દેશમાં દરેક પસાર થતા દિવસ સાથે કોરોના નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. દેશમાં પરિસ્થિતિ સતત બગડતી જાય છે. પહેલા દરરોજ 2 લાખથી વધુ કેસ આવતા હતા, તો હવે આ આંકડો 2.5 લાખને પાર કરી ગયો છે. દરરોજ થતાં મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અને એવાં અનેક મોત છે જે સરકારી રેકોર્ડમાં પણ નથી. હોસ્પિટલોમાં કોઈ જગ્યા ખાલી નથી, સ્મશાનમાં પણ વેઇટિંગ છે, તો કબ્રસ્તાનો પણ ભરાઇ ગયાં છે. નિષ્ણાતો કહે છે કે આગામી 15 દિવસ ખૂબ જ ગંભીર છે.
દેશમાં કોરોનાથી ગંભીર બનતી પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકારોએ કર્ફ્યૂ, નાઇટ કર્ફ્યૂ, અને વીકએન્ડ કર્ફ્યૂ જેવી વ્યવસ્થા શરૂ કરી છે. દેશમાં કોરોનાના કહેરની વર્તમાન પરિસ્થિતિને 10 ગ્રાફિક્સથી સમજો ...
દેશમાં દરરોજ બે લાખથી વધુ કેસ
છેલ્લા ચાર દિવસમાં દેશમાં બે લાખથી વધુ કેસ નોંધાયા છે. 14 એપ્રિલે દેશમાં 1.99 લાખથી વધુ કેસ આવ્યા હતા. 15 એપ્રિલના રોજ દેશમાં પ્રથમ વખત 2 લાખથી વધુ કેસ આવ્યા હતા. 15 એપ્રિલના રોજ નવા કેસોમાં 17 હજારનો વધારો થયો હતો, તો 16 એપ્રિલના રોજ 18 હજારનો વધારો થયો અને કુલ 2.34 લાખથી વધુ કેસ આવ્યા.
સતત વધતા જતા કેસો વચ્ચે દેશમાં કોરોનાના દર્દીની કુલ સંખ્યા 1.45 કરોડથી વધુ થઈ ગઈ છે. એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 16.79 લાખ થઈ ગઈ છે. આ કુલ દર્દીઓમાં 11.56% છે.
દેશનો સપ્ટેમ્બરમાં પ્રથમ પીક આવી હતી. આ દરમિયાન 50 લાખથી 60 લાખ કેસ થવામાં ફક્ત 12 દિવસનો સમય લાગ્યો હતો. આ વખતે આ ગતિ પહેલાં કરતાં વધારે છે. 8 એપ્રિલે દેશમાં 13 કરોડથી વધુ કેસ નોંધાયા હતા. 15 એપ્રિલે આ આંકડો 1.4 કરોડને પાર કરી ગયો, એટલે કે માત્ર 7 દિવસમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા છે.
પ્રથમ પીક પછી દર 10 લાખ નવા કેસો આવવામાં દિવસોની સંખ્યા સતત વધી રહી હતી. 1 કરોડ કેસમાંથી 1 કરોડ 10 લાખ કેસ થવા માટે બે મહિનાથી વધુનો સમય લાગ્યો હતો, પરંતુ બીજી લહેર આવ્યા પછી, તેની ગતિ ફરી વધી ગઈ છે. 1.2 કરોડ કેસોથી 1.3 કરોડ કેસ થવામાં માત્ર 11 દિવસનો સમય લાગ્યો હતો, તો 1.30 કરોડ કેસથી 1.4 કરોડ કેસ થવામાં માત્ર 7 દિવસનો સમય લાગ્યો હતો.
મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટકમાં 10 લાખથી વધુ કેસ
કોરોનાના કુલ કેસમાં મહારાષ્ટ્ર સૌથી આગળ છે. અત્યારસુધીમાં અહીં 37.7 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કેરળ બીજા નંબરે છે, જ્યાં 12.2 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. કર્ણાટક ત્રીજા નંબરે છે. અહીં 11.4 લાખથી વધુ કેસ છે. એ પછી તામિલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢ આવે છે.
