દ્ર અને રાજ્યની તાપાસ કમિટીઓ પર કોર્ટે પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમકોર્ટે 10 જાન્યુઆરીએ આ કેસમાં ચુકાદો અનામત રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પીએમની સુરક્ષામાં ચૂકની હાઈ લેવલ તપાસ થશે.
કોર્ટે સોમવારે ચુકાદો અનામત રાખ્યો હતો
સુપ્રીમકોર્ટે કેન્દ્ર અને પંજાબ બંનેની તપાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સુપ્રીમકોર્ટે 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂકની તપાસ કરાવવા માટે સુપ્રીમકોર્ટના એક રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં એક સ્વતંત્ર સમિતિની રચના કરવા કહ્યું હતું. કોર્ટે ગત સોમવારે આ મામલે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો.
ગત સુનાવણીમાં SPG એક્ટ અંગે રજૂઆત થઈ હતી
સુનાવણી દરમિયાન સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે પીએમ મોદી રોડથી મુસાફરી કરશે એ અંગેની માહિતી ચન્ની સરકારને પહેલેથી હતી. આ કેસમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ વડાપ્રધાનની સુરક્ષાને લઈને એસપીજી એક્ટની માહિતી આપી હતી. આ સિવાય બ્લૂ બુકમાં સુરક્ષાને લઈને માહિતી આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે એ વાતમાં કોઈ શક નથી કે આ સમગ્ર પ્રોસેસના પાલનમાં ગડબડ થઈ છે. આ અંગે કોઈ વિવાદ નથી. એ તથ્યનો પણ અસ્વીકાર ન કરી શકાય કે સુરક્ષામાં ચૂક અને લાપરવાહી થઈ છે. બૂલ બુકમાં એ વાત સ્પષ્ટ છે કે સુરક્ષા વ્યવસ્થા રાજ્ય પોલીસ મહાનિર્દેશકની દેખરેખ હેઠળ સ્થાનિક પોલીસ કરે છે.
શું છે સમગ્ર મામલો?
PM નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાને બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે બઠિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પર પ્યારેઆના ગામ પાસે ફ્લાય ઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ, સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.