રાજસ્થાનના અલવરમાં 14 વર્ષની રેપ પીડિતાએ આરોપી યુવકની હત્યા કરી નાખી. રેપ કરનાર પૂર્વ સરપંચનો પુત્ર હતો, જેની લાશ 18 મેના રોજ અલવરના કોટકાસિમ વિસ્તારમાં રસ્તા પરથી મળી. પોલીસે જણાવ્યું હતું કે શખસનું મર્ડર કરવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, પૂર્વ સરપંચનો પુત્ર યુવતીને ઘણા સમયથી બ્લેકમેઇલ કરીને રેપ કરતો હતો. એ બાદ તે પોતાના સાથીઓની સાથે પણ સંબંધ બનાવવા માટે દબાણ કરતો હતો. એ વાત યુવતીને પસંદ ન પડતાં તેણે ખેતરમાં બોલાવીને યુવકને મારી નાખ્યો. ઘટના સમયે શખસ શરાબના નશામાં હતો.
યુવતી ગામની જ રહેવાસી છે
ભિવાડી ASP અતુલ સાહુએ જણાવ્યું હતું કે 17 મેના રોજ પૂર્વ સરપંચ ધનીરામ યાદવનો પુત્ર વિક્રમ યાદવ (45)ની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે 18 મેના રોજ તેનો મૃતદેહ ગામની નજીક રસ્તા પરથી મળ્યો હતો. પરિવારના લોકો તેને સામાન્ય સંજોગમાં મોત થયું હોવાનું માનીને લાશ ઘરે લઈ ગયા. તેમને લાગ્યું કે તેનું મોત પડી જવાને કારણે થયું છે.
અંતિમસંસ્કાર સમયે વિક્રમના ગળા પર નિશાન જોયાં. લોહીના ડાઘા પણ દેખાયા. પરિવારે પોલીસને આ અંગે જાણ કરી. તપાસમાં ગામની જ 10મા ધોરણમાં ભણતી યુવતીની ભૂમિકા શંકાસ્પદ લાગી. યુવતીની મા નથી. તેનો ભાઈ પ્રાઈવેટ જોબ કરે છે. પોલીસે તેની કડક પૂછપરછ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.
અફેરનો થયો હતો ઘટસ્ફોટ
ASP સાહુએ જણાવ્યું હતું કે સગીરા વિક્રમ યાદવના ઘરે પાણી ભરવા જતી હતી. દોઢ મહિના પહેલાં સગીરાએ પોતાના પ્રેમી સાથે વાત કરવા માટે વિક્રમ પાસે ફોન માગ્યો. બંને વચ્ચેની વાત વિક્રમના ફોનમાં રેકોર્ડ થઈ ગઈ હતી. છેલ્લા એક વર્ષથી યુવતીના ગામના જ કોઈ યુવક સાથે અફેર ચાલતું હતું, જે વાતને લઈને વિક્રમ તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો અને બાદમાં રેપ પણ કર્યો.
વિક્રમ સગીરા પર પોતાના મિત્રોને પણ સંબંધ બનાવવાનું દબાણ કરતો હતો. આ વાતને લઈને યુવતી નારાજ હતી. વિક્રમ પહેલાં ગામના 2 અન્ય યુવક પણ સગીરાનો રેપ કરતા હતા. લગભગ 6 મહિના પહેલાં આ યુવકને પણ તેના અફેર અંગે જાણ થઈ ગઈ હતી. આ વાતને લઈને બંને યુવક યુવતીને બ્લેકમેઇલ કરીને દુષ્કર્મ કરતા હતા.
ઈશારો કરીને ખેતરમાં બોલાવ્યો
ASPએ જણાવ્યું હતું કે 17 મેની સાંજે યુવતી વિક્રમના ઘરે ગઈ. તેને પાણી ભરવાનું બહાનું બનાવ્યું હતું. આરોપ છે કે વિક્રમને ઈશારો કરીને ઘરની બાજુમાં આવેલા ખેતરમાં રાત્રે સાડાનવ વાગ્યે બોલાવ્યો હતો. વિક્રમ શરાબના નશામાં ત્યાં પહોંચ્યો હતો, જેનો ફાયદો ઉઠાવીને સગીરાએ પોતાની દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને રસ્તા પર લાશ ફેંકી દીધી.
કોટકાસિમ પોલીસ સ્ટેશનના અધિકારી મહાવીરસિંહ શેખાવતે જણાવ્યું હતું કે આ ઘટના સામે આવ્યા બાદ સગીરાની અટકાયત કરીને તેને અલવરના નારી નિકેતનમાં મોકલી દેવાઈ છે. સગીરાએ વિક્રમ સિંહ સહિત ત્રણ લોકો વિરુદ્ધ સોમવારે રેપનો કેસ નોંધાવ્યો છે.
મોબાઈલ મળ્યો
ઘટનાસ્થળેથી પોલીસને વિક્રમનો મોબાઈલ પણ મળ્યો. તપાસમાં સગીરાનું રેકોર્ડિંગ પોલીસને મળ્યું હતું. તપાસમાં એક જગ્યાએથી દુપટ્ટાનો સળગેલો ટુકડો પણ મળ્યો, જેને જપ્ત કરીને તપાસ કરવામાં આવી તો તેના પર લોહીના ડાઘ હતા. એ બાદ સગીરાની પૂછપરછ કરવામાં આવી તો આખી ઘટના સામે આવી ગઈ.
વિક્રમ યાદવના બે પુત્ર છે. મોટો દીકરો ગ્રેજ્યુએટ છે. નાનો દીકરો દિલ્હી યુનિવર્સિટીમાં BSCના ફાઈનલ યરનો સ્ટુડન્ટ છે.
કેસ ઘણો જ ગૂંચવાયેલો છે
ભિવાડી ASP અતુલ સાહુએ કહ્યું- આ આખો કેસ ઘણો જ ગૂંચવાયેલો છે. ઘટનાસ્થળેથી અમને કોઈ વધુ પુરાવા મળ્યા નથી. અનેક લોકોની પૂછપરછ અને ટેક્નિકલ મદદથી અમે સગીરા સુધી પહોંચ્યા છીએ. પૂછપરછ કરી ત્યારે આ સમગ્ર હકીકત પરથી પર્દાફાશ થયો છે.
સગીરાએ કોટકાસિમ પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ કર્યો છે, જેમાં કોના નામ છે એ અંગેની જાણકારી હાલ ગુપ્ત રાખવામાં આવી છે. તેમની ધરપકડ બાદ જ આ જાણકારી સાર્વજનિક કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.