રાજસ્થાનમાં 4588 જગ્યા માટે 470 પરીક્ષા કેન્દ્રો પર ગુરુવારથી કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષા શરૂ થઈ ગઈ છે. પરીક્ષામાં યુવતીઓનાં ઘરેણાં ઉતારી લેવામાં આવ્યાં હતાં અને જે-જે યુવતી ફુલ સ્લીવના કપડાં પહેરીને આવી હતી તેના પર કાતર ફેરવી દેવાઈ હતી. ઘણાં કેન્દ્રોમાં ઉમેદવારોને ચપ્પલ પહેરીને પણ પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. આવી સ્થિતિમાં ઉઘાડા પગે પરીક્ષાર્થીઓ ગરમીમાં રસ્તા પર દોડતા જોવા મળ્યા હતા. દૌસાના એક કેન્દ્રમાં જ્યારે છોકરીઓ મોડી પહોંચી ત્યારે તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો, જેના કારણે તેઓ રડી પડી હતી.
દૌસામાં પરીક્ષાની પ્રથમ પાળી(શિફ્ટ)માં સવારે 9 વાગ્યે પરીક્ષા શરૂ થઈ હતી. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશવા માટે 8થી 8:30નો સમય આપવામાં આવ્યો હતો. જેઓ નિયત સમય પછી પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. દૌસામાં બે મહિલા ઉમેદવાર મોડી પહોંચી હતી. તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ ન આપવામાં આવતાં તેઓ ચીસો પાડી રડવા લાગી હતી. જોકે ત્યાર પછી તેમણે વિનંતી કરી, પરંતુ પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી નહોતી.
યુવતીઓનાં કપડાં પર પોલીસની કાતર ફરી
પરીક્ષામાં ચોરી ટાળવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ઘણી છોકરીઓ પેપર આપવા માટે ફુલ સ્લીવનાં કપડાં પહેરીને આવી હતી. ત્યારે આવી યુવતીઓનાં કપડાં પર મહિલા પોલીસકર્મીઓ કાતર વડે બાંયો કાપી નાખી હતી. તો બીજી બાજુ હાથમાં બાંધેલો દોરો તથા અન્ય વસ્તુઓને પણ ઉતારવા સૂચન આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે ભરતી પરીક્ષા રાજ્યના 32 જિલ્લામાં 13થી 16 મે દરમિયાન ચાર દિવસ માટે બે પાળીમાં યોજાશે. એના માટે 18 લાખ 86 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. એની પ્રથમ પાળીની પરીક્ષામાં ઉમેદવારોને ઉઘાડા પગે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન કોપી અટકાવવા માટે પરીક્ષા કેન્દ્રો પર જામર લગાવવામાં આવ્યા છે. આની સાથે જ એટીએસ અને એસઓજીની ટીમ પણ નકલ અટકાવવા મોનિટરિંગ કરી રહી છે.
પ્રવેશ 30 મિનિટ વહેલો બંધ કરી દેવામાં આવશે
ભરતી અને પ્રમોશન બોર્ડના મહાનિર્દેશક, બિનીતા ઠાકુરે જણાવ્યું હતું કે ભરતી પરીક્ષા 4 દિવસ માટે બે પાળી(શિફ્ટ)માં લેવામાં આવશે. દરરોજ પ્રથમ પાળીની પરીક્ષા સવારે 9 વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી પાળીની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. કોન્સ્ટેબલ ભરતી કસોટીમાં ભાગ લેનારા ઉમેદવારોને પરીક્ષા શરૂ થવાની 30 મિનિટ પહેલાં જ કેન્દ્રમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. આવી સ્થિતિમાં જો કોઈ ઉમેદવાર 30 મિનિટ પહેલાં પરીક્ષા કેન્દ્ર પર નહિ પહોંચી શકે તો તેને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સાથે ઉમેદવાર કોઈપણ પ્રકારની નકલ કરતા જોવા મળશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
કોપી અટકાવવા માટે પ્રથમ વખત તમામ પરીક્ષા કેન્દ્રો પર જામર લગાવવામાં આવ્યા છે. જેથી સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ બંધ ન કરવું પડે. આની સાથે જ પરીક્ષા કેન્દ્ર પર CCTV પણ લગાવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની સાથે પરીક્ષા કેન્દ્રમાં તહેનાત પોલીસકર્મીઓ અને શિક્ષકો પણ પોતાની સાથે મોબાઈલ રાખી શકશે નહીં.
ખાલી જગ્યાની વિગતો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.