તામિલનાડુમાં પૂરની સ્થિતિ ભયાવહ બની છે. હવામાન વિભાગે તામિલનાડુના 14 જિલ્લામાં ઓરેન્જ અલર્ટ જારી કર્યું છે. સોમવારે પૂરના કારણે વધુ 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, ભારે વરસાદ અને પૂરને કારણે અનેક મકાનો ધ્વસ્ત થયાં છે તથા પશુઓનાં પણ મોત નીપજ્યાં છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં રાજ્યના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ તરફ ઉત્તર-પૂર્વ ભારતમાં પવનો તેજ થતા આગામી દિવસોમાં ગુજરાતમાં પણ તાપમાનનો પારો ગગડશે એવી આગાહી છે. નલિયામાં દર વખતે સૌથી નીચું તાપમાન નોંધાતું હોય છે, આ વખતે નલિયામાં 13.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 16.08 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો આ તરફ ગાંધીનગર સૌથી ઠંડુ શહેર બન્યું છે જ્યારે તાપમાનનો પારો 11 ડીગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ મુજબ, 10 નવેમ્બર સુધી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં માવઠાંની સંભાવના છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિત જૂનાગઢ, રાજકોટ, દ્વારકા અને જામનગરમાં તાત્કાલિક જરૂરી પગલાં લઈ ખુલ્લામાં પડેલા અનાજને નુકસાની ન થાય એની તકેદારી રાખવા ચેતવણી આપવામાં આવી છે. અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે દિવસ અને રાતના તાપમાનમાં લગભગ 10થી 12 ડીગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. વલસાડ અને નલિયામાં લઘુતમ 16 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં પણ તાપમાન નીચું જતાં ઠંડીમાં વધારો થયો છે. તો આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આકરી ઠંડી પડવાની સંભાવના છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.