મંચનો વ્યૂહ:સંઘ મુસ્લિમ મહિલાઓની લગ્નની ઉંમર વધારવા અભિયાન છેડશે

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • RSS સાથે સંકળાયેલા મુસ્લિમ રાષ્ટ્રીય મંચની જાહેરાત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલી સંસ્થા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ પર્સનલ લૉમાં ફેરફાર કરીને મુસ્લિમ મહિલાઓની લગ્નની ઉંમર વધારવા માટે દેશભરમાં અભિયાન છેડશે. હાલ તેમાં મુસ્લિમ મહિલાઓ માટે તરુણાવસ્થામાં જ લગ્ન કરવાની જોગવાઈ છે. મુસ્લિમ મહિલાઓને સમાન અધિકાર આપવા માટે શરિયા કાયદામાં સુધારાનું અભિયાન પણ ચલાવાશે. આ અભિયાન હેઠળ મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓ નમાજ અદા કરી શકે એ માટે અલગ જગ્યા ફાળવવાની માંગના સમર્થનમાં જાહેર અભિપ્રાય પણ મંગાશે.

આ મુદ્દે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, મુસ્લિમ પર્સનલ લૉ (શરિયત) એપ્લિકેશન એક્ટ પ્રમાણે, હાલ મુસ્લિમ મહિલાઓનાં તરુણાવસ્થામાં લગ્ન કરવાની જોગવાઈ છે, જે ઘણો પછાત નિયમ છે. દેશના શિક્ષિત અને પ્રગતિશીલ વિચારો ધરાવતા સિવાયના પરિવારોમાં મુસ્લિમ છોકરીઓ તરુણાવસ્થામાં પ્રવેશ કરે ત્યારથી જ શરિયા કાયદા પ્રમાણે લગ્નને લાયક ગણાય છે.

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તેમનાં 12-13 વર્ષની વયે લગ્ન કરી દેવાય છે અને વીસ વર્ષની ઉંમરે તે પાંચથી છ બાળકની માતા બની જાય છે. એટલે મુસ્લિમ મહિલાઓની લગ્નની ઉંમરનો મુદ્દો ઉઠાવવો જરૂરી છે, જેથી તેમને બાળલગ્નો સાથે સંકળાયેલા શારીરિક અને માનસિક આઘાતમાંથી બચાવી શકાય.

મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કહેવા પ્રમાણે, આ માટે તેઓ મુસ્લિમ પર્સનલ લૉમાં સુધારો કરવા દેશભરમાં અભિયાન છેડીને મુસ્લિમ મહિલાઓને રૂઢિચુસ્તતાની બેડીઓમાંથી છોડાવશે. આ માટે મંચ મુસ્લિમ વિદ્વાનો જેવા કે મુફ્તી, મૌલાના, ઈમામ, ડૉક્ટર, અધ્યાપક, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોનો અભિપ્રાય પણ લેશે. આ મુદ્દાને આખરી રૂપ અપાઈ ગયા પછી તેને દેશભરમાં તેને લાગુ કરવાનો મંચનો વ્યૂહ છે.

અન્ય સમાચારો પણ છે...