ભારતમાં ફેબ્રુઆરીથી સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. જે બાદથી જ કોરોનાની બીજી લહેરનો ડર દરેક લોકોને ડરાવી રહ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની રિસર્ચ ટીમના એક રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે કોરોનાની બીજી લહેર લગભગ 100 દિવસ સુધી રહેશે. જો 15 ફેબ્રુઆરીથી તેની શરૂઆત માનવામાં આવે, તો મે સુધી તેની અસર જોવા મળી શકે છે. 23 માર્ચના ટ્રેન્ડને આધાર માનવામાં આવે તો દેશમાં બીજી લહેરથી લગભગ 25 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ શકે છે.
SBIના 28 પેજના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે લોકલ સ્તરે લોકડાઉનની કોઈ જ અસર જોવા નહીં મળે. તેથી મોટા સ્તરે વેક્સિનેશન જ કોરોના વિરૂદ્ધની જંગ જીતવાનો એકમાત્ર ઉપાય છે. જો અત્યારથી જ તેની ગણના કરવામાં આવે તો એપ્રિલના બીજા પખવાડિયાથી લઈને મેના મધ્ય સુધી તેનો પીક જોવા મળી શકે છે. આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં દેશમાં કોરોના પીક પર હતો. તે સમયે દરરોજ 90 હજારથી વધુ કેસ જોવા મળી રહ્યાં હતા.
આગામી મહિનાથી જોવા મળશે લોકડાઉનની અસર
આર્થિક સંકેત પર ફોકસ કરતા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે ગત સપ્તાહથી સૂચકાંકોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આંશિક રીતે કે સંપૂર્ણ રીતે કેટલાંક રાજ્યોમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકડાઉન જેવાં પગલાં ઉઠાવવાની અસર આગામી મહિનાથી જોવા મળી શકે છે.
વેક્સિનેશનની સ્પીડ વધારવાની જરૂરિયાત
રિપોર્ટમાં તે વાત પર પણ જોર આપવામાં આવ્યું છે કે રાજ્યોમાં વેક્સિનેશન પ્રોસેસમાં ગતિ લાવવાની જરૂરિયાત છે. જો હાલની સ્થિતિમાં દરરોજ વેક્સિનેશનની સ્પીડ 34 લાખથી વધારીને 40-45 લાખ કરવામાં આવે તો 3થી 4 મહિનામાં 45 વર્ષ અને તેનાથી ઉપરના લોકોને પૂરી રીતે વેક્સિનેટ કરવામાં આવી શકે છે.
માસ્ક અને વેક્સિનેશન ઘણું જ જરૂરીઃ ICMR
હેલ્થ મિનિસ્ટ્રી મુજબ દેશમાં બુધવારે ગત 5 મહિનામાં સૌથી વધુ 53,476 નવા મામલાઓ સામે આવ્યાં છે. મિનિસ્ટ્રી મુજબ દેશના 18 રાજ્યોમાં કોરોનાનો ડબલ મ્યૂટન્ટ વેરિએન્ટ મળી આવ્યા છે. ICMRના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોનાની બીજી લહેર સમયથી પહેલાં આવી ગઈ છે. તેથી આપણે બધાંએ સચેત રહેવાની જરૂર છે. વધુને વધુ ટેસ્ટ કરાવવામાં આવે, માસ્ક પહેરવું અત્યંત જરૂરી છે. સાથે જ વેક્સિનેશન તાત્કાલિક ધોરણે પૂર્ણ થઈ જવું જોઈએ.
અત્યાર સુધીમાં 1.17 કરોડ લોકો સંક્રમિત
દેશમાં અત્યાર સુધીમાં 1 કરોડ 17 લાખ 87 હજાર 13 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ગયા છે. જેમાંથી 1 કરોડ 12 લાખ 29 હજાર 591 લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 1.60 લાખ દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા covid19india.orgથી લેવામાં આવ્યા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.