દેશના 63% એક્ટિવ કેસ ફક્ત 5 રાજ્યના
એક્ટિવ કેસના મામલે મહારાષ્ટ્ર પણ ટોપ પર છે. અહીં કુલ એક્ટિવ કેસના 36% કેસ છે. ઉત્તરપ્રદેશ બીજા નંબરે છે, જ્યાં દેશના 9% એક્ટિવ કેસ છે. ટોપ 5 રાજ્યોના કુલ એક્ટિવ કેસમાંથી 63%નો હિસ્સો છે.
18 સપ્ટેમ્બર 2020ના રોજ દેશમાં 10 લાખથી વધુ એક્ટિવ કેસ હતા, પરંતુ એ પછી ઘટવાનું શરૂ થયું. 12 ફેબ્રુઆરીએ એક્ટિવ કેસ ઘટીને 1.35 લાખ થઈ ગયા, પરંતુ આ પછી ફરી એકવાર એક્ટિવ કેસ વધવાનું શરૂ કર્યું. હાલમાં 18 લાખથી વધુ એક્ટિવ કેસ છે, જે એક રેકોર્ડ છે. એક્ટિવ કેસની વાત કરીએ તો સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્ર પછી ઉત્તરપ્રદેશની છે. આ પછી છત્તીસગઢ, કર્ણાટક અને કેરળ છે.
ભારત વિશ્વનો બીજો સૌથી સંક્રમિત દેશ
વિશ્વમાં સૌથી વધુ કેસ અમેરિકામાં નોંધાયા છે. અત્યારસુધીમાં અહીં 3.24 કરોડથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. ભારત બીજા નંબરે છે. અહીં અત્યારસુધીમાં 1.47 કરોડ કોરોનાના કેસ સામે આવ્યા છે. ફક્ત ત્રણ દેશોમાં એક કરોડથી વધુ કેસ છે. ત્રીજો દેશ બ્રાઝિલ છે, જ્યાં 1.39 કરોડ કેસ નોંધાયા છે.
જોકે હાલમાં ભારતમાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે. અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ. ભારતમાં, જ્યાં દરરોજ બે લાખથી વધુ કેસ આવે છે, ત્યાં હવે અમેરિકા અને બ્રાઝિલમાં દરરોજ 60થી 80 હજાર કેસ નોંધાય છે.
દેશમાં થયેલાં કુલ મૃત્યુમાં 34% એકલાં મહારાષ્ટ્રમાં
દેશમાં કોરોનાથી અત્યારસુધીમાં 1.77 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. એકલાં મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે 59 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્ર પછી કર્ણાટકમાં સૌથી વધુ મોત થયાં છે. અહીં 13.4 હજારથી વધુ કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા છે. તામિલનાડુમાં 13 હજારથી વધુ, દિલ્હીમાં પણ લગભગ 12 હજાર લોકોનાં મોત થયાં છે. બંગાળમાં 10.5 હજાર કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યાર બાદ ઉત્તરપ્રદેશનો નંબર છે, જ્યાં કોરોનાથી લગભગ 10 હજાર લોકોનાં મોત થયાં છે.
24 કલાકમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્ર અને દિલ્હીમાં
દેશમાં, 18 એપ્રિલની સવારે 24 કલાકમાં 1501 કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. કુલ મૃત્યુના 83% મૃત્યુ ફક્ત 10 રાજ્યોમાં થયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 419 કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા. ત્યાર બાદ દિલ્હીમાં 167 તો છત્તીસગઢમાં 158 કોરોના દર્દીનાં મોત થયાં. ઉત્તરપ્રદેશનો સમાવેશ એવા રાજ્યોમાં પણ કરવામાં આવ્યો હતો, જ્યાં 100થી વધુ કોરોના દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. અહીં 24 કલાકમાં 120 લોકોનાં મોત થયાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.