દેશમાં નિષ્ણાત ડૉક્ટરોની અછતને દૂર કરવા અને અનેક પ્રકારની ગંભીર બીમારીઓની પ્રાથમિક તપાસ અને સારવાર માટે ફેમિલી મેડિસિનના નિષ્ણાતો તૈયાર કરાશે. તેની શરૂઆત દેશની 6 એઈમ્સથી કરવાની તૈયારી છે. અહીંથી તૈયાર થનારા નિષ્ણાતોને નોકરીની ગેરન્ટી આપવાની પણ ચર્ચા થઈ છે. જોકે હાલ અંતિમ નિર્ણય લેવાયો નથી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને નીતિ આયોગના અધિકારીઓ વચ્ચે થયેલી મહત્ત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય થયો હતો કે નિષ્ણાત ડૉક્ટરોની અછત દૂર કરવા ફેમિલી મેડિસિનના ડૉક્ટર્સ તૈયાર કરવામાં આવે. તેમને એમબીબીએસ બાદ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં ચારથી પાંચ વિભાગોનો અભ્યાસ કરાવાય. તેના પછી તે ફેમિલી મેડિસિનના સ્પેશિયાલિસ્ટ બનશે. પહેલા તબક્કે પટણા, ભોપાલ, જોધપુર, રાયપુર, ભુવનેશ્વર અને હૃષિકેશ એઈમ્સમાં તેનો અભ્યાસ શરૂ કરાવાશે.
ફેમિલી મેડિસિનમાં સર્જરી, સ્ત્રી અને પ્રસૂતિ રોગ, બાળરોગ અને જનરલ મેડિસિનનો અભ્યાસ કરાવાશે. સિલેબસ એવો હશે કે ડૉક્ટરો આ વિભાગના કોઇ પણ દર્દીની સારવાર કરી શકે. સ્થિતિ ગંભીર થતાં જ દર્દીને સ્પેશિયાલિસ્ટ પાસે મોકલવાની જરૂર પડે. શરૂઆતના તબક્કે તમામ એઈમ્સમાં બેથી 3 સીટ ફેમિલી મેડિસિનની હશે.
અંદાજે 18 હજાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની જરૂર
ફેમિલી મેડિસિનના નિષ્ણાત તૈયાર થયા બાદ એક ડાૅક્ટર એકસાથે ચારથી પાંચ વિભાગનો સ્પેશિયાલિસ્ટ બનશે. દેશમાં પીએચસી અને સીએચસીમાં જ સર્જિત પદો અનુસાર 10 હજારથી વધુ સર્જન, ગાયનેકોલોજિસ્ટ, ફિજિશિયન અને પીડિયાટ્રિક્સના પદો ખાલી છે. જોકે દર્દીઓની સંખ્યા, પીએચસી અને સીએચસીની સંખ્યાને જોતા સરકારી અનુમાન અનુસાર આશરે 18 હજાર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.