• Gujarati News
  • National
  • In Ramayana Express, Waiter Is Lifting Eight Utensils In Saffron Clothes, The Monk saint Said This Is Our Insult.

વેઇટર્સને સંતો જેવો ડ્રેસ પહેરાવાતાં વિવાદ:રામાયણ એક્સપ્રેસમાં ભગવા કપડાંમાં એઠાં વાસણો ઉપાડી રહ્યા છે વેઇટર, સાધુ-સંતે કહ્યું- આ અમારું અપમાન

ઉજ્જૈન14 દિવસ પહેલા
  • નારાજ સંતોએ આ અંગે નિર્ણય નહિ કરાય તો ટ્રેન રોકવાની ધમકી આપી છે

રામાયણ સર્કિટ સ્પેશિયલ ટ્રેનમાં સર્વિસ આપનારા વેઇટર્સના ડ્રેસ પર ઉજ્જૈનના સાધુ-સંતોએ વાંધો લીધો છે. ટ્રેનના વેટર્સને કપડાં, ધોતી, પાઘડી અને રુદ્રાક્ષની માળા પહેરાવવામાં આવી છે. સોશિયલ મીડિયા પર પ્રકાશમાં આવેલા VIDEOમાં વેઇટર્સ સંતોના પહેરવેશમાં લોકોને ખાવાનું સર્વ કરતા દેખાઈ રહ્યા છે. આ ઉપરાંત તે લોકોનાં એઠાં વાસણો લઈ જતા પણ દેખાઈ રહ્યા છે.

સંતોનું કહેવું છે કે આ તેમનું અપમાન છે. ટ્રેનના વેઇટર્સને બીજો કોઈ ડ્રેસ પહેરાવવો જોઈએ. ઉજ્જૈનના સંતોએ રેલવે મંત્રીને લેટર લખીને 12 ડિસેમ્બરે શરૂ થનારી ટ્રેનની આગામી ટ્રિપનો વિરોધ કરવાની ચેતવણી આપી છે. નારાજ સંતોએ ટ્રેન રોકવાની વાત પણ કહી છે.

વેટર્સનો પહેરવેશ તાત્કાલિક બદલવાની માગ
અખાડા પરિષદના પૂર્વ મહામંત્રી પરમહંસ અવધેશ પુરી મહારાજે કહ્યું હતું કે ઝડપથી વેઇટર્સનો ડ્રેસ બદલવામાં આવે, નહિતર 12 ડિસેમ્બરે પસાર થનારી આગામી ટ્રેનનો સંત સમાજ વિરોધ કરશે અને ટ્રેનની સામે હજારો હિન્દુઓને લઈને દેખાવો કરવામાં આવશે.

સાધુ પહેરે છે એવા કપડાં ધારણ કરીને લોકોને સર્વિસ આપી રહેલા વેઇટર્સ.
સાધુ પહેરે છે એવા કપડાં ધારણ કરીને લોકોને સર્વિસ આપી રહેલા વેઇટર્સ.

17 દિવસમાં 7500 કિલોમીટરની યાત્રા
દિલ્હીના સફદરગંજ રેલવે સ્ટેશનથી ચાલતી આ ટ્રેનનો પ્રથમ પડાવ અયોધ્યા છે. અહીંથી ધાર્મિક યાત્રા શરૂ થાય છે. અયોધ્યાથી યાત્રાળુઓ રોડ માર્ગે નંદીગ્રામ, જનકપુર, સીતામઢીના રસ્તે નેપાળ લઈ જવામાં આવે છે. એ પછી ટ્રેનથી યાત્રાળુઓને ભગવાન શિવની નગરી કાશી લઈ જવામાં આવે છે. અહીંથી બસ દ્વારા કાશીનાં પ્રસિદ્ધ મંદિરો સહિત સીતા સમાહિત સ્થળ, પ્રયાગ, શ્રૃંગવેરપુર અને ચિત્રકૂટ લઈ જવામાં આવે છે.

ચિત્રકૂટથી આ ટ્રેન નાશિક જાય છે, જ્યાં પંચવટી અને ત્ર્યંબકેશ્વર મંદિરનું ભ્રમણ કરાવવામાં આવે છે. નાશિકથી કિષ્કિંધા નગરી હંપી, જ્યાં અંજની પર્વત સ્થિત શ્રી હનુમાન જન્મસ્થળનાં દર્શન કરાવવામાં આવે છે. આ ટ્રેનનો અંતિમ પડાવ રામેશ્વરમ છે, જ્યાં ધનુષકોટીનાં દર્શન કરાવવામાં આવે છે. રામેશ્વરમથી આગળ આ ટ્રેન 17મા દિવસે પરત આવે છે. રેલવે અને રોડ માર્ગની મુસાફરીને ભેગી કરવામાં આવે તો આ મુસાફરી 7500 કિલોમીટરની છે.

ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે આ ટ્રેનના કોચ
રામાયણ સર્કિટ એક્સપ્રેસ ટ્રેન IRCTCએ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે દેખો અપના દેશ પહેલ અંતર્ગત ચલાવી છે. આ ડિલક્સ એસી ટૂરિસ્ટ ટ્રેનમાં ભગવાન શ્રીરામ સાથે જોડાયેલાં તમામ ધાર્મિક સ્થળોનું ભ્રમણ અને દર્શન કરાવવામાં આવે છે. રામાયણ એક્સપ્રેસને ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવી છે. એસી કોચવાળી ટ્રેનમાં સાઈડવાળી સીટને હટાવીને આરામદાયક ખુરશી-ટેબલ લગાવવામાં આવ્યાં છે. અલગથી ટોઇલેટ પણ બનાવવામાં આવ્યાં છે, જેમાં નાહવાની પણ સુવિધા છે. ટ્રેનમાં બે ડાઈનિંગ કોચ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

રામાયણ સર્કિટ ટ્રેનની અંદરની રેસ્ટોરન્ટ.
રામાયણ સર્કિટ ટ્રેનની અંદરની રેસ્ટોરન્ટ.

12 ડિસેમ્બરે ટ્રેનની આગામી ટ્રિપ
12 ડિસેમ્બરે રામાયણ એક્સપ્રેસ ટ્રેનની આગામી ટ્રિપ છે. એના માટે IRCTCની વેબસાઈટ પર ઓનલાઈન બુકિંગ કરાવી શકાય છે. બુકિંગ વહેલા તે પહેલાના ધોરણે થશે. એસી ફર્સ્ટ ક્લાસમાં યાત્રા માટે પ્રતિ વ્યક્તિ 1 લાખ 02 હજાર 95 અને સેકન્ડ એસીમાં મુસાફરી માટે પ્રતિ વ્યક્તિ 82 હજાર 950 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. 18 વર્ષથી વધુની ઉંમરના પેસેન્જરે કોવિડના બંને ડોઝ લીધેલા હોવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...