• Gujarati News
  • National
  • The SBI Said It Had Lodged A Complaint With The CBI As Soon As The Forensic Audit Fraud Came To Light

દેશની સૌથી મોટી બેન્ક છેતરપિંડીનો મામલો:SBIએ કહ્યું - ફોરેન્સિક ઓડિટમાં છેતરપિંડી બહાર આવતાં જ CBIને ફરિયાદ કરી

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાડા 7 વર્ષમાં બેન્કો સાથે 5.35 લાખ કરોડની છેતરપિંડી: કોંગ્રેસ

એસબીઆઇએ દેશની સૌથી મોટી બેન્ક છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવવામાં મોડું કર્યાનો આક્ષેપ ફગાવી દીધો છે. સીબીઆઇએ 22,842 કરોડ રૂપિયાની બેન્ક છેતરપિંડી મામલે એબીજી શિપયાર્ડ, તેના પૂર્વ સીએમડી અને ડાયરેક્ટર્સ સામે કેસ દાખલ કરીને દરોડાની કાર્યવાહી કરી છે. કંપનીએ એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ સહિત 28 બેન્ક પાસેથી લોન લઇને તે રકમનો જણાવેલા ઉદ્દેશના બદલે બીજા હેતુ માટે ઉપયોગ કર્યો.

એસબીઆઇએ રવિવારે એક નિવેદનમાં જણાવ્યું કે છેતરપિંડી થઇ હોવાનું ફોરેન્સિક ઓડિટ રિપોર્ટમાં જણાતા જ સીબીઆઇને ફરિયાદ કરાઇ હતી. ત્યાર બાદ સીબીઆઇએ કરેલા સવાલો મુજબ વધુ માહિતી એકઠી કરાઇ. બધી બેન્કોના ફોરમે સમગ્ર મામલે સીબીઆઇ સાથે સતત સંપર્કમાં રહીને કાર્યવાહી આગળ વધારી છે. આ મામલે કોંગ્રેસે રવિવારે મોદી સરકાર સામે સવાલ ઊઠાવ્યો. રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે, ‘ભાજપ સરકારના કાર્યકાળમાં 5.35 લાખ કરોડની બેન્ક છેતરપિંડી થઇ છે અને લૂંટ, છેતરપિંડીના આ દિવસો માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રો માટે અચ્છે દિન છે.’

કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તાજેતરના વર્ષોમાં થયેલી બેન્ક છેતરપિંડીના કિસ્સા ગણાવતા કહ્યું કે, ‘બેન્ક ડિફોલ્ટર્સની લાંબી યાદીમાં નીરવ મોદી, મેહુલ ચોકસી, લલિત મોદી, વિજય માલ્યા, જતીન મહેતા, ચેતન સાંડેસરા સાથે હવે ઋષિ અગ્રવાલનું નામ પણ જોડાઇ શકે છે. કોંગ્રેસે 2018માં પ્રેસ કોન્ફરન્સ યોજીને સરકારને ચેતવણી આપી હતી કે એબીજી શિપયાર્ડ એક કૌભાંડ છે. 2007માં આ કંપનીને ગુજરાત સરકારે 1.21 લાખ ચો. મી. જમીન ફાળવી હતી. ત્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. મોદી સરકાર ‘લૂંટો અને ભાગો’ યોજના ચલાવી રહી છે.’

એબીજીને લોન યુપીએ સરકાર વખતે મળી: ભાજપ
કોંગ્રેસના આક્ષેપો અંગે ભાજપના પ્રવક્તા, સાંસદ સૈયદ જફરુલ ઇસ્લામે કહ્યું કે આ તો ચોર ગુના માટે પોલીસ પર આરોપ મૂકે તેવી વાત છે. હકીકતમાં 2014માં મોદી સરકાર સત્તા પર આવ્યા પહેલાં યુપીએ સરકાર વખતે એબીજી શિપયાર્ડને લોન અપાઇ હતી અને ત્યારે જ એનપીએ બની ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...