• Gujarati News
  • National
  • The Supreme Court Bench Reserved The Verdict Hijaab Case After Hearing Arguments For 10 Days

હિજાબ મામલે સુપ્રીમના બે જજ વચ્ચે મતભેદ:હવે CJI આપશે ચુકાદો, જસ્ટિસ ગુપ્તા અને જસ્ટિસ ધૂલિયાએ આપ્યા અલગ મંતવ્યો

2 મહિનો પહેલા

હિજાબ પરનો પ્રતિબંધ સાચો છે કે ખોટો, એનો નિર્ણય હવે ચીફ જસ્ટિસ યુયુ લલિત કરશે. ગુરુવારે જ્યારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો ત્યારે બે ન્યાયાધીશની બેંચે આ મામલે અલગ-અલગ મંતવ્યો આપ્યા હતા. 10 દિવસની સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટની સુનાવણીના 4 પાસા
જસ્ટિસ ધૂલિયાનો નિર્ણય:
મારા મગજમાં સૌથી મોટો સવાલ વિદ્યાર્થિનીઓના શિક્ષણનો છે. મારી નજરમાં આ પહેલા આવે છે. મારો વિચાર અલગ છે અને હું આ અરજીઓને નામંજૂર કરું છું.

જસ્ટિસ ગુપ્તાનો નિર્ણય: જસ્ટિસ ગુપ્તાએ કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો અને એ વિરુદ્ધ અરજીઓ દાખલ કરનારને 11 સવાલ કર્યા હતા. આ પછી તેમણે જણાવ્યું હતું કે આ મામલે અમારા વિચારો અલગ છે.

પરિણામ શું આવ્યું?
જસ્ટિસ હેમંત ગુપ્તાએ કહ્યું હતું કે આ મામલો CJIને મોકલવામાં આવશે, એટલે તેઓ આ મામલે યોગ્ય નિર્ણય લેશે. અરજદારના વકીલ એઝાઝ મકબુલે કહ્યું હતું કે આ મામલે હવે CJI નક્કી કરશે કે આ કેસની સુનાવણી માટે મોટી બેંચની રચના કરવી જોઈએ કે બીજી કોઈ બેંચ.

હિજાબ પરનો પ્રતિબંધ યથાવત્ રહેશે
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કર્ણાટકના શિક્ષણમંત્રી બી નાગેશે કહ્યું હતું કે કર્ણાટક હાઈકોર્ટનો નિર્ણય અત્યારે અમલમાં રહેશે. તેથી, શાળા અને કોલેજોમાં હિજાબ પરનો પ્રતિબંધ ચાલુ રહેશે.

અરજદારની દલીલ હતી કે વિદ્યાર્થીઓની સાથે તેઓ ભારતના નાગરિક પણ છે. તેવામાં ડ્રેસ કોડ લાગુ કરવો એ તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે.

કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાને પણ પડકારવામાં આવ્યો હતો
સુપ્રીમ કોર્ટમાં હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટના ચુકાદાની સામે 23 અરજી દાખલ કરવામાં આવી હતી. એને માર્ચમાં દાખલ કરવામાં આવી હતી. અરજદારોએ તરફથી સિનિયર એડવોકેટ રાજીવ ધવન, દુષ્યંત દવે, સંજય હેગડે અને કપિલ સિબ્બલને પક્ષ રાખ્યા છે.

કર્ણાટક હાઈકોર્ટનો ચુકાદો- હિજાબ પહેરવો ફરજિયાત નથી
15 માર્ચે કર્ણાટક હાઈકોર્ટે ઉડુપીના સરકારી પ્રી-યુનિવર્સિટી ગર્લ્સ કોલેજની અમુક મુસ્લિમ વિદ્યાર્થિનીઓ તરફથી ક્લાસમાં હિજાબ પહેરવાની માગ કરવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના જૂના આદેશને યથાવત્ રાખતાં કહ્યું હતું કે હિજાબ પહેરવો એ ઇસ્લામની આવશ્યક પ્રથાનો ભાગ નથી. આને સંવિધાનના આર્ટિકલ 25 મુજબ સંરક્ષણ દેવાની જરૂરિયાત નથી. કોર્ટેના આ ચુકાદાને વિદ્યાર્થિનીઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી થઈ રહી છે.

ઉડુપીથી શરૂ થયો હતો વિવાદ
કર્ણાટકમાં હિજાબનો વિવાદ જાન્યુઆરીની શરૂઆતમાં ઉડુપીની એક સરકારી કોલેજમાંથી શરૂ થયો હતો, જ્યાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ હતો. સ્કૂલ મેનેજમેન્ટે એને યુનિફોર્મ કોડ વિરુદ્ધ ગણાવ્યો હતો. આ પછી વિવાદ અન્ય શહેરોમાં પણ ફેલાઈ ગયો હતો.

મુસ્લિમ યુવતીઓ આનો વિરોધ કરી રહી હતી, જેની સામે હિંદુ સંગઠનો સાથે જોડાયેલા યુવકોએ પણ કેસરી શાલ પહેરીને વળતો વિરોધ શરૂ કર્યો હતો. વિરોધ એક કોલેજમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો, જ્યાં પોલીસને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયરગેસના શેલ છોડવા પડ્યા હતા.