ઉત્તર પ્રદેશ પછી હવે મધ્ય પ્રદેશ કેબિનેટે પણ લવજેહાદ સામે ધર્મસ્વતંત્રતા વિધેયક-2020ને શનિવારે મંજૂરી આપી દીધી છે. આ અંગેનું વિધેયક 28 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા વિધાનસભા સત્રમાં રજૂ કરાશે. બેઠક પછી રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે બળજબરીથી ધર્મપરિવર્તન કરાવનારને 1થી 5 વર્ષ સુધીની કેદ તથા 25 હજાર સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. મહિલા, સગીર અને એસસી-એસટીના ધર્મપરિવર્તનના કિસ્સામાં દોષિતને 2થી 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે અથવા 50 હજારનો દંડ થઈ શકે છે.
દરમિયાનમાં ઉત્તર પ્રદેશમાં લવજેહાદ કાયદો લાગુ થવાને 1 મહિનો પૂરો થયો છે. આ દરમિયાન પોલિસે અલગ-અલગ સ્થળેથી લગભગ 35 લોકોની ધરપકડ કરી છે. લગભગ 1 ડઝન એફઆઈઆર નોંધાઈ છે. એટા, સીતાપુરમાં 7-7, ગ્રેટર નોઈડા અને કન્નોજમાં 4-4, આઝમગઢ-શાહજહાપુરમાં 3-3, મુરાદાબાદ-મુજફ્ફરનગર-બિજનોરમાં 2-2 અને બરેલીમાંથી 1 વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આ પહેલાં રાજ્યગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ કહી ચૂક્યા છે કે કાયદો કડક બનાવવો જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાયદો ઝડપી બનાવ્યો છે, શિવરાજ સરકાર પણ આ જ રસ્તે આગળ વધી રહી છે.
બિલના મુખ્ય મુદ્દા
ઉત્તરપ્રદેશમાં પણ આરોપીને 10 વર્ષની સજા
ઉત્તરપ્રદેશમાં ખોટી રીતે ધર્મપરિવર્તન પર પ્રતિબંધ મૂકવાનો કાયદો અમલમાં આવ્યો છે. એને 28 નવેમ્બરના રોજ રાજ્યપાલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે એનું બિલ 24 નવેમ્બરના રોજ પાસ કર્યું હતું. યોગી આદિત્યનાથે વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન કહ્યું હતું કે મહિલાઓને સુરક્ષા આપવાના હેતુથી રાજ્યમાં લવ-જેહાદ સામે કાયદો લાવવામાં આવશે. હરિયાણા, કર્ણાટક અને ભાજપશાસિત કેટલાંક અન્ય રાજ્યોમાં પણ આવા કાયદા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
ઉત્તરપ્રદેશ દેશનું પહેલું રાજ્ય હતું, જ્યાં આ કાયદો પસાર કરવામાં આવ્યો. યુપીમાં બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવાની જોગવાઈ છે અને આ કાયદા હેઠળ વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